Science & Technology

એન્થ્રોપિકના પાવરફુલ ‘Mythos’ અને ‘Fable’ AI મોડલ્સ પરથી અમેરિકાએ પ્રતિબંધ હટાવ્યો, જાણો કેમ…

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
યુએસ સરકારે Anthropic કંપનીના અત્યાધુનિક Fable 5 અને Mythos 5 AI મોડલ્સ પરથી નિકાસ નિયંત્રણો હટાવી લીધા છે. રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોને કારણે ત્રણ અઠવાડિયા પહેલાં વિદેશી નાગરિકો માટે આ મોડલ્સના એક્સેસ પર પ્રતિબંધ મુકાયો હતો. હવે Anthropic અને યુએસ સરકાર વચ્ચે થયેલી સમજૂતી બાદ, કંપની સુરક્ષા જોખમો ટ્રેક કરશે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ સરકારને કરશે. OpenAIના GPT-5.6 પર પણ આવા નિયંત્રણો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્થ્રોપિકના પાવરફુલ ‘Mythos’ અને ‘Fable’ AI મોડલ્સ પરથી અમેરિકાએ પ્રતિબંધ હટાવ્યો, જાણો કેમ…

US Lift Export Control on Fable and Mythos: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની એન્થ્રોપિકે જાહેરાત કરી છે કે યુએસ સરકારે તેના અત્યાધુનિક Claude AIના Fable 5 અને Mythos 5 AI મોડલ્સ પર લાદવામાં આવેલા એક્સપોર્ટ કન્ટ્રોલ્સ સત્તાવાર રીતે હટાવી લીધા છે. રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને અમેરિકી સરકારે ત્રણ અઠવાડિયા પહેલાં જ વિદેશી નાગરિકો માટે આ એડવાન્સ મોડલ્સના એક્સેસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.
અમેરિકાના સેક્રેટરી ઓફ કોમર્સ હોવર્ડ લુટનિકે એન્થ્રોપિક કંપનીને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે હવે આ મોડલ્સની નિકાસ માટે કોઈ વિશેષ લાયસન્સની જરૂર રહેશે નહીં. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય એન્થ્રોપિક અને યુએસ સરકાર વચ્ચે થયેલી સમજૂતી બાદ લેવામાં આવ્યો છે, જે અંતર્ગત કંપની સુરક્ષા જોખમોને પ્રોએક્ટિવલી ટ્રેક કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની રિપોર્ટ સરકારને સોંપવા માટે સંમત થઈ છે.
કેમ લાદવામાં આવ્યો હતો પ્રતિબંધ?
આ મહિનાની શરૂઆતમાં યુએસ સરકારે એન્થ્રોપિકના આ ફ્રન્ટિયર મોડલ્સ પર અચાનક રોક લગાવી દીધી હતી. સંશોધકો દ્વારા જાણવા મળ્યું હતું કે 'Fable 5'ની સુરક્ષા વ્યવસ્થામાં કેટલીક ખામીઓ હતી, જેના કારણે મોડલને 'જેલબ્રેક' કરીને સોફ્ટવેરની ખામીઓ અને સાયબર નબળાઈઓ શોધવા માટે તેનો દુરુપયોગ થઈ શકતો હતો.
સરકારને ચિંતા હતી કે ચીન કે રશિયા જેવા દેશોની વિદેશી સૈન્ય અથવા ગુપ્તચર એજન્સીઓ આ પાવરફુલ મોડલ્સનો ઉપયોગ સાયબર હુમલા કે અન્ય સંવેદનશીલ પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. જોકે, છેલ્લા બે અઠવાડિયામાં એન્થ્રોપિકે સરકાર સાથે મળીને સેફ્ટી ગાર્ડરેલ્સને વધુ મજબૂત કર્યા છે, જેના આધારે આ પ્રતિબંધ હટાવી લેવાયો છે.
OpenAIના GPT-5.6 પર પણ સરકારી નિયંત્રણો
માત્ર એન્થ્રોપિક જ નહીં, પરંતુ તેની હરીફ કંપની OpenAI પણ હાલમાં જ આવી જ પ્રક્રિયામાંથી પસાર થઈ છે:
GPT-5.6નું લિમિટેડ પ્રિવ્યૂ: OpenAIએ તાજેતરમાં જ પોતાનું નેક્સ્ટ જનરેશન મોડલ GPT-5.6 (Sol, Terra, Luna) લોન્ચ કર્યું છે, પરંતુ યુએસ સરકારની વિનંતીને પગલે તેની જાહેર ઉપલબ્ધતા રોકી દેવામાં આવી છે.
સેમ અલ્ટમેનની નારાજગી: હાલમાં આ મોડલનો એક્સેસ માત્ર કેટલાક માન્યતા પ્રાપ્ત પાર્ટનર્સ પૂરતો જ સીમિત રખાયો છે. આ સરકારી દખલગીરી અંગે OpenAIના સીઇઓ સેમ અલ્ટમેને અસંતોષ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,

"વ્યાપક સેફ્ટી ટેસ્ટિંગ કરવું એ ખરાબ વિચાર નથી, પરંતુ સરકાર પોતે નક્કી કરે કે કસ્ટમર કોણ હશે, એ બાબત અમને યોગ્ય નથી લાગતી."

ટેક્નોલોજી એક્સપર્ટના મતે, 'Mythos 5' અને 'GPT-5.6'ની આ ઘટનાઓ દર્શાવે છે કે હવે ફ્રન્ટિયર AI મોડલ્સ માત્ર સોફ્ટવેર પ્રોડક્ટ નથી રહ્યા, પરંતુ વૈશ્વિક સ્તરે તેમને વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવામાં આવી રહ્યા છે.