શું છે સ્પ્લૅશડાઉન? શુભાંશુ શુક્લાને લઈને આવી રહેલું સ્પેસક્રાફ્ટ દરિયામાં કેમ ઉતરી રહ્યું છે? જાણો વિગતવાર…
What is Splashdown?: એક્સિઓમ-4 મિશનમાં શુભાંશુ શુક્લાની સાથે અન્ય ત્રણ મેમ્બરોનો પણ સમાવેશ થાય છે. તેઓ 18 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા. ત્યાંથી અનડોકિંગ થયા બાદ 22.5 કલાકની મુસાફરી બાદ તેમનું સ્પેસક્રાફ્ટ 15 જુલાઈ એટલે કે આજે બપોરે ત્રણ વાગ્યે કેલિફોર્નિયાના દરિયામાં લૅન્ડ કરશે. દરિયામાં લૅન્ડ કરવાની પ્રક્રિયાને સ્પ્લૅશડાઉન કહેવામાં આવે છે. દરિયામાં સ્પ્લૅશડાઉન થતાં જ તેમનું એક્સિઓમ-4 મિશન પૂરું થઈ જશે અને ત્યાર બાદ તેઓ સાત દિવસના રિહૅબ પ્રોગ્રામમાં જશે. સ્પેસક્રાફ્ટને સ્પ્લૅશડાઉન અને ટચડાઉન બે રીતે લૅન્ડ કરાવવામાં આવે છે. જોકે સ્પ્લૅશડાઉનને વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
શું છે ડી-ઓર્બિટ બર્ન?
સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાયુમંડળમાં દાખલ થતાં જ પ્રશાંત મહાસાગરની ઉપર એ ડી-ઓર્બિટ બર્ન કરશે એવી આશા છે. બપોરે બે વાગ્યે અને સાત મિનિટે આ પ્રક્રિયા શરુ થશે. અંતરિક્ષમાંથી કોઈ પણ સ્પેસક્રાફ્ટને પૃથ્વીના વાયુમંડળમાં લાવતાએઑવા પહેલાં એની ઝડપને ઓછી કરવી પડે છે. આ સ્પીડ ઓછી કર્યા બાદ એને ધીમે ધીમે પૃથ્વીના વાતાવરણમાં લાવવામાં આવે છે. આ ઝડપને ઓછી કરવા માટે સ્પેસક્રાફ્ટના થ્રસ્ટર્સ એટલે કે નાના એન્જિનને ચોક્કસ સમયે અને ચોક્કસ દિશામાં ચાલુ કરવામાં આવે છે, જેથી એની ઝડપ ઓછી કરી શકાય. આ એન્જિનને મોટાભાગે વિરુદ્ધ દિશામાં શરુ કરવામાં આવે છે જેથી ઝડપ ધીમે ધીમે ઓછી થાય. આ પ્રક્રિયાને ડી-ઓર્બિટ બર્ન કહેવામાં આવે છે.
ટચડાઉનની જગ્યાએ સ્પ્લૅશડાઉન કેમ કરવામાં આવી રહ્યું છે?
ટચડાઉન પ્રક્રિયામાં સ્પેસક્રાફ્ટ બ્રેકિંગ સિસ્ટમ અને પેરાશૂટની મદદથી જમીન પર ઉતરે છે. સ્પ્લૅશડાઉનમાં પણ એ જ રીતે લૅન્ડ કરવામાં આવે છે, પરંતુ જમીનની જગ્યાએ એ પાણીમાં હોય છે. દરિયામાં ઉતારવા માટે સ્પેસક્રાફ્ટની સ્પીડને ઓછી કરવા માટે પેરાશૂટનો જ ઉપયોગ કરવામાં આવે છે. સ્પેસક્રાફ્ટને પાણીમાં ઉતારવાની પ્રક્રિયા સરળ અને સુરક્ષિત હોવાથી ઘણી એજન્સીઓ પાણીમાં જ ઉતારવાનું પસંદ કરે છે. નાસાના એક્સપર્ટ મુજબ પાણી એક તકિયા અથવા તો ગાદલાની જેમ કામ કરે છે. સ્પેસક્રાફ્ટ પર આવતું વજન અને પ્રેશરને એ સહન કરી લે છે. જોકે જમીન પર જ્યારે ઉતારવામાં આવે ત્યારે એ પ્રેશર સ્પેસક્રાફ્ટ પર જ આવે છે અને દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે.
સ્પ્લૅશડાઉનમાં ઉત્તમ લૅન્ડિંગ ગિયર અથવા તો ટૅક્નોલૉની જરૂર નથી
ટચડાઉન પ્રક્રિયામાં બની શકે કે સ્પેસક્રાફ્ટમાં તકલીફ આવી શકે જેની અસર બીજી વાર એને લોન્ચ કરવામાં આવે. આ સમસ્યા પણ સ્પ્લૅશડાઉનમાં જોવા મળતી નથી. નાસાએ મર્ક્યુરી, જેમિની અને અપોલો મિશન બાદ સ્પ્લૅશડાઉન પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો શરુ કર્યો છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જ્યારે પૃથ્વી પર આવ્યા હતા ત્યારે પણ સ્પ્લૅશડાઉન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાત દિવસ માટે રિહૅબમાં હાજરી આપશે
આ મિશન પૂરું થતાં અંતરિક્ષ યાત્રીઓ સીધા રિહૅબ પ્રોગ્રામમાં જશે. આ પ્રોગ્રામ સાત દિવસ માટેનો છે. આ પ્રોગ્રામ યાત્રીઓ પૃથ્વીની ગ્રૅવિટી સાથે સુસંગત થઈ જાય એ માટે કરવામાં આવે છે. તેમને પૃથ્વી પર પહેલા દિવસે બોલપેન ઉઠાવવામાં પણ થાક લાગે છે. એ પણ તેમને ભારે લાગે છે. આ સ્પેસક્રાફ્ટમાં 263 કિલોગ્રામનો સામાન પણ છે. આ સામાનમાં મશીનની સાથે અંતરિક્ષ યાત્રીઓએ કરેલાં 60થી વધુ પ્રયોગોના ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મિશનમાં કોણ-કોણ હાજર હતું?
શુભાંશુ શુક્લા ભારતીય ગ્રૂપ કમાન્ડર અને ઇસરોના અંતરિક્ષ યાત્રી છે. તેની સાથે એક્સિઓમ-4 મિશન કમાન્ડર અને નાસાના ભૂતપૂર્વ અંતરિક્ષ યાત્રિ પેગી વ્હિટસનની સાથે મિશન સ્પેશ્યાલિસ્ટ સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કીનો પણ સમાવેશ થાય છે. હંગેરીના અંતરિક્ષ યાત્રી ટિબોર કપુ પણ તેમની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા.
ઇસરો માટે મોટું મિશન
ઇસરો 2027માં પહેલી વાર મનુષ્યને લઈને ગગનયાન મિશન કરી રહ્યું છે. આથી ઇસરો અને ભારત માટે એક્સિઓમ-4 મિશન ખૂબ જ મહત્ત્વનું હતું. એના ડેટા ગગનયાન મિશન માટે ખૂબ જ કામ આવશે. એક્સિઓમ-4 મિશન માટે ભારતે 550 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જોકે એના દ્વારા જે પ્રયોગો કરવામાં આવ્યા છે એ ઇસરો માટે ખૂબ જ મહત્ત્વના હોવાથી આ મિશન તેમના માટે ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ સાબિત થયું છે.