ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ગ્રિડમાં બે મોટા ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇન્ટાગ્રામ યૂઝર્સની લાંબા ગાળાની ડિમાન્ડ આખરે સંતોષાઈ
- ગ્રિડમાં અન્યોના ટેગ્ડ ફોટોઝ ઉમેરી શકાશે
ઇન્સ્ટાગ્રામના આપણા ઉપયોગની રેન્જ બહુ વિસ્તરી ગઈ છે. ઘડી-બેઘડી ટાઇમપાસ માટે આપણે રીલ્સ જોવાનું શરૂ કરીએ પછી બે કલાકમાં એમાં પરોવાયેલા રહીએ! એ જ કારણે ઇન્સ્ટાગ્રામ સર્વિસ કન્ટેન્ટ ક્રિએટર્સ તથા નાના મોટા બિઝનેસ માટે પણ બહુ મોટું કમ્યુનિકેશન અને પ્રમોશન ટૂલ બની ગઈ છે.
ઇન્સ્ટાગ્રામનો આ સતત વિસ્તરતો વ્યાપ બરાબર સમજીને કંપની તેમાં અવનવાં ફીચર્સ ઉમેરે છે, જે એવરેજ યૂઝર્સથી માંડીને કન્ટેન્ટ ક્રિએટર્સ અને બિઝનેસિસ સુધી સૌને ઉપયોગી થાય.
હમણાં ઇન્સ્ટાગ્રામમાં આવું એક નવું ફીચર ઉમેરાયું. હવે આપણે અન્ય યૂઝર્સે આપણને જે પોસ્ટ કે ફોટોગ્રાફમાં ટેગ કર્યા હોય તેને પોતાની પ્રોફાઇલ ગ્રિડમાં ઉમેરી શકીશું!
ઇન્સ્ટાગ્રામમાં યૂઝર્સ એકમેકના સપોર્ટમાં આગળ વધી શકે છે અને પોતાની રીચ ફેલાવી શકે છે. ફક્ત શેર્ડ મેમરીઝ અને ફ્રેન્ડઝના ગ્રૂપ ફોટોઝની વાત હોય કે પછી બિઝનેસ ઓરિએન્ટેડ કન્ટેન્ટ, યૂઝર્સ એકબીજાના કન્ટેન્ટને ઇન્સ્ટાગ્રામ પર વિવિધ રીતે પ્રમોટ કરતા હોય છે. તેમાં અન્ય યૂઝરના કન્ટેન્ટનું રીપોસ્ટિંગ બહુ ઉપયોગી થાય છે.
આ નવું ફીચર ઘણે અંશે રીપોસ્ટિંગ જેવું જ છે પરંતુ તેમાં કેટલાક દેખીતા તફાવત છે.
રીપોસ્ટિંગમાં આપણે અન્ય યૂઝરના કન્ટેન્ટ જેવી જ, પણ બિલકુલ નવી પોસ્ટ ક્રિએટ કરવી પડે છે, પરિણામે એ કન્ટેન્ટ માટે જે પણ એંગેજમેન્ટ થાય એ બધું જ ઓરિજિનલ ક્રિએટરની પોસ્ટ અને આપણી નવી પોસ્ટ વચ્ચે વહેંચાઈ જાય છે.
નવા ફીચરમાં આપણે અન્ય યૂઝર્સે જેમાં આપણને ટેગ કર્યા હોય તેવી પોસ્ટ આપણા એકાઉન્ટની પ્રોફાઇલ ગ્રિડમાં ઉમેરીએ તો તેનું ઓરિજનલ પોસ્ટ સાથેનું કનેકશન જળવાઈ રહે છે.
એ કન્ટેન્ટની ઓનરશિપ ઓરિજનલ ક્રિએટરની રહે છે. ઓરિજનલ ક્રિએટરે તેમાં જે કેપ્શન તથા ટેગ્સ ઉમેર્યા હોય તે પણ યથાવત જળવાઈ રહે છે.
આપણે ઇન્સ્ટાગ્રામમાં અન્ય યૂઝર્સની જે પોસ્ટમાં આપણને ટેગ કરવામાં આવ્યા હોય એમની એ પોસ્ટ આપણી મેઇન પ્રોફાઇલ ગ્રિડમાં સહેલાઈથી ઉમેરી શકીએ છીએ.
કોઈ વ્યક્તિ આપણને ટેગ કરે ત્યારે આપણને તેનું ડીએમ (ડાયરેક્ટ મેસેજિંગ)માં નોટિફિકેશન મળે છે.
