Science & Technology

પલળેલો સ્માર્ટફોન ચોખાના ડબ્બામાં મુકો છો? નિષ્ણાતોએ આપી ચેતવણી; આ 7 ભૂલ ક્યારેય ન કરતાં

By GS Team
10 Aug 20264 mins read
TukuTouch Logo
વરસાદમાં સ્માર્ટફોન પલળવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેને ચોખાના ડબ્બામાં મૂકવાની ભૂલ ન કરવી. નિષ્ણાતોના મતે, આ નાની ભૂલ ફોનની સ્ક્રીન, મધરબોર્ડ કે ચાર્જિંગ પોર્ટને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે. પલળેલો ફોન તરત બંધ કરો, કવર કાઢી સૂકા કપડાથી સાફ કરો અને ચાર્જમાં ન મૂકો. હેર ડ્રાયર કે સૂર્યપ્રકાશ પણ ન વાપરો.

Summarized by AI; it may make mistakes. Check important info

પલળેલો સ્માર્ટફોન ચોખાના ડબ્બામાં મુકો છો? નિષ્ણાતોએ આપી ચેતવણી; આ 7 ભૂલ ક્યારેય ન કરતાં

Wet Smartphone Rice Box Warning Experts: વરસાદની સિઝનમાં સ્માર્ટફોન પલળવાની સમસ્યા રહેતી હોય છે. ઘણી વખત ભારે વરસાદના કારણે ખિસ્સામાં રહેલો ફોન ભીનો થઈ જાય છે. તેમજ ક્યારેક બાઇક ચલાવતી વખતે મોબાઈલ પર છાંટા પડવા કે ફોન સીધો પાણીમાં પડવાની સંભાવના રહે છે. આવી પરિસ્થિતિઓમાં મોટાભાગના લોકો પલળેલો સ્માર્ટફોન ચોખાના ડબ્બામાં મુકવાની ભૂલ કરતાં હોય છે. આ મામલે નિષ્ણાતોએ ચેતવણી આપી છે. જેમાં નાની દેખાતી ભૂલ ફોનની સ્ક્રીન, મધરબોર્ડ અથવા ચાર્જિંગ પોર્ટને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદમાં સ્માર્ટફોન પલળે તો શું ધ્યાન રાખવું?

નોંધનીય છે કે, જો તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય અથવા પાણીમાં પડી જાય તો સૌથી પહેલા ગભરાશો નહીં. સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ છે કે, ફોનને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢો અને જો તે ચાલુ હોય તો તેને બંધ કરો. ફોનની અંદર પાણી ભરાઈ જવાથી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ શકે છે જે આંતરિક પાર્ટને નુકસાન પહોંચાડે છે. તેથી ફોન હજુ પણ કામ કરી રહ્યો છે કે નહીં તે વારંવાર તપાસવાનો પ્રયાસ કરશો નહીં.

આ 7 ભૂલ ક્યારેય ન કરતાં

ફોન કવર તાત્કાલિક દૂર કરો. જો સિમ ટ્રે સરળતાથી બહાર નીકળે છે તો તેને પણ બહાર કાઢો. ત્યારબાદ નરમ, સૂકા કપડાથી ફોનને સારી રીતે સાફ કરો. જેમાં ચાર્જિંગ પોર્ટ અને સ્પીકર ગ્રીલ પાસે એકઠું થયેલું પાણી બહાર નીકળી જવા દો. ફોનને જોરથી હલાવવાની ભૂલ ન કરો. આમ કરવાથી પાણી વધુ અંદર ધકેલાઈ શકે છે.

તાત્કાલિક ચાર્જમાં ન મુકો

લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે પલળેલો ફોન ચાર્જમાં મૂકી દે છે. જેમાં જો ફોનની અંદર અથવા ચાર્જિંગ પોર્ટમાં ભેજ હોય તો ચાર્જ કરવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે. ઘણા નવા સ્માર્ટફોન આપમેળે ભેજ અથવા પ્રવાહી ડિટેક્ટનો મેસેજ બતાવે છે. જ્યાં સુધી આ ચેતવણી અદ્રશ્ય થઈ ન જાય અને ઉપકરણ સંપૂર્ણપણે સુકાઈ ન જાય ત્યાં સુધી તમારે ફોન ચાર્જ કરવાનું ટાળવું જોઈએ.

