Science & Technology

સોશિયલ મીડિયામાં સ્વાસ્થ્યના ખોટા દાવા બદલ દંડ થશે

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં FDA કમિશ્નર તુકારામ મુંઢે હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પર તવાઈ બોલાવશે. સ્વાસ્થ્ય સંબંધિત ગેરમાર્ગે દોરતી જાહેરાતો કે પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી થશે. ફૂડ સેફ્ટી કાયદાના ભંગ બદલ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. FDAએ આવી પ્રોડક્ટ્સને એન્ડોર્સ ન કરવા અને અનવેરિફાઇડ દાવાઓ બંધ કરવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયામાં સ્વાસ્થ્યના ખોટા દાવા બદલ દંડ થશે

પાછલા કેટલાક સમયથી મહારાષ્ટ્રનો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગ ખાસ્સો સક્રિય થઈ ગયો છે. એફડીએના કમિશ્નર તુકારામ મુંઢે સમગ્ર રાજ્યમાં ફૂડ સંબંધિત કાયદાઓના પાલન બાબતે એકદમ કઠોર વલણ અપનાવી રહ્યા છે.
વિવિધ રેસ્ટોરાં પર તવાઈ પછી હવે તેમણે પોતાનું નિશાન સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ પર સાધ્યું છે.
આપણા સૌનો અનુભવ છે કે સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય સંબંધિત દવાઓ અને નુસ્ખાઓની બેફામ દાવાબાજી ચાલતી હોય છે. અનેક લોકો કશું સમજ્યા વિચાર્યા વિના આવી પોસ્ટ્સનું આંધળું અનુકરણ પણ કરતા હોય છે. હવે કમ સે કમ મહારાષ્ટ્રમાં સોશિયલ મીડિયા પર આવી સ્વાસ્થ્ય સંબંધિત બાબતો એડ્સ તથા પોસ્ટ્સ પર અંકુશ આવે તેવી શક્યતા છે.
એફડીએ અનુસાર, ઇન્ટરનેટ પરની વિવિધ જાહેરાતો અને પોસ્ટ્સમાં વિવિધ રોગોની સારવાર કે હેલ્થ સપ્લિમેન્ટ તરીકે કે અમુક ચોક્કસ પ્રોડક્ટ્સની ડોકટર્સ ભલામણ કરે છે એવા દાવા કરવામાં આવે છે. જે ફૂડ સેફ્ટી સંબંધિત કાયદાઓનો ભંગ કરે છે. નિયમો અનુસાર સોશિયલ મીડિયા, ટીવી, ન્યૂઝ પેપર તથા અન્ય મીડિયામાં આવી જાહેરાતો આપી શકાતી નથી. એ કારણે આવી પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવાનું કે અનવેરિફાઇડ અથવા ગેરમાર્ગે દોરતા સ્વાસ્થ્ય સંબંધિત દાવાઓ કરવાનું ઇન્ફ્લ્યુઅન્સર્સે બંધ કરવું પડશે.
કાયદાઓ અનુસાર કોઈ પણ જિમ, ફિટનેસ સેન્ટર, ફાર્મસી અને મેડિકલ સ્ટોર્સમાં હેલ્થ સપ્લિમેન્ટ્સનું વેચાણ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાયસન્સ તથા રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે.
આ બધી જોગવાઈઓના ભંગ બદલ એફડીએ હવે કડક પગલાં લેશે અને રૂપિયા પાંચ લાખથી રૂપિયા દસ લાખ સુધીનો દંડ પણ કરશે.
અત્યાર સુધી સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય સંબંધિત ગેરમાર્ગે દોરતી પોસ્ટ પ્રમોટ કરતા ઇન્ફ્લ્યુઅંસર્સ સામે મોટા ભાગે તેમની પોસ્ટ પરત ખેંચવા જેવાં હળવાં પગલાં લેવામાં આવતાં હતાં. હવે રૂપિયા દસ લાખ સુધીનો દંડ પણ થશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅંસર્સ કોઈ બ્રાન્ડ પાસેથી પ્રમોશન માટે રૂપિયા લઇને એ બ્રાન્ડ જે કંઈ કહે તે પોતાની સોશિયલ પોસ્ટમાં બોલી નાખે એવું હવે ચાલશે નહીં. આવી પોસ્ટ માટે ઇન્ફ્લ્યુઅંસર્સ પોતે જવાબદાર બનશે.