એ ઉપરાંત આપણી પ્રોફાઇલ ગ્રિડમાં ‘ટેગ્ડ પોસ્ટ’નું એક ટેબ પણ ઉમેરાયું છે. તેને ક્લિક કરતાં આપણને જે પોસ્ટમાં ટેગ કરવામાં આવ્યા હોય તે બધી પોસ્ટ એક સાથે જોવા મળે છે.
તેમાંથી જે કન્ટેન્ટ આપણે પોતાની ગ્રિડમાં ઉમેરવા માગતા હોઇએ તેને પ્રેસ અને હોલ્ડ કરતાં જે ઓપ્શન્સ ઓપન થાય તેમાં ‘એડ ટુ ગ્રિડ’ વિકલ્પ પસંદ કરતાં એ પોસ્ટ આપણી ગ્રિડમાં ઉમેરાઈ જાય છે.
ગ્રિડનું કન્ટેન્ટ ચાહો તેમ ગોઠવો
ઇઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સની લાંબા સમયની એક ડિમાન્ડ આખરે પૂરી થઈ રહી છે. અત્યાર સુધી આપણા પ્રોફાઇલ પેજ પર આપણી બધી પોસ્ટ (ફોટોઝ અને વીડિયોઝ) આપણે જે ક્રમમાં પોસ્ટ કરી હોય એ જ ક્રમમાં જોવા મળતી હતી. આપણે કોઈ પોસ્ટ યૂઝર સૌથી પહેલાં જુએ તેવું ઇચ્છતા હોઇએ તો અમુક પોસ્ટને પિન કરીને તે ટોપ પર રહે એવું સેટિંગ કરી શકીએ. પરંતુ આ રીતે વધુમાં વધુ માત્ર ત્રણ પોસ્ટ ગ્રિડમાં ટોપ પર લોક કરી શકાતી હતી.
પરંતુ ઇન્સ્ટાગ્રામ ખરેખર તો એકદમ ક્રિએટિવ લોકોને તેમની ક્રિએટિવિટી બતાવવા માટેનું પ્લેટફોર્મ છે. ઘણા લોકો તેમની પ્રોફાઇલ ગ્રિડમાં બધી પોસ્ટ સાથે મળીને એક કમ્પ્લીટ પિકચર ઊભું કરે તે રીતે પણ કન્ટેન્ટ પોસ્ટ કરતા હોય છે. જોકે એ માટે તેમણે ઘણું પ્લાનિંગ કરવું પડે.
હવે ઇન્સ્ટાગ્રામ આપણને પ્રોફાઇલ ગ્રિડમાંની પોસ્ટ પોતાની રીતે જ એરેન્જ-રીએરેન્જ કરવાની સગવડ આપે છે. તમે ઇચ્છો તો દસેક વર્ષ પહેલાં પોસ્ટ કરેલું કોઈ કન્ટેન્ટ પણ ફરીથી પ્રોફાઇલ ગ્રિડમાં તરત દેખાય એ રીતે ગોઠવી શકો!
તમારી ઇન્સ્ટાગ્રામ એપમાં આ એપડેટ આવી જાય એ પછી તમારે પ્રોફાઇલ પેજ પર પહોંચીને કોઈ પણ પોસ્ટને જરા લાંબો સમય પ્રેસ કરવાની રહેશે. ‘રીઓર્ડર ગ્રિડ’ એવો ઓપ્શન દેખાય તો તેને સિલેક્ટ કરીને કન્ટેન્ટને જ્યાં ઇચ્છો ત્યાં ડ્રેગ કરી શકશો.
એ પછી નવી એરેન્જમેન્ટ સેવ કરવા માટે ડન બટન ક્લિક કરવાનું રહેશે. આ પદ્ધતિના વિકલ્પ તરીકે તમે પ્રોફાઇલમાં જઇને ‘એડિટ’ પ્રોફાઇલ પર ક્લિક કરો. તેમાં ‘એડિટ ગ્રિડ’ પસંદ કરો અને ગ્રિડમાંની પોસ્ટ ઇચ્છો તે રીતે રીએરેન્જ કરો. એ ધ્યાનમાં લેવા જેવું છે કે આપણે જે કન્ટેન્ટ પિન કર્યું હશે તે યથાવત રહેશે. તેની જગ્યા બદલી શકાશે નહીં.




