Get The App

પુરુષો માટે આવી રહી છે ગર્ભનિરોધક દવા, હ્યુમન ટ્રાયલ પણ પૂરા, જાણો સંપૂર્ણ માહિતી

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
પુરુષો માટે આવી રહી છે ગર્ભનિરોધક દવા, હ્યુમન ટ્રાયલ પણ પૂરા, જાણો સંપૂર્ણ માહિતી 1 - image


Birth Control Pill For Male: પ્રેગ્નન્સીને અટકાવવા માટે ડૉક્ટર દ્વારા ઘણાં ઉપાય આપવામાં આવે છે. જોકે હવે એમાં વધુ એક ઉપાયનો સમાવેશ થવા જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો દ્વારા હવે પુરુષો માટે ગર્ભનિરોધકની દવા બનાવવામાં આવી છે. આ દવાનું પહેલું હ્યુમન ટ્રાયલ પાસ થઈ ગયું છે. એને YCT-529 નામ આપવામાં આવ્યું છે. આ દવા હોર્મોન વગર પુરુષોમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયાને અટકાવે છે. આ માટે એક ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. 16 વ્યક્તિ પર આ ટેસ્ટ કરવામાં આવ્યો છે. એમાં જોવામાં આવ્યું હતું કે આ દવા એકદમ ચોક્કસ માત્રામાં શરીરમાં પહોંચે છે કે નહીં, તેમજ એની કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં.

સારી વાત એ છે કે આ દવાની કોઈ માઠી સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. આ દવાનો હવે મોટા પાયે ટેસ્ટ કરવામાં આવશે. હવે આ દવાની સેફટી અને એની અસર કેટલી થાય છે એ વિશે ચોક્કસ પણે તપાસ કરવામાં આવશે. આ દવા શું છે? કેવી રીતે કામ કરે છે? પુરુષો માટે કેમ મહત્ત્વની છે વગેરે જેવી બાબતો વિશે જોઈએ.

પુરુષો માટે બનાવાયેલી ગર્ભનિરોધકની દવા

પુરુષો માટે ગર્ભનિરોધક માટે બે જ વિકલ્પ હતા. પહેલું કોન્ડોમનો ઉપયોગ કરવો અને બીજું નસબંધી કરાવવી. કોન્ડોમ જેટલી વાર પુરુષ સેક્સ કરે છે, ત્યારે એનો ઉપયોગ કરવો પડે છે. બીજી તરફ નસબંધી કરાવ્યા બાદ ફરી પુરૂષને સામાન્ય થવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. આથી એનો ઉપયોગ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જોકે વૈજ્ઞાનિકો દ્વારા YCT-529 નામની દવા પુરુષો માટે બનાવવામાં આવી છે જેનો ઉપયોગ કરવો સરળ રહેશે.

હોર્મોન વગર કામ કરે છે આ દવા: મહિલાઓની ગર્ભનિરોધકની દવાઓમાં હોર્મોનનો સમાવેશ કરવામાં આવે છે. એની ઘણી વાર સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે, જેમાં મૂડ સ્વિંગ્સ અને વજન વધી જવાનો સમાવેશ થાય છે. જોકે YCT-529માં એવું કંઈ નથી.

શુક્રાણુ બનતાં અટકાવશે આ દવા: આ દવાની મદદથી પુરુષના શરીરમાં ચોક્કસ સમય માટે શુક્રાણુ બનતાં અટકાવાશે. આ દવા જ્યાં સુધી લેવામાં આવશે ત્યાં સુધી પુરુષ પિતા નહીં બની શકે કારણ કે એમાં શુક્રાણુ નહીં બને. જોકે દવા લેવાનું બંધ કરતાની સાથે જ 4-6 અઠવાડિયામાં તે ફરી એકદમ સામાન્ય થઈ જશે.

2025ની 22 જુલાઈએ કોમ્યુનિકેશન્સ મેડિસિન જર્નલમાં આ ટેસ્ટના રિઝલ્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. યુનિવર્સિટી ઑફ મિનેસોટા અને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા મળીને આ દવા બનાવવામાં આવી છે. યોર ચોઇસ થેરાપ્યુટિક્સ કંપની આ દવાનું ટેસ્ટ કરી રહી છે. આથી એને YCT નામ આપવામાં આવ્યું છે.

YCT-529 કેવી રીતે કામ કરે છે?

YCT-529 દવાને સામાન્ય દવાની જેમ જ લેવાની રહેશે. એ દવા લેતાની સાથે જ પુરુષના શરીરમાં શુક્રાણુ બનવાની પ્રક્રિયા અટકી જાય છે.

રેટિનોઇક એસિડ રિસેપ્ટર આલ્ફા: આપણા શરીરમાં એક પ્રોટીન હોય છે જેને રેટિનોઇક એસિડ રિસેપ્ટર આલ્ફા કહેવામાં આવે છે. આ પ્રોટીન શુક્રાણુ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રેટિનોઇક એસિડ એક ચાવીની જેમ કામ કરે છે. તાળામાં ચાવી જાય એટલે એ ખુલે છે તેમ જ એની મદદથી શુક્રાણુ બનવાનું શરૂ થઈ જાય છે.

