દિવાળીમાં ટેસ્ટ કરો ફૂડ એપ્સનાં મસ્ત ફીચર્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપણને સૌને હવે ફૂડ એપ્સનો ચસકો લાગી ગયો છે ત્યારે…
આપણા સૌના હાથમાં સ્માર્ટફોન ને એમાં ફૂડ ડિલિવરી એપ્સ આવી નહોતી ત્યારે પણ ફૂડની ફટાફટ ડિલિવરી તો થતી હતી, એ પણ વિરાટ પાયે. મુંબઈના ડબ્બાવાલા, છેક ૧૮૯૦થી એ જ કામ કરતા આવ્યા છે. ગજબની ચોક્સાઇથી. કોઈ એપ નહીં. એડ્રેસ જોવા કોઈ ડિજિટલ મેપ નહીં. ટ્રેકિંગ માટે કોઈ જીપીએસની સગવડ નહીં. ફક્ત ચોક્કસ કોડિંગ ને કલરમાર્કવાળા ડબ્બા. સાથે ગજબની શિસ્ત. મુંબઈમાં પાંચેક હજાર ડબ્બાવાલા ગૃિહણીના હાથમાંથી રોજેરોજ બે લાખ જેટલાં ટિફિન લઈ, શહેરના ખૂણેખૂણે પહોંચાડતા આવ્યા છે.
પછી એપ્સ આવી! વર્ષ ૨૦૧૨માં લોન્ચ થયેલી ફૂડપાન્ડા સર્વિસે ભારતમાં મોબાઇલ ફૂડ ઓર્ડરિંગ શરૂ કર્યું. આજે ભારતમાં ફૂડ ડિલિવરી પર્સન તરીકે ૧૪-૧૫ લાખ લોકોને આવકનું નવું સાધન મળ્યું છે!
પછી સ્વિગી આવી, પછી ઝોમેટો આવી. આ બંને એપ એવી છવાઈ ગઈ કે એવી બીજી ઘણી એપ્સ છે, પણ આપણા ખાસ ધ્યાનમાં આવતી નથી.
આ ફૂડ એપ્સ ધીમે ધીમે આપણને કેવી ભાવી ગઈ છે એનું એક ઉદાહરણ જુઓ - ઝોમેટો ૨૦૧૫માં આવી, તેના સીઇઓએ કહ્યું હતું કે કંપનીએ લોન્ચ થયા પછીનાં પહેલાં ત્રણ વર્ષમાં જેટલા ઓર્ડર ડિલિવર કર્યા હતા, એટલા જ ઓર્ડર દસ વર્ષ પછી ડિસેમ્બર ૨૦૨૫ની એક જ રાતમાં ડિલિવર કર્યા હતા! બીજી વાત, ભારતમાં સૌથી વધુ ઓનલાઇન ઓર્ડર કરાતી ફૂડ આઇટેમ છે બિરયાની. દર સેકન્ડે બેથી ત્રણ ઓર્ડર!
હવે કહો, દિવાળી નજીક હોય, આપણા ઘરે મહેમાનોની આવનજાવન અને આગતાસ્વાગતા શરૂ થઈ ગઈ હોય ત્યારે આ ફૂડ એપ્સની વાત કર્યા વિના કેમ ચાલે?!
ગ્રૂપ ઓર્ડરિંગ અને શેર્ડ કાર્ટઃ સૌ કોઈ ઓર્ડર કરી શકે પોતપોતાના ફોનમાંથી
તમારા ફેમિલીમાં આવું થતું હશે - કોઈ સાંજે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો નિર્ણય લેવાય એટલે સૌ કોઈ પોતપોતાનો ઓર્ડર નક્કી કરવા માટે પોતપોતાના ફોનમાં ફૂડ એપ ઓપન કરે. જેમની આઇટેમ નક્કી થતી જાય, એ ફાઇનલ ઓર્ડર અને પેમેન્ટ કરનારના ફોનમાં કાર્ટમાં બધું ઉમેરાવે. એમાં પાછી રોટી ને બદલે પરાઠા ઓર્ડર કરવા જેવું કસ્ટમાઇઝેશન પણ હોય. પરિણામે ફાઇનલ ઓર્ડર કરનાર અકળાય. કેમ કે બીજાના ઓર્ડર ઉમેરવામાં એ પોતાની આઇટેમ શોધી જ ન શકે!
