Science & Technology

આ તો અમારી નકલ છે...! ફોલ્ડેબલ iPhone Duo આવતાં જ Samsungએ અનેક પોસ્ટ કરી એપલની મજાક ઉડાવી

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
એપલના પહેલા ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચિંગથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. સેમસંગે એપલના ફોલ્ડિંગ ડિઝાઇન અને 'Duo' નામને લઈને X પર કટાક્ષ કર્યો. આ ચર્ચામાં Duolingo કૂદી પડતાં ત્રણેય બ્રાન્ડ્સ વચ્ચેની રમૂજી ખેંચતાણ વાયરલ થઈ. સેમસંગે એપલ પર તેમની ટેકનોલોજી અને Duolingoના નામની નકલ કરવાનો આરોપ મૂક્યો, જેના પર Duolingoએ સેમસંગને 'અગ્લી ટ્વિન' કહી વળતો જવાબ આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

આ તો અમારી નકલ છે...! ફોલ્ડેબલ iPhone Duo આવતાં જ Samsungએ અનેક પોસ્ટ કરી એપલની મજાક ઉડાવી
AI Image

Samsung Mocks iPhone Duo Sparks Viral War With Duolingo: એપલ દ્વારા પોતાના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duoના લોન્ચિંગ બાદ ટેક માર્કેટની સાથે સોશિયલ મીડિયા પર પણ મોટો હોબાળો મચી ગયો છે. ફોલ્ડેબલ માર્કેટમાં વર્ષોથી દબદબો ધરાવતી સાઉથ કોરિયન કંપની સેમસંગે એપલના નવા ફોલ્ડિંગ ડિઝાઇન અને 'Duo' નામને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરા કટાક્ષ કર્યા હતા. જોકે, આ ચર્ચામાં લેંગ્વેજ લર્નિંગ પ્લેટફોર્મ ડ્યુઓલિંગો કૂદી પડતાં બંને બ્રાન્ડ્સ વચ્ચેની રમૂજી ખેંચતાણ જોરદાર વાયરલ થઈ ગઈ છે.

સેમસંગે એપલ અને ડ્યુઓલિંગો બંને પર સાધ્યું નિશાન

સેમસંગ ઘણા વર્ષોથી પોતાની Galaxy Z Series હેઠળ ફોલ્ડેબલ ફોન વેચી રહ્યું છે, જેથી તેણે સ્પષ્ટ ઈશારો કર્યો કે એપલની આ ટેકનોલોજી કોઈ નવી નથી પરંતુ તેમની જૂની નકલ છે.

આ સાથે જ સેમસંગ મોબાઇલ યુએસ એ વાતચીતમાં ડ્યુઓલિંગોને પણ ઘસડી લીધું. સેમસંગે મજાકિયા અંદાજમાં X પર લખ્યું કે, "એપલે માત્ર અમારી ટેકનોલોજીની જ નકલ નથી કરી, પરંતુ ડ્યુઓલિંગોના નામ સાથે મળતી આવતી ચીજ ('Duo') પણ અપનાવી લીધી છે." સેમસંગે ડ્યુઓલિંગોને ટેગ કરીને કહ્યું કે એપલે તમારા નામની પણ ચોરી કરી છે, જેથી આ બાબતે આપણે બંનેએ એકબીજાનો સાથ આપવો જોઈએ.

ડ્યુઓલિંગોએ આપ્યો જડબાતોડ વળતો જવાબ: ‘અગ્લી ટ્વિન’

સેમસંગની આ પોસ્ટ પર ડ્યુઓલિંગોએ ક્ષણનોય વિલંબ કર્યા વિના અત્યંત તીખો અને હાસ્યાસ્પદ જવાબ આપ્યો. ડ્યુઓલિંગોએ સેમસંગ પર ટિપ્પણી કરતાં લખ્યું:

"જ્યારે કોઈ અજાણ્યો અને ખરાબ દેખાતો વ્યક્તિ પોતાને તમારો જોડિયો ભાઈ ગણાવવા લાગે ત્યારે કેવું લાગે?"

પોતાને 'અગ્લી' કહેવાતા સેમસંગે પણ તુરંત પલટવાર કરતાં લખ્યું, "અગ્લી?? પોતાની ભાષા સંભાળો…"

ત્યારબાદ ડ્યુઓલિંગોએ મામલો હળવો કરતાં કહ્યું કે આવેશમાં આવીને આવું કહેવાઈ ગયું હતું, પરંતુ સેમસંગ પોતાના ફોનમાં તેમની એપ્લિકેશનને ખરાબ કે અનઇન્સ્ટોલ ન કરે. બંને વૈશ્વિક કંપનીઓ વચ્ચેની આ ચિટચેટને X પર લાખો વ્યુઝ મળ્યા હતા.

Samsung.jpg

સેમસંગે ફરી એપલને ઘેર્યું: ‘અમારા જૂના આઈડિયા વાપરવાનું બંધ કરો’

ડ્યુઓલિંગો સાથેની નોકઝોંક પછી સેમસંગે સીધું એપલ પર ફરી નિશાન સાધ્યું. સેમસંગે અન્ય એક પોસ્ટમાં કટાક્ષ કર્યો કે:

  • જ્યારે એપલ તેમના જૂના આઇડિયાઝને ફરીથી વાપરવાનું બંધ કરે, ત્યારે તેમને જાણ કરે.
  • ફોનના બેડસાઇડ ક્લોક જેવા ફીચરની પણ મજાક ઉડાવતાં કહ્યું કે આ બધું વર્ષો પહેલાં સેમસંગમાં જોવા મળી ચૂક્યું છે.
  • કંપનીએ ઈશારો કર્યો કે એપલ હજુ માંડ એક ફોલ્ડેબલ ફોન સાથે બજારમાં ઉતર્યું છે, જ્યારે સેમસંગ પહેલેથી જ વિવિધ પ્રકારના ફોલ્ડિંગ ફોર્મ ફેક્ટર્સ રજૂ કરી ચૂક્યું છે અને હવે ટ્રીપલ ફોલ્ડ પર કામ કરે છે.

સ્માર્ટફોન માર્કેટમાં એપલ અને સેમસંગ વચ્ચે વર્ષો જૂની હરીફાઈ છે. સેમસંગ અગાઉ પણ ગેલેક્સી ફોન્સમાં રહેલા ફીચર્સ પાછળથી આઇફોનમાં આવવા બદલ એપલની મજાક ઉડાવતું રહ્યું છે. હવે iPhone Duoની એન્ટ્રીએ બંને દિગ્ગજો વચ્ચેના જૂના 'સોશિયલ મીડિયા વૉર'ને ફરી જીવંત કરી દીધું છે.