YCT-529ની ખાસિયત: આ દવાની ખાસિયત એ છે કે એ શરીરમાં જતાં રેટિનોઇક એસિડની પ્રક્રિયામાં અવરોધ લાવે છે. એને મળવા જ ન દેતું હોવાથી શુક્રાણુ બનવાની પ્રક્રિયા અટકી જાય છે. આથી પુરુષ ટૂંકા સમય માટે પિતા નહીં બની શકે, કારણ કે એની અંદર શુક્રાણુ જ નહીં હોય.

હોર્મોનથી દૂર રહેશે: આ દવા પુરુષના હોર્મોનથી દૂર રહે છે. હોર્મોનને અસર ન કરતી હોવાથી જ પુરુષમાં મૂડ સ્વિંગ્સ, વજન વધવું અને સેક્સની ઇચ્છા ન થવી જેવી કોઈ સાઇડ ઇફેક્ટ જોવા નથી મળતી. વૈજ્ઞાનિકો દ્વારા આ દવા બનાવવા માટે રેટિનોઇક એસિડ રિસેપ્ટરની પ્રોસેસને ખૂબ જ બારીકાઈથી સમજવામાં આવી હતી. ત્યાર બાદ મોલિક્યુલ્સના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેથી ચોક્કસ દવા બનાવી શકાય.

આ પણ વાંચો: 250 કરોડ, રોજના આટલા સવાલોના જવાબ આપે છે ચેટજીપીટી

પહેલું હ્યુમન ટેસ્ટ ક્યારે થયું?

પહેલું હ્યુમન ટેસ્ટ 16 વ્યક્તિઓ પર કરવામાં આવ્યું હતું, જેમાં 32થી 59 વર્ષની ઉંમરની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ કરવાનો હેતુ એટલો હતો કે શું દવા ચોક્કસ માત્રામાં શરીરમાં જાય છે કે નહીં. તેમ જ એનાથી હાર્ટ રેટ વધી જવા, હોર્મોનમાં બદલાવ, સોજો આવવો, મૂડ સ્વિંગ્સ થવા જેવી આડઅસરને પણ તપાસવામાં આવી હતી.

આ ટેસ્ટની મહત્ત્વની વાત: દરેક વ્યક્તિ દ્વારા પહેલાં નસબંધી કરાવી લેવામાં આવી હતી. આ એટલા માટે કરાવવામાં આવ્યું હતું કે દવાની કોઈ લાંબી અસર થઈ તો એ પ્રજનન પ્રક્રિયાને નુકસાન નહીં કરે.

ટેસ્ટ કેવી રીતે કરવામાં આવ્યો?

આ ટેસ્ટમાં દરેક વ્યક્તિને જુદી જુદી રીતે દવા આપવામાં આવી હતી. કોઈ વ્યક્તિને મુશ્કેલ ડોઝ આપવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિને 90 મિલિગ્રામનો ડોઝ, તો કોઈને 180 મિલિગ્રામનો ડોઝ આપવામાં આવ્યો હતો. કેટલાક પુરુષોએ જમ્યા વગર દવા લીધી હતી, તો કેટલાકે જમીને દવા લીધી હતી. આથી આ દવાની અસર કેવી રીતે સૌથી સારી જોવા મળે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પુરુષો માટે આવી રહી છે ગર્ભનિરોધક દવા, હ્યુમન ટ્રાયલ પણ પૂરા, જાણો સંપૂર્ણ માહિતી 2 - image

શું આવ્યું પરિણામ?

દરેક ડોઝમાં દવા શરીરમાં સારી રીતે પહોંચી હતી. જોકે 180 મિલિગ્રામનો ડોઝ સૌથી સારો રહ્યો હતો. બની શકે આ જ ડોઝનો ઉપયોગ ભવિષ્યમાં કરવામાં આવે. આ ડોઝમાં પણ કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી ન હતી. મૂડ સ્વિંગ્સ અને સેક્સની ઇચ્છા ન થવી જેવી બાબતો પણ જોવા નહોતી મળી. આ દવા દિવસમાં એકવાર લેવાની રહેશે, પરંતુ એનો ચોક્કસ નિર્ણય આગામી ટેસ્ટ બાદ લેવામાં આવશે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની પ્રોફેસર ડૉ. સ્ટેફની પેજ કહે છે, ‘પુરુષો માટે ગર્ભનિરોધક દવા બનાવવા તરફ આ પહેલું પગલું છે. પુરુષો માટે ફરી સામાન્ય થઈ શકે એવી દવા અથવા તો વિકલ્પની ખૂબ જ જરૂર છે.’

પ્રાણીઓ પર પણ કરાયો હતો ટેસ્ટ

મનુષ્યો પહેલાં આ ટેસ્ટ ઉંદર અને વાંદરા પર કરવામાં આવ્યો હતો. ઉંદર પર ચાર અઠવાડિયામાં શુક્રાણુ બનવાનું બંધ થઈ ગયું હતું. તેમ જ દવા બંધ કર્યાના 4-6 અઠવાડિયાંમાં ફરી સામાન્ય સ્થિતિ થઈ ગઈ હતી. આ દરમ્યાન female ઉંદરમાં 99 ટકા ગર્ભધારણ પ્રક્રિયા અટકી ગઈ હતી.

વાંદરા પર જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે એમાં 2 અઠવાડિયામાં શુક્રાણુની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. દવા બંધ કર્યાના 10-15 અઠવાડિયામાં તેમનામાં ફર્ટિલિટી ફરી આવી ગઈ હતી. આ ટેસ્ટ પરથી મનુષ્ય પર ટેસ્ટ કરવાના માર્ગ મળ્યા હતા અને ત્યાર બાદ 16 વ્યક્તિ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ દવા કેમ જરૂરી છે?

ફેમિલી પ્લાનિંગની મોટાભાગની જવાબદારી અત્યાર સુધી મહિલાઓ પાસે હતી. બાળક કરવું હોય તો પણ તેમણે ધ્યાન આપવું પડતું હતું અને બાળકની ઇચ્છા ન હોય તો પણ તેમના પર જવાબદારી નાખવામાં આવતી હતી. આથી હવે પુરુષ પણ આ જવાબદારી ઉઠાવી શકે છે. પુરુષ હવે પોતે પણ નક્કી કરી શકશે કે તેને બાળકની ઇચ્છા છે કે નહીં. અત્યાર સુધી પુરુષ પાસે આ પસંદગી નહોતી. તેમ જ હંમેશાં કોન્ડોમ પહેરવાથી અને સાથે રાખવાથી પણ તેમને છૂટકારો મળી શકે છે. બીજી તરફ આ દવાની કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી. આ દવા બનાવનાર યુનિવર્સિટી ઑફ મિનેસોટાના પ્રોફેસર ગૂંડા જ્યોર્જ આ વિશે કહે છે, ‘આ દવાની મદદથી કપલ્સને પહેલાં કરતા વધુ વિકલ્પ મળશે. ફેમિલી પ્લાનિંગમાં પણ પુરુષ હવે એક સમાન ભાગ ભજવી શકશે.’

એક મોટો ટેસ્ટ કરવામાં આવશે

16 વ્યક્તિ પર ટેસ્ટ કર્યા બાદ હવે એક મોટો ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ 28 પુરુષ પર અને 90 દિવસ માટે કરવામાં આવશે. તેઓ 90 દિવસ સુધી YCT-529 લેશે. એમાં સેફ્ટીની સાથે શુક્રાણુ પર પણ નજર રાખવામાં આવશે. આ ટેસ્ટમાં વધુ પુરુષનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને એની સાઇડ ઇફેક્ટ વિશે જાણી શકાય. ત્યાર બાદ મહિલાઓ પર પણ ટેસ્ટ કરવામાં આવશે. એમાં જોવામાં આવશે કે ગર્ભધારણની પ્રક્રિયા કેટલી સારી રીતે અટકાવી શકાય છે. જો તમામ બાબતો સારી રહી તો આ દવા 2030 સુધીમાં માર્કેટમાં આવી જશે.

શું મુશ્કેલીઓ આવી શકે છે?

આ દવા હજી શરૂઆતના સ્ટેજમાં છે અને એને મંજૂરી માટે ઘણાં ટેસ્ટ અને વર્ષો રાહ જોવી પડી શકે છે. શું પુરુષ આ દવા રોજ ખાવા માટે તૈયાર થશે ખરા? દવા રોજ લેવી એક માથાનો દુખાવો સાબીત થઈ શકે છે. આ સાથે જ દવા મોંઘી હશે તો ગરીબ વ્યક્તિ માટે એ લેવી શક્ય નહીં હોય. નાના ટેસ્ટ બાદ મોટા ટેસ્ટમાં સાઇડ ઇફેક્ટ આવવાના ચાન્સ વધુ છે.

આ પણ વાંચો: અંતરિક્ષમાં બે બ્લેક હોલ વચ્ચે થઈ ટક્કર, ફિઝિક્સના નિયમો તૂટ્યા…જાણો તમામ વિગત

ભારત માટે કેટલી જરૂરી છે?

ભારતમાં વસ્તી ખૂબ જ છે, આથી એને નિયંત્રણમાં રાખવા માટે આ દવા ગેમ ચેન્જર બની શકે છે. ભારતમાં કોન્ડોમ અને નસબંદી સિવાય બીજો કોઈ વિકલ્પ પુરુષ માટે નથી. YCT-529 તેમના માટે એક સરળ રસ્તો બની શકે છે. આ દવાને કારણે મહિલાઓ ગર્ભનિરોધક દવા લેવાથી બચી શકે છે જેથી તેમના હોર્મોન પર અસર નહીં પડે.

Tags :