આના ઉપાય તરીકે, ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સમાં ‘ગ્રૂપ ઓર્ડરિંગ’ અને ‘શેર્ડ કાર્ટ’ની સગવડ છે. જે વ્યક્તિ ફાઇનલ ઓર્ડર/પેમેન્ટ કરવાની હોય તે હોસ્ટ બનીને, પોતાના ફોનમાં કોઈ રેસ્ટોરાં ઓપન કરી, ત્રણ ડોટ પર ક્લિક કરીને ‘ગ્રૂપ ઓર્ડર’ પસંદ કરી શકે. આથી એક લિંક જનરેટ થાય, જેને વોટ્સએપ કે અન્ય રીતે ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકાય. એ સૌ પોતાના ફોનમાં એ લિંક ક્લિક કરી, તેમને મનગમતી આઇટેમ્સ ઓર્ડર કરે તથા કસ્ટમાઇઝેશન નક્કી કરી શકે.
દરેક વ્યક્તિના ઓર્ડર અલગ અલગ ફોનમાંથી થાય પરંતુ નોંધાય એક જ શેર્ડ કાર્ટમાં. પછી ગ્રૂપ ઓર્ડર માટેની લિંક જનરેટ કરનાર વ્યક્તિ કાર્ટમાંની બધી ફૂડ આઇટેમ તપાસીને ચેકઆઉટ માટે આગળ વધી પેમેન્ટ કરે. એ પછી ગ્રૂપમાં સામેલ બધી વ્યક્તિ પોતપોતાના ફોનમાં તેમની ડિલિવરી ક્યારે પહોંચશે એ પણ તપાસી શકે! આ રીતે એક સાથે એપ મુજબ, ૪૦-૫૦ લોકો સહિયારો ઓર્ડર આપી શકે!
અચ્છા, આટલું વાંચીને તમને કોઈ નવો સવાલ થયો?
જેમ કે બધા લોકોએ એક જ રેસ્ટોરાંને બદલે અલગ અલગ રેસ્ટોરાંમાંથી આઇટેમ્સ મંગાવવી હોય તો? જુદી જુદી એપ મુજબ, ૪-૫ અલગ અલગ રેસ્ટોરાંમાંથી ઓર્ડર કરવાની પણ સગવડ મળે છે!
અને, હા, ઓર્ડરનું પેમેન્ટ ઓટોમેટિકલી સૌ વચ્ચે સ્પ્લિટ કરવાની સગવડ પણ આવી રહી છે - ફ્રેન્ડ્સની સોલ્જરી વખતે કામ લાગે!
ડાઇનઆઉટ ડિસ્કાઉન્ટઃ બહાર જમવા જાઓ ત્યારે અચૂક લેવા જેવો લાભ
ખર્ચમાં થોડી બચત તો મુકેશભાઈ ને ગૌતમભાઈને પણ સારી લાગતી હશે - બંને ગુજરાતી છેને. આપણે રોજિંદા ખર્ચમાં થોડી બચતના રસ્તા શોધીએ તો એમાં કશું ખોટું નથી!
આવો એક રસ્તો છે કોઈ રેસ્ટોરાંમાં જવાનો પ્લાન બનાવો ત્યારે પ્રી-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટ મેળવવાનો રસ્તો. હવે પછી જ્યારે તમે ફ્રેન્ડ્સ-ફેમિલી સાથે કે પતિ-પત્ની કોઈ રેસ્ટોરાંમાં ડિનરનો પ્લાન બનાવો ત્યારે એમાં મોટી બચત કરી શકો છો.
મોટી એટલે ખરેખર મોટી - ક્યારેક તો પચાસ ટકા સુધીની! દિવાળીના દિવસોમાં મામાને ઘેર બહેન અને એનો પરિવાર કે અન્ય મહેમાનો આવ્યા હોય ત્યારે બહાર જમવા જતી વખતે આ ડિસ્કાઉન્ટ બહુ મીઠું લાગશે!
તમારા ઘરમાં કોઈ જેન-ઝી મેમ્બર હોય તો એને તો આ બધું આવડતું હશે. એ ન હોય કે હોય તો પણ, એના આધારે રહેવાને બદલે, તમે આ રીતે ડાઇનઆઉટ સમયે સારું એવું ડિસ્કાઉન્ટ મેળવવાનો રસ્તો શીખી લો એ સારું છે.
