Science & Technology

ફેસબૂક વાપરવામાં જોખમઃ 12 કરોડ એકાઉન્ટ હેક કરાયા, માત્ર છ રૂપિયામાં ડેટા ચોરાયો

By GS Team
4 Nov 20182 mins read
This article was originally published on 4 Nov 2018
ફેસબૂક વાપરવામાં જોખમઃ 12 કરોડ એકાઉન્ટ હેક કરાયા, માત્ર છ રૂપિયામાં ડેટા ચોરાયો

નવી દિલ્હી, તા.3 નવેમ્બર, 2018 શનિવાર 

વિશ્વભરમાં ફેસબૂકના આશરે ૧૨ કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. હેકરોએ તેમાંથી પૈસા કમાવવા આશરે ૮૧ હજાર યુઝર્સના એકાઉન્ટના પર્સનલ મેસેજ પણ વેચી દીધા હોવાના પણ અહેવાલ છે.

આ હેકરો  અમેરિકા સહિત રશિયા
, યુકે, યુક્રેન અને બ્રાઝિલ સહિત અન્ય દેશોમાંથી પણ આ ઓપરેશન પાર પાડયું છે. હેકરોએ અનેક ફેસબૂક એકાઉન્ટ ડેટા ભૂખી કંપનીઓને ફક્ત દસ સેન્ટ (આશરે રૃ. ૬.૫૦)માં વેચી માર્યા છે.

ફેસબૂકને સૌથી પહેલાં સપ્ટેમ્બરમાં માહિતી મળી હતી કે, હેકરોનું કોઈ જૂથ યુઝર્સના પર્સનલ ચેટમાંથી કમાણી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફેસબૂક યુઝર્સના એકાઉન્ટમાં ભેલાણ કરવા હેકરોએ અનામી બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કર્યો હતો. ફેસબૂકના વાઈસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ મેનેજમેન્ટ) ગાય રોઝે જણાવ્યું હતું કે, અમે બ્રાઉઝર મેકરનો સંપર્ક કરીને તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેકરોએ બનાવેલો એ કોડ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી. જે કંપની ફેસબૂક યુઝર્સનો ડેટા વેચી રહી છે તે સેંટ પીટ્સબર્ગમાં હોવાનું પણ કહેવાયું છે.

હેકરો આ પ્રકારનો ડેટા એવી કંપનીઓને વેચે છે, જે પર્સનલ ચેટનું એનાલિસીસ કરીને ઓનલાઈન યુઝર્સ સમક્ષ જાહેરખબરો કરતી હોય છે. આ પ્રકારની કંપનીઓ હોટેલ, ટ્રાવેલ, ફેશન કે સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત હોય છે. એફબી સેલર નામના યુઝરે સપ્ટેમ્બરમાં એક અંગ્રેજી ઈન્ટરનેટ ફોરમ પર ડેટા સેલની જાહેરખબર આપી હતી.

આ એડમાં એક એકાઉન્ટનો ભાવ રૃ. દસ હજાર દર્શાવાયો હતો
, પરંતુ બાદમાં તે પણ હટાવી લેવામાં આવી હતી. આ મુદ્દે ફેસબૂકