કયામત સુધીની સફરનો હિસાબ: જાણો શું છે 'Earth's Black Box' અને તે કેવી રીતે કામ કરે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earths Black Box: જો આવતીકાલે માનવજાત આ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જાય, તો આપણો ઇતિહાસ કોણ કહેશે? શું ભવિષ્યની કોઈ નવી સભ્યતા એ જાણી શકશે કે આપણે આ સુંદર ગ્રહને કેવી રીતે બદલી નાખ્યો અને આપણો પોતાનો વિનાશ કેવી રીતે નોતર્યો? ઇતિહાસ હંમેશાં વિજેતાઓ દ્વારા લખાય છે, પરંતુ જો આ આબોહવા પરિવર્તનની લડાઈમાં માનવજાત હારી જશે, તો સત્યને જીવંત રાખવા માટે ઓસ્ટ્રેલિયાના એક ખૂણામાં એક અવિનાશી સાક્ષી તૈયાર થઈ રહ્યો છે. એ છે 'અર્થ્સ બ્લેક બોક્સ' (Earth's Black Box) – એક એવી અદ્ભુત ઉપાય, જે પૃથ્વીના અંત સુધી માનવજાતનો વારસો સાચવી રાખશે.
શું છે 'અર્થ્સ બ્લેક બોક્સ'?
કોઈ વિમાન દુર્ઘટનાનો ભોગ બને ત્યારે તેની છેલ્લી ક્ષણો અને પાઇલટના નિર્ણયોને જાણવા માટે 'બ્લેક બોક્સ' મદદરૂપ બને છે, તે જ રીતે આ 'અર્થ્સ બ્લેક બોક્સ' પૃથ્વી માટે કામ કરશે. અહીં એક સ્પષ્ટ રૂપક છે: પૃથ્વી એક વિમાન છે અને માનવતા તેનો પાઇલટ છે, જે તેને વિનાશ તરફ લઈ જઈ રહી છે.
આ પ્રોજેક્ટની જાહેરાત 2021ના અંતમાં ગ્લાસગોમાં યોજાયેલી યુએનની COP26 ક્લાઇમેટ સમિટ દરમિયાન કરવામાં આવી હતી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રોજેક્ટ પર્યાવરણીય સંચાર એજન્સી 'રાઉઝર લેબ', આર્ટ કલેક્ટિવ 'ધ ગ્લુ સોસાયટી' અને માર્કેટિંગ એજન્સી 'ક્લેમેન્જર BBDO'ના સહયોગથી 'અર્થ્સ બ્લેક બોક્સ ફાઉન્ડેશન' દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.
હાલની સ્થિતિ શું છે? બાંધકામ ક્યાં સુધી પહોંચ્યું?
જાહેરાત પછી થોડા વર્ષોના મૌન, વહીવટી મંજૂરીઓ અને એન્જિનિયરિંગના ફેરફારો બાદ, આનું ભૌતિક માળખું ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા વિસ્તારના કઠોર વાતાવરણમાં સ્થાપિત થઈ રહ્યું છે. જોકે, તેનો ડિજિટલ કોર 2021થી જ ક્લાઉડ આર્કાઇવમાં સતત ડેટા રેકોર્ડ કરી રહ્યો છે.
આનું એન્જિનિયરિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે?
આ માળખું સંપૂર્ણ સુરક્ષા અને સ્વાયત્તતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેથી તે સદીઓ સુધી અડીખમ રહી શકે.
- સાઇઝ- 16 મીટર લંબાઈ X 4 મીટર ઊંચાઈ X 3 મીટર પહોળાઈ ધરાવતું આ માળખું એક સિટી બસ જેટલું કદ ધરાવે છે.
- બહારનું આવરણ- 7.5 સેન્ટિમીટર (3 ઇંચ) જાડી ભારે સ્ટીલ પ્લેટોનું બનેલું છે.
- કોર પ્રોટેક્શન- અંદરની બાજુ કોંક્રિટ ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું છે અને ઓટોમેટિક ક્લાઇમેટ-કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે.
- પાવર સ્ત્રોત- આર્મર્ડ ગ્લાસ પાછળ સુરક્ષિત સોલાર પેનલ, હેવી-ડ્યુટી બેટરી અને ભૂગર્ભ થર્મોઇલેક્ટ્રિક જનરેટર મુકવામાં આવ્યાં છે.
- ડેટા ક્ષમતા- 30 થી 50 વર્ષ સુધી સતત ડેટા લોગ કરવાની ક્ષમતા ધરાવતી ડિજિટલ ડ્રાઇવ્સ ધરાવે છે.
- અગમચેતી- સમય જતાં ડિજિટલ ડ્રાઇવ્સ ખરાબ થઈ શકે છે, તેથી પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં આ ઐતિહાસિક ડેટાને બાયનરી પ્રતીકોમાં એન્કોડ કરીને સ્ટીલની દિવાલો પર લેસર દ્વારા કોતરવામાં આવશે, જેથી ભવિષ્યમાં માત્ર સામાન્ય લેન્સ (Optical Magnification)ની મદદથી પણ તેને વાંચી શકાય. ભવિષ્યની નવી સભ્યતા આ બાયનરી કોડ અને ભાષાને સમજી શકે તે માટે બોક્સની સાથે એક ખાસ સાંકેતિક માર્ગદર્શિકા (Instruction Manual) પણ કંડારવામાં આવશે.
