પૃથ્વી પર આવ્યા બાદ સાત દિવસના રિહેબ પ્રોગ્રામ કરશે શુભાંશુ શુક્લા: 15 જુલાઈએ કેલિફોર્નિયાના દરિયામાં લેન્ડ કરશે…
Shubhanshu Shukla Rehab Program: શુભાંશુ શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર આવવાનો છે અને ત્યાર બાદ તે સાત દિવસ માટેના રિહેબ પ્રોગ્રામમાં જોડાશે. એક્સિઓમ-4 મિશન હેઠળ શુભાંશુ શુક્લા 18 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયો હતો. પૃથ્વી પર આવ્યા બાદ ગ્રેવિટી સાથે સુસંગત થવા માટે અંતરિક્ષ યાત્રીઓએ રિહેબ પ્રોગ્રામ કરવો પડે છે. શુભાંશુ માટેનો આ પ્રોગ્રામ સાત દિવસ માટેનો છે. આ માહિતી ઇસરો દ્વારા આપવામાં આવી છે.
26 જૂને કર્યું હતું ડોકિંગ
શુભાંશુ શુક્લા અને તેમના સાથી કમાન્ડર પેગી વ્હિટ્સન, મિશન સ્પેશ્યાલિસ્ટ સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી અને હંગેરીના અંતરિક્ષ યાત્રી ટિબોર કપુ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા. તેમણે 26 જૂને ડોકિંગ કર્યું હતું. તેઓ હવે 14 જુલાઈએ સવારે 7:05 વાગ્યે એટલે કે ભારતમાં સાંજે 4:35 વાગ્યે અનડોકિંગ કરશે. ઓરબિટમાં ફર્યા બાદ તેઓ 15 જુલાઈએ બપોરે ત્રણ વાગ્યે કેલિફોર્નિયાના દરિયામાં લેન્ડ કરશે.
શુભાંશુ શુક્લાની ટ્રિપ માટે ભારતને કેટલો થયો ખર્ચ
શુભાંશુ શુક્લાના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મિશન માટે ઇસરો દ્વારા ₹550 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ભારત દ્વારા 2027માં ગગનયાન મિશન કરવામાં આવી રહ્યું છે. આ મિશનમાં મનુષ્ય જઈ રહ્યા હોવાથી સ્પેસ વિશે માહિતી ભેગી કરવી ઇસરો અને ભારત માટે ખૂબ જ જરૂરી હતી. આથી શુભાંશુ શુક્લાના મિશન પાછળ આટલા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. આ વિશે ઇસરોએ કહ્યું, ‘ઇસરોના ફ્લાઇટ સર્જન દ્વારા ગગનયાન મિશનમાં જનારા અંતરિક્ષ યાત્રીની હેલ્થ અને ફિટનેસને સતત મોનિટર કરવામાં આવી રહી છે.’
પાછા ફરવાની તૈયારીઓ શરૂ
તેઓ પાછા રિટર્ન થવાનું એટલે કે અનડોકિંગની પ્રક્રિયા શરૂ કરે એ પહેલાં ચારેય અંતરિક્ષ યાત્રી 14 જુલાઈના રોજ બપોરે 2:25 વાગ્યે સ્પેસક્રાફ્ટમાં બેસી જશે. આ સમય ભારતના ટાઈમનો છે. ત્યાર બાદ તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવશે. એ ટેસ્ટ પૂરા થયા બાદ તેમની ડોકિંગ પ્રોસેસ શરૂ થશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં 28000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓરબિટ કરે છે. ત્યાર બાદ ડ્રેગન સ્પેસક્રાફ્ટની અનડોકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અનડોકિંગ થઈ ગયા બાદ સ્પેસક્રાફ્ટ તેની સ્પીડ ધીમી કરશે અને ફરી પૃથ્વીના વાતાવરણમાં આવવાનું શરૂ કરશે.
શુભાંશુ શુક્લાએ કયા કર્યા મિશન
શુભાંશુ શુક્લા જેટલા સમય માટે અંતરિક્ષમાં રોકાયા છે, એ દરમ્યાન તેમણે ઘણાં મિશન કર્યાં છે. તેમણે આ સમય દરમિયાન માઇક્રોઅલ્ગી પર એક એક્સપેરિમેન્ટમાં કામ કર્યું હતું. એવા નમૂનાઓ મુક્યા અને સંગ્રહ્યા જે ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રાઓ માટે ખોરાક, ઓક્સિજન અને બાયોફ્યુઅલ આપી શકે. તેમણે વોયજર ડિસ્પ્લે નામની સ્ટડીમાં પણ ભાગ લીધો હતો, જે અંતરિક્ષમાં આંખની હલનચલન પર શું અસર થાય છે એ સમજવા માટે હતી. આ ટીમ દ્વારા એવાં ડેટા ભેગા કરવામાં આવ્યા છે, જે અંતરિક્ષમાં એસ્ટ્રોનટ્સ કેવી રીતે પોતાના આસપાસના વાતાવરણને અનુભવે છે એ વિશેની માહિતી આપે છે. આ રિસર્ચ લાંબા સમયના મિશન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.