‘Siri તમારી AI ગર્લફ્રેન્ડ નહીં બને, સિરીને તેમાં જરાય રસ નથી...’ એપલના સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડરિગીની સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Siri Will Not Work as Girlfriend: જો તમે એપલના જાણીતા વોઈસ આસિસ્ટન્ટ 'સિરી' સાથે રોમેન્ટિક સંબંધો કે મિત્રતા બાંધવાનું વિચારી રહ્યા હોવ, તો એપલે તમને મોટો ઝટકો આપ્યો છે. ટેક જાયન્ટ એપલે સ્પષ્ટ કર્યું છે કે તેનો નવો અપગ્રેડેડ સિરી અનુભવ કોઈપણ પ્રકારની 'AI કમ્પેનિયન' કે રોમેન્ટિક પાર્ટનર બનવા માટે તૈયાર કરવામાં આવ્યો નથી. WWDC 2026 ઇવેન્ટમાં સિરીના નવા વર્ઝન વિશે વાત કરવામાં આવી હતી. ત્યાર બાદથી તે એક કમ્પેનિયન તરીકે પણ કામ કરી શકશે એવી ચર્ચા હતી. જોકે એક ઇન્ટરવ્યૂમાં એપલના સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડરિગી અને માર્કેટિંગ ચીફ ગ્રેગ જોસ્વિયાકે કંપનીની આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટ્રેટેજી અંગે ખુલીને વાત કરી હતી.
ક્રેગ ફેડરિગીએ શું કહ્યું?
જ્યારે ક્રેગ ફેડરિગીને પૂછવામાં આવ્યું કે, "શું યુઝર્સ સિરીને પોતાની AI ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવી શકશે?" ત્યારે તેમણે આ વિચારને સદંતર ફગાવી દીધો હતો. ફેડરિગીએ જણાવ્યું કે એપલનો અભિગમ બજારમાં રહેલા અન્ય AI ચેટબોટ્સ કરતાં સાવ અલગ છે, જે યુઝર્સને ઈમોશનલ કનેક્શન બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
સિરીના પર્સનાલિટી અભિગમ અંગે વાત કરતા તેમણે રમૂજી અંદાજમાં કહ્યું: "સિરી ખરેખર યુઝર્સને કહેવા માંગે છે કે, 'સાંભળો, હું અહીં એ કામ માટે નથી. હું તમારી મદદ કરવા માટે અહીં છું. હું તમને તમારા કામ પૂરા કરવામાં અને દુનિયા વિશે જાણવામાં મદદ કરી શકું છું.' જો કોઈ યુઝર સિરી સાથે રોમેન્ટિક પાર્ટનર તરીકે વાત કરવાનો પ્રયાસ કરશે, તો સિરી તેના માટે તૈયાર નથી. સિરીને આ બાબતમાં 100 ટકા કોઈ રસ નથી."
નવા iOS 27 સાથે બદલાશે સિરીનો અંદાજ
એપલની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે કંપની iOS 27 સાથે સિરીનો એક નવો અને અત્યંત પાવરફુલ AI અવતાર રજૂ કરવા જઈ રહી છે. એપલના માર્કેટિંગ ચીફ ગ્રેગ જોસ્વિયાકે જણાવ્યું કે, "અમે માત્ર નામ ખાતર કે દેખાડો કરવા માટે AI નથી બનાવતા."
એપલ ઈચ્છે છે કે AI ફીચર્સ યુઝર્સના રોજિંદા અનુભવમાં એટલી સહજતાથી ભળી જાય કે યુઝર્સે કોઈ 'પ્રોમ્પ્ટ એક્સપર્ટ' બનવાની જરૂર ન પડે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય સિરીને માત્ર એક પ્રેક્ટિકલ આસિસ્ટન્ટ તરીકે રાખવાનો છે જે યુઝર્સના કમાન્ડ્સ અને કાર્યોને વધુ સચોટતાથી પૂરા કરી શકે.
પ્રાઇવસી પર એપલનો સૌથી મોટો ભાર
આ ઇન્ટરવ્યૂ દરમિયાન ફેડરિગીએ પ્રાઇવસીને એપલની AI વ્યુહરચનાનો સૌથી મહત્ત્વનો હિસ્સો ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે અન્ય કંપનીઓની જેમ એપલ યુઝર્સનો પર્સનલ ડેટા ક્લાઉડ પર ઓપનલી સ્ટોર નથી કરતી. યુઝર્સનો તમામ ડેટા તેમના પોતાના ડિવાઇસ પર જ સુરક્ષિત રહે છે અને સિરી લોકલી જ તે માહિતીનો ઉપયોગ કરીને મદદ કરે છે, જેથી યુઝરની પ્રાઇવસી સાથે કોઈ સમજૂતી થતી નથી.