પલળેલો સ્માર્ટફોન ચોખાના ડબ્બામાં મુકો છો?

બીજી એક જૂની રીતમાં એપલ સહિતના ફોન ધરાવતા લોકો ઘણી વખત પલળેલો ફોન ચોખામાં દાટીને રાખવાની ભૂલ કરતાં હોય છે. જોકે, નિષ્ણાતો આને યોગ્ય રીત માનતા નથી. તમને જણાવી દઈએ કે, ચોખા બાહ્ય ભેજને શોષી શકે છે પણ ફોનની અંદર રહેલું પાણી કાઢી શકતું નથી. હકીકતમાં નાના ચોખાના કણો અને ધૂળ ચાર્જિંગ પોર્ટ અથવા સ્પીકરમાં અટવાઈ શકે છે.

હેર ડ્રાયરથી ફોન સૂકવવો કેટલું યોગ્ય?

ઘણા લોકો હેર ડ્રાયર પર ગરમ હવા સેટિંગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ યોગ્ય રીત નથી. તીવ્ર ગરમી આંતરિક એડહેસિવ, ડિસ્પ્લે અને બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. તેવી જ રીતે, ફોનને લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં રાખવાથી, માઇક્રોવેવમાં રાખવાથી અથવા ઓવન પાસે રાખવાની રીત ખતરનાક સાબિત થઈ શકે છે. શ્રેષ્ઠ પદ્ધતિ એ છે કે, ફોનને સામાન્ય ઓરડાના તાપમાને સારી રીતે વેન્ટિલેટેડ વિસ્તારમાં મૂકવો. તમે તેને સૂકવવા માટે ઓછી સેટિંગ પર પંખાનો પણ ઉપયોગ કરી શકો છો.

ખારા પાણી અથવા ક્લોરિનેટેડ પાણીથી ફોનમાં આંતરિક કાટ ઝડપથી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં શક્ય તેટલી વહેલી તકે ફોનને રિપેરિંગ સેન્ટરમાં લઈ જવો શ્રેષ્ઠ ઉપાય છે.

વોટર રેઝિસ્ટન્ટ ફોનમાં શું થાય?

ઘણા લોકો માને છે કે, તેમના ફોનમાં IP67 અથવા IP68 રેટિંગ હોવાથી તેને પાણીથી નુકસાન થશે નહીં. જોકે, આ સંપૂર્ણપણે સાચું નથી. IP રેટિંગનો અર્થ એ નથી કે ફોન સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે. આ સ્તરનું રક્ષણ નિયંત્રિત લેબ પરીક્ષણો દ્વારા નક્કી કરવામાં આવે છે. સમય જતાં ફોનના રબર સીલ બગડી શકે છે. આ ઉપરાંત, જો ફોન પડી ગયા બાદ રિપેર કરાયો હોય કે જૂનો થઈ ગયો હોય તો વોટર રેઝિસ્ટન્ટની ક્ષમતા ઘટી શકે છે. વધુમાં ઘણી કંપનીઓ તેમની વોરંટી હેઠળ પાણીના નુકસાનને આવરી લેતી નથી.

જો સ્ક્રીન ઝબકતી હોય, કેમેરાની અંદર ધુમ્મસ દેખાય, સ્પીકરના અવાજમાં ઘટાડો થાય અથવા ફોન સુકાઈ ગયા પછી પણ ચાર્જિંગની સમસ્યાઓ ઊભી થાય, તો આ સંકેતોને અવગણશો નહીં. ઘણીવાર પાણીના નુકસાનની અસરો તરત જ દેખાતી નથી અને થોડા કલાકો કે દિવસો પછી મધરબોર્ડ પર કાટ લાગવાનું શરૂ થઈ શકે છે. આવા કિસ્સાઓમાં ફોન જેટલી વહેલી તકે વ્યાવસાયિક સફાઈ અને નિરીક્ષણમાંથી પસાર થાય છે તેને બચાવવાની શક્યતા એટલી જ વધારે છે.