કરવાનું બસ આટલું છે - રેસ્ટોરાંમાં જતાં પહેલાં તમારો ફોન હાથમાં લો. એમાં સ્વિગી કે ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપ હશે જ. ન હોય તો ઇન્સ્ટોલ કરી લો. એમાં ડાઇનઆઉટનો વિકલ્પ શોધી લો.
અમુક-તમુક રેસ્ટોરાં સાથે કેટલું ડિસ્કાઉન્ટ મળશે એ જોવા મળશે. રેસ્ટોરાં સિલેક્ટ કરો. પ્રી-બુકિંગ અને વૉક-ઇન ઓફર્સ તપાસો. ટેબલ બુક કરવા માટે, વ્યક્તિ અને ટાઇમ સ્લોટ પસંદ કરી, ટેબલ બુક કરો. આ બધામાં વિવિધ શરતો લાગુ હોય, જેમ કે અમુક દિવસે-સમયે ડિસ્કાઉન્ટમાં વધઘટ હોઈ શકે. ક્યારેક પ્રી-બુકિંગ સમયે નજીવું પેમેન્ટ પહેલેથી કરવું પડે.
એ બધા કોઠા ભેદીને અસલ રેસ્ટોરાંમાં પહોંચો. નિરાંતે ફૂડની મજા માણો અને છેવટે બિલ આવે ત્યારે તમારી એપ ઓપન કરી, તેમાંથી ડિસ્કાઉન્ટ પછીની રકમનું રેસ્ટોરાંને પેમેન્ટ કરો. ડિસ્કાઉન્ટની રકમ જોઈને, બીજી વાર જમ્યાનો આનંદ મળશે એ નક્કી!
મહેમાન મોડઃ મહેમાનને પોતાનો ફોન આપો, મેનૂ પ્રાઇસિસ હાઇડ કરીને
દિવાળીના દિવસોમાં આપણા ઘરે મહેમાનો આવે ત્યારે કેટલીક વાર આપણે થોડી મૂંઝવણમાં મુકાતા હોઇએ છીએ. મહેમાનોની સંખ્યા વધુ હોય તો ઘરે રસોઈ બનાવવાને બદલે આપણે ફૂડ ડિલિવરી એપમાં કંઈ ઓર્ડર કરી લેવાનું વિચારીએ. સ્વાભાવિક છે કે આવે સમયે આપણા પરિવારના સભ્યો તથા મહેમાનો સૌ કોઇને આપણે પોતપોતાની પસંદગીની ફૂડ આઇટેમ્સ ઓર્ડર કરવાનું સૂચવીએ (ત્યારે પેલો ગ્રૂપ ઓર્ડરિંગનો રસ્તો પણ અજમાવી શકાય).
આટલું કરીને આપણે પોતાનું કામ સહેલું કરી લઇએ. પરંતુ હવે મહેમાનને મૂંઝવણ થાય!
ફૂડ એપમાં તેઓ કોઈ ચોક્કસ રેસ્ટોરાંમાંથી કોઈ ચોક્કસ આઇટેમ ઓર્ડર કરવા માગતા હોય પરંતુ તેનો ભાવ વધુ દેખાય તો મહેમાન તેનો ઓર્ડર કરતાં ખચકાય. કારણ કે છેવટે બધાના ઓર્ડરનું પેમેન્ટ આપણે એટલે કે યજમાન કરવાના હોય.
એકમેક પર વધુ ભાર ન નાખવાનું આ સાહજિક સૌજન્ય સારી જ વાત છે. પરંતુ થાય એવું કે તેને કારણે મહેમાને પ્રમાણમાં સસ્તી અને કદાચ ન ભાવતી વાનગીઓ ઓર્ડર કરવા મન મનાવવું પડે (ફ્રેન્ડ્સના કિસ્સામાં ભાવ જોઈને એ આપણને બરાબર ઝપટમાં લે એવું પણ બને)!
