250 કરોડ, રોજના આટલા સવાલોના જવાબ આપે છે ચેટજીપીટી
ChatGPT Questions: ચેટજીપીટી દ્વારા એક નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ચેટજીપીટી દુનિયાભરમાં ખૂબ જ જાણીતું નામ બની ગયું છે અને ભારતમાં સૌથી વધુ આ ચેટબોટનો ઉપયોગ કરવામાં આવે છે. ચેટજીપીટી દ્વારા હાલમાં જ કહેવામાં આવ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર રોજના 250 કરોડ સવાલો પૂછવામાં આવે છે. આ આંકડો ભારતની ટોટલ વસ્તી કરતાં પણ ખૂબ જ મોટો છે. તેમ જ નાના-નાના કેટલાક દેશને એકત્ર કરવામાં આવે તો પણ એમાં ઘણાં દેશોનો સમાવેશ થઈ જાય છે.
ભારતની સંખ્યા કરતાં 80 ટકા વધુ સવાલ
ભારતની સંખ્યા 140 કરોડ છે અને ચેટજીપીટીને 250 કરોડ સવાલ પૂછવામાં આવે છે. આથી ભારતની સંખ્યા કરતાં 80 ટકા વધુ સવાલ કરવામાં આવે છે. ધ વર્જની રિપોર્ટ અનુસાર આ આંકડો સામે આવ્યો છે. 250 કરોડમાંથી 33 કરોડ સવાલ ફક્ત અમેરિકામાંથી પૂછવામાં આવે છે. ભારતમાં ભલે ચેટજીપીટીનો સૌથી વધુ ઉપયોગ થતો હોય, પરંતુ સવાલ પૂછવામાં અમેરિકા સૌથી આગળ છે.
ગૂગલ કરતાં હજી પાછળ
ગૂગલનું AI જેમિનીનો પણ ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં એના યુઝર્સ પણ ઘણાં છે. જોકે દુનિયાભરમાં જેમિનીનો ઉપયોગ ખૂબ જ વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. ગૂગલ દ્વારા ચેટબોટની સાથે અન્ય ઘણાં ટૂલ્સ પણ આપવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર ગૂગલ પર એક વર્ષમાં પાંચ ટ્રિલિયન સવાલો કરવામાં આવે છે. એટલે કે અંદાજે એક દિવસના 1369 કરોડ સવાલ કરવામાં આવે છે. ચેટજીપીટીના વર્ષે ફક્ત 912 બિલિયન સવાલો છે. ચેટજીપીટીના 250 કરોડના આંકડા કરતાં આ ખૂબ જ આગળ છે. જોકે એના યુઝર્સમાં વધારો થઈ રહ્યો છે. ચેટજીપીટીના ડિસેમ્બરમાં એક અઠવાડિયાના 300 મિલિયન યુઝર્સ હતા જે માર્ચમાં 500 મિલિયન થયા છે.
ચેટજીપીટી દ્વારા કરવામાં આવી પુષ્ટિ
ચેટજીપીટીના પ્રવક્તા રોબ ફ્રાઇડલેન્ડર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે ચેટજીપીટીના આ આંકડા સાચા છે. તેમ જ ભવિષ્યમાં એના સર્ચમાં ખૂબ જ વધારો કરવામાં આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નબળા પાસવર્ડને કારણે 158 વર્ષ જૂની કંપની થઈ બરબાદ, 700 લોકોએ નોકરી ગુમાવી
ચેટજીપીટીનો ભવિષ્યનો પ્લાન
ચેટજીપીટી હવે બહુ જલદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચાલતું વેબ-બ્રાઉઝર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બ્રાઉઝર લોન્ચ કરવામાં આવતાં એની સીધી ટક્કર ગૂગલના ક્રોમ બ્રાઉઝર સાથે થશે. ગૂગલ દ્વારા પણ ક્રોમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી નજીકના દિવસોમાં આ બન્ને બ્રાઉઝર વચ્ચે ટક્કર થતાં કોણ વધુ સારા ફીચર્સ લઈને આવે એ જોવું રહ્યું.