તે કેવી રીતે કાર્ય કરે છે? શું રેકોર્ડ કરે છે?
આ બોક્સ માત્ર હવામાનનો ડેટા એકત્રિત નથી કરતું. તે બે મુખ્ય બાબતો રેકોર્ડ કરે છે.
- ગ્રહના કઠિન માપદંડ (Scientific Data): વૈજ્ઞાનિક નેટવર્ક્સ દ્વારા તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનનું પ્રમાણ, વૈશ્વિક તાપમાનમાં વધઘટ, મહાસાગરોમાં એસિડનું સ્તર, ગ્લેશિયર્સ પીગળવાનો દર અને લુપ્ત થતી પ્રજાતિઓનો ડેટા સતત મેળવતું રહે છે.
- માનવજાત અને સામાજિક સંદર્ભ (Human & Social Context): આબોહવા સમિટની પ્રતિજ્ઞાઓ, રાજકીય નેતાઓના ભાષણો, વૈશ્વિક સમાચારની હેડલાઇન્સ, સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ તેમજ લશ્કરી ખર્ચ અને અશ્મિભૂત ઇંધણના વપરાશનો ડેટા જેવી વિગતો આ બોક્સમાં ઇન્ટરનેટ પરથી ખાસ સોફ્ટવેર દ્વારા સંગ્રહિત થાય છે. એટલે કે, રાજકારણીઓના કયા ખાલી વચનો આપણને વિનાશ તરફ લઈ ગયા, તેનું સત્ય આમાં સુરક્ષિત રહેશે.
તાસ્માનિયા જ કેમ પસંદ કરવામાં આવ્યું?
માલ્ટા, નોર્વે અને કતાર જેવા દેશોની ચકાસણી કર્યા બાદ આ બોક્સ મૂકવા માટે ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા વિસ્તારના ગ્રેનાઈટ મેદાનોની પસંદગી કરવામાં આવી, એના કારણો નીચે મુજબ છે.
- ભૌગોલિક સ્થિરતા: આ સ્થળ પ્રાચીન અને મજબૂત ગ્રેનાઈટ ખડકો ધરાવે છે, જ્યાં ભૂકંપ કે જ્વાળામુખીનો કોઈ ભય નથી.
- ઊંચાઈ: સમુદ્ર સપાટીથી ઘણું ઊંચું હોવાને કારણે સદીઓ સુધી દરિયાના વધતા જતા સ્તરથી સુરક્ષિત છે.
- રાજકીય સુરક્ષા: આ વિસ્તાર વૈશ્વિક યુદ્ધો અને ભૌગોલિક રાજકીય તણાવથી ઘણો દૂર છે.
- પૂરતો સૂર્યપ્રકાશ: અહીં શિયાળામાં પણ સોલાર પેનલ ચાર્જ થઈ શકે એટલો તડકો મળી રહે છે.
આ બોક્સ પાછળનો અસલી હેતુ શું છે?
આ પ્રોજેક્ટ બે અલગ-અલગ સમયરેખા (Timelines) પર કામ કરે છે. તેનો લાંબા ગાળાનો ઉદ્દેશ્ય ભવિષ્યની સભ્યતાઓ માટે આપણી પૃથ્વીનો સચોટ ઇતિહાસ સાચવી રાખવાનો છે. પરંતુ, તેનો તાત્કાલિક હેતુ આજની પેઢી અને વૈશ્વિક નેતાઓને અરીસો બતાવવાનો છે. રાજકારણીઓ અને કોર્પોરેટ નેતાઓના નિર્ણયો અને તેમની નિષ્ક્રિયતા તેમના નામ સહિત આ અવિનાશી બોક્સમાં હંમેશ માટે નોંધાઈ રહ્યા છે. આ હકીકત જાણીને તેમના પર નૈતિક અને મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થશે, અને બની શકે કે તેઓ પોતાની છબી ઉજળી કરવા માટે જવાબદારીપૂર્વક કામ કરે.
હજુ બચાવની શક્યતા છે?
રાઉઝર લેબના સ્થાપક રોબ બીમિશના શબ્દોમાં કહીએ તો, 'વિમાન હજુ પણ હવામાં છે…' એટલે કે આપણી પાસે બધું સરખું કરવાનો (પૃથ્વીને અને માનવજાતને બચાવવાનો) હજુ પણ સમય છે. આ બોક્સ ઓનલાઇન સક્રિય થવાથી લોકો પોતાના ફોન દ્વારા પણ તેના તારણો જોઈ શકશે, જે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં જનજાગૃતિ લાવશે, જેને પરિણામે કદાચ આપણે પૃથ્વીના ઇતિહાસનું આ છેલ્લું વિનાશક પ્રકરણ બદલી શકીશું.