આ તકલીફનો ઝોમેટોમાં ઉપાય આવી રહ્યો છે. એક યૂઝરે ઝોમેટોના કો-ફાઉન્ડર દીપિન્દર ગોયેલને ટેગ કરીને લિંક્ડઇન પર આ વિશે એક પોસ્ટ મૂકી. તેમણે કહ્યું કે જ્યારે મહેમાનોને ફૂડ ડિલિવરી એપથી ઓર્ડર કરવાનું સૂચન કરવામાં આવે ત્યારે તેમની મૂંઝવણ ટાળવા માટે મેનૂમાં લખેલી કિંમતો હાઇડ કરી દેવાની સગવડ હોવી જોઇએ. ઝોમેટોના કો-ફાઉન્ડરને આ સૂચન ગમી ગયું. તેમણે કહ્યું કે ડન, આ દિવાળી પહેલાં ઝોમેટોમાં આ સૂચનનો અમલ થઈ જશે (લિંક્ડઇન પર સૂચનવાળી વાત પીઆર-પ્રમોશન એક્સરસાઇઝ હોય એવું પણ બને).
ઝોમેટોમાં આ ફીચર મોટા ભાગે ‘મહેમાન મોડ’ તરીકે ઓળખાશે. યજમાન તરીકે આપણે પોતાના ફોનમાં ઝોમેટો એપ ઓપન કરી, તેમાં આ ‘મહેમાન મોડ’ ઓન કરીને પછી ફોન મહેમાનના હાથમાં મૂકી શકીશું.
મહેમાન હવે નિશ્ચિંત બનીને, કોઈ ખચકાટ ને કિંમતો જોયા વગર મનગમતી વાનગીઓ ઓર્ડર કરી શકશે. પછી આપણે ફોન પાછો પોતાના હાથમાં લેશું અને ઓર્ડર માટે પેમેન્ટ કરવા આગળ વધી શકીશું!
ફેવરિટ ફૂડનું લિસ્ટ બનાવી લો
ઘણાં ખરાં ફેમિલીમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાની ને પેમેન્ટ કરવાની જવાબદારી એક કાયમી મેમ્બરે સંભાળવી પડતી હોય છે. તમારે માથે એ જવાબદારી ન હોય, તો તમારે તો સોફે બેઠાં બેઠાં ઓર્ડર જ કરવાનો, ‘મારે રેડ પાસ્તા!’.
એનો ગેરફાયદો એ કે ફૂડ એપ્સનાં ઘણાં ફીચર્સ તમારા ધ્યાન બહાર રહી જાય. જેમ કે રેસ્ટોરાં કે ફૂડ આઇટેમ ‘ફેવરિટ’ તરીકે માર્ક કરવાની સુિવધા.
જેમ ઓનલાઇન શોપિંગ સાઇટ્સમાં આપણે મનગમતી વસ્તુઓ ‘વિશલિસ્ટ’માં ઉમેરી શકીએ, એ જ રીતે, ફૂડ એપ્સમાં ફેવરિટ તરીકે નોંધી શકાય. ફૂડ એપ મુજબ આ ફીચરનું નામ અલગ હોય, તેમ ફેવરિટ તરીકે નોંધવાની રીત પણ થોડી ઘણી અલગ હોય, પણ મૂળ કન્સેપ્ટ એ જ.
ફાયદો એ કે તમે ખરા ફૂડી હોય તો ક્યારેક ભરપેટ જમ્યા પછી, આડા પડખે થયા હો ત્યારે પણ ફૂડ એપ ઓપન કરી, તેમાં મનગમતી રેસ્ટોરાં કે આઇટેમ તમારા ફેવરિટ લિસ્ટમાં ઉમેરી શકો. ઓર્ડર કરતી વખતે ફાંફાં મારવાની કોઈ જ ઝંઝટ જ નહીં. ફેવરિટ લિસ્ટ ઓપન કરો અને ફટ દઈને, પહેલેથી નક્કી કરી રાખેલી આઇટેમ ઓર્ડર કરી દો.
એ જ રીતે, કોઈ રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કર્યા પછી સારો અનુભવ ન થયો હોય તો ઘણી ફૂડ એપમાં, તેને માટે ‘નેવર શો ધીસ અગેઇન’ કહીને તેને બ્લેક લિસ્ટ પણ કરી શકાય.
હોટેલનું ફૂડ અનુકૂળ ન હોય ત્યારે પણ ફૂડ એપ કામ લાગી શકે!
