Science & Technology

એન્ડ્રોઇડના ફોટો પિકરમાં જ ફોટો એડિટ કરવાની સુવિધા મળશે

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
વોટ્સએપ જેવી એપ્સ દ્વારા ફોટો શેર કરવા માટે એન્ડ્રોઇડ ફોનમાં 'ફોટો પિકર' સુવિધા છે. હવે આ સુવિધામાં નવું અપડેટ આવશે. યુઝર્સ ફોટો પિકરમાંથી જ ફોટો એડિટ કરી શકશે. આનાથી થર્ડ પાર્ટી એપ્સને બધા ફોટોની એક્સેસ આપવી નહીં પડે. ગૂગલ આ સુવિધાને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્ડ્રોઇડના ફોટો પિકરમાં જ ફોટો એડિટ કરવાની સુવિધા મળશે

તમે ક્યારેક ને ક્યારેક તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ કે અન્ય કોઈ એપ મારફત સ્માર્ટફોનમાંના ફોટોગ્રાફ્સ કોઇને શેર કર્યા હશે. આપણા ફોટોગ્રાફ સ્માર્ટફોનમાં જુદી જુદી જગ્યાએ હોઈ શકે છે. જેમ કે ફોટોઝ ગેલેરીમાં, ફોનની ઇન્ટર્નલ સ્ટોરેજમાં કોઈ ફોલ્ડરમાં, ગૂગલ ફોટોઝ એપમાં કે પછી આપણા વનડ્રાઇવ કે ગૂગલ ડ્રાઇવ જેવા એકાઉન્ટની ક્લાઉડ સ્ટોરેજમાં. આ બધી જગ્યાએ રહેલો કોઈ ફોટોગ્રાફ કે વીડિયો આપણે ફોનમાંની કોઈ એપ મારફત શેર કરવા હોય ત્યારે જોઇતો ફોટોગ્રાફ પસંદ કરવા માટે એન્ડ્રોઇડમાં ‘ફોટો પિકર’ નામની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને કારણે આપણે કોઈ થર્ડ પાર્ટી એપને આપણા ફોનમાંના બધા ફોટોગ્રાફ્સની એક્સેસ આપવી પડતી નથી. ફક્ત આપણે પસંદ કરેલો ફોટોગ્રાફ તે એપ મેળવી શકે છે અને આગળ ફોરવર્ડ કરે છે.
આ ફોટો પિકર સર્વિસમાં અત્યારે ફક્ત વિવિધ જગ્યાએ રહેલા ફોટોગ્રાફ શોધીને શેર કરવાની સગવડ છે. હવે આ સગવડ એક ડગલું આગળ વધશે. ફોટો પિકરમાં જ આપણને ફોટોગ્રાફ એડિટ કરવાની પણ સગવડ મળશે. મતલબ કે આપણે ઇચ્છીએ તો કોઈ ફોટોગ્રાફ સેવ કરતાં પહેલાં તેને ક્રોપ કરવો હોય તો એ કામ કરવા માટે કોઈ એપમાં ખાખાંખોળાં કરવા પડશે નહીં. ફોટો પિકરમાં જ એ કામ થઈ શકશે.