અચ્છા, આ કોઈ ફૂડ એપનુું ફીચર નથી, પણ આપણા જુગાડની વાત છે. આપણે ટુરમાં જઈએ ત્યારે મોટા ભાગે બ્રેકફાસ્ટ સાથેની હોટેલ રૂમ બુક કરતા હોઈએ છીએ. કારણ પાક્કું ગુજરાતી. સવારમાં થાય એટલો મોડો બ્રેકફાસ્ટ કરવાનો. ભરપેટ કરવાનો. પછી લંચ સ્કીપ કરી નાખવાનું. વચ્ચે ‘સાઇટસીન’ (‘સાઇટસીઇંગ’નું ‘સાઇટસીન’ કરી નાખવાનું પાપ આપણે જ કરતા હશું!) વખતે આચરકૂચર ખાવાનું એટલે ડિનરમાં પણ ટૂંકેથી પતાવી શકાય!
તમારે સાવ આવું ન કરવું હોય, પણ જે હોટેલમાં રોકાયા હો ત્યાંનું લંચ કે ડિનર મોંઘું પડતું હોય અથવા કોઈની તબિયત સારી ન હોય તો લોકલ રેસ્ટોરાંમાંથી કંઈક સાદું ફૂડ ઓનલાઇન ઓર્ડર કરી શકાય. હવે ઘણા લોકો લંચ કે ડિનર સમયે આ રીતે ઓનલાઇન ઓર્ડર કરીને હોટેલની બહાર, રસ્તા પર ડિલિવરી પર્સનની રાહ જોતા જોવા મળે છે. હોટેલવાળાને આ ગમે નહીં, પણ એ મોટા ભાગે ચલાવી લેતા હોય એવું લાગે છે.
હા, એપમાં એડ્રેસ ઘરને બદલે હોટેલનું આપવાનું ભૂલશો નહીં!
ટ્રેનની સીટ પર ફૂડ ડિલિવરી
અનેક વિદેશી પ્રવાસીઓ અવારનવાર ભારત આવીને દેશના ખૂણેખૂણાનો પ્રવાસ ખેડતા હોય છે. સમગ્ર દેશમાં ફરી વળવા માટે મોટે ભાગે તેઓ રેલવેનો ઉપયોગ કરતા હોય છે. આવી જ રીતે યુકેથી આવેલા એક પ્રવાસીને ભારતીય રેલવેનો અનોખો અનુભવ થયો. બનવાજોગ એ પ્રવાસી યુકેના કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅંસર છે. બન્યું એવું કે તે ટ્રેનમાં ઉત્તર ભારતમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કોઈ સાથી ભારતીય પ્રવાસીની મદદથી એપ પર ફૂડ ઓર્ડર કર્યું. એમની ટ્રેન કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર ફક્ત પાંચેક મિનિટ ઊભી રહી પરંતુ એટલા સમયમાં ઓર્ડર કરેલું ફૂડ તેમના સુધી પહોંચી ગયું!
ભાઈ તો આભો બની ગયો!
તેણે પોતાનો અનુભવ વીડિયો સ્વરૂપે શેર કર્યો. તેમાં પોતે કેવી રીતે એપ પર ફૂડ ઓર્ડર કર્યું, કેવી રીતે એપમાંથી તેના માટે પેમેન્ટ કર્યું અને ટ્રેનમાં મુસાફરી ચાલુ હોવા છતાં ફૂડ કેવી રીતે તેના સુધી પહોંચ્યું એ બધી વિગતો વીડિયોમાં ઉમેરી. સાથોસાથ નોંધ લખી કે યુકેએ આમાંથી શીખવા જેવું છે.
અત્યારે ભારતમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ફૂડ ઓન ટ્રેક, રેલરીસ્ટ્રો તથા રેલયાત્રી જેવી ભારતીય રેલવેની વિવિધ એપની મદદથી આપણે ચાલતી ટ્રેનમાંથી ફૂડ ઓર્ડર કરી શકીએ છીએ. એ જ રીતે ઝોમેટો જેવી પ્રાઇવેટ કંપનીએ પણ આઇઆરસીટીસી સાથે ઇ-કેટરિંગ માટે પાર્ટનરશિપ કરી હોવાથી તેના મારફત પણ આપણે ફૂડ ઓર્ડર કરી શકીએ છીએ. ઝોમેટો કંપનીની વેબસાઇટ કહે છે કે કંપનીએ અત્યાર સુધીમાં ૬૪ લાખ ઓર્ડર ટ્રેનમાં ડિલિવર કર્યા છે! કંપની અત્યારે ૧૭૦થી વધુ રેલવે સ્ટેશન પર, ૩૦૦૦ જેટલી ટ્રેનમાં જાણીતી રેસ્ટોરાં ચેઇન્સમાંથી ફૂડ સપ્લાય કરે છે.
આપણે ચાલતી ટ્રેનમાંથી ફૂડ ઓર્ડર કરીએ ત્યારે પોતાની ટિકિટ અને પીએનઆરની વિગતો આપવાની હોય છે. આ વિગતોને આધારે કંપની આપણી ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણતી રહે છે અને ટ્રેન જે તે સ્ટેશને પહોંચે તે સાથે તેના ડિલિવરી પાર્ટનર આપણી ટ્રેન સીટ પર ફૂડ પાર્સલ પહોંચાડે છે - તમારી આ વખતની ટુર વખતે યાદ રાખવા જેવી વાત!
પુરાની દિલ્હીના અસલી છોલે ભટૂરે દાઢે વળગ્યા છે? ઘરે ડિલિવરી મેળવો
ઘણાં અમદાવાદી ફેેમિલીને મુંબઈનાં વડાપાઉં એટલાં ભાવતાં હોય કે ક્યારેક નવરાંબેઠાં, સવારની ટ્રેનમાં બોરીવલી જઈ, સ્ટેશન બહાર વડાપાઉં ખાઈને બપોરની ટ્રેનમાં પરત આવવાના વિચાર પણ થતા હોય! ઝોમેટોએ આ ખયાલી પુલાવને હકીકતમાં ફેરવ્યો - ‘ઇન્ટરસિટી લીજન્ડ્સ’ નામે. એમાં આપણે બીજા કોઈ શહેરના ફેવરિટ રેસ્ટોરાંની આઇકોનિક આઇટેમ ઓર્ડર કરી શકતા હતા, આપણ શહેરમાં, ઘેરબેઠાં!
આવા ઇન્ટરસિટી ઓર્ડરનું સ્પેશિયલ પેકિંગ થાય. પછી બાય એર અને બાય રોડ ડિલિવરી થાય! ‘પુરાની દિલ્હી કે છોલે ભટુરે’ કે ‘અસલી હૈદરાબાદી બિરયાની’ વગેરે મોટા ભાગે આપણા સુધી બીજા-ત્રીજા દિવસે પહોંચે. આપણે તેને ગરમ કરીને ‘ઓથેન્ટિક’ અને ‘રિઅલી સ્પેશિયલ’ ટેસ્ટની મજા માણી શકીએ. ખિસ્સું ખાસ્સું ઢીલું કર્યા પછી.
જોકે આવી ઇન્ટરસિટી ડિલિવરીમાંની ઝંઝટો જોઈને ઝોમેટોએ આ સર્વિસ ઓગસ્ટ ૨૦૨૪માં સમેટી લીધી. આમ છતાં, તમારો ફૂડી કીડો સંતોષવો હોય તો Tastes2Plate, Hungersate કે JustMyRoots જેવાં પ્લેટફોર્મ તપાસી જુઓ. પછી તમે પણ અમદાવાદ કે રાજકોટ બેઠાં, દિલ્હીના દહીં ભલ્લાનો ટેસડો કરી શકશો!
હા, આટલું પણ કરજો…
દિવાળીમાં કે અન્ય દિવસોમાં તમે જ્યારે ફૂડ ડિલિવરી એપની મદદથી ફૂડ ઓર્ડર કરો ત્યારે ડિલિવરી પર્સનને કંઈક ટિપ આપો તો ઘણું સારું, બાકી કમ સે કમ સારો રિવ્યૂ (જો એ તેના હકદાર હોય તો) અને ‘થેંક્યૂ’ સાથે ‘હેપ્પી દિવાળી’ કહેવાનું ભૂલશો નહીં. આપણે ફ્રેન્ડ્સ-ફેમિલી સાથે દિવાળી સેલિબ્રેશન કરતા હોઈએ ત્યારે એ લોકો પોતાના ફેમિલીને ઘરે મૂકીને આપણી સગવડ સાચવતા હોય છે. એમને એનું મહેનતાણું મળે છે એ વાત સાચી, પણ દિવાળીમાં કોઈના ચહેરા પર સ્મિતનું કારણ બનીએ, એ પણ દિવાળી સેલિબ્રેશન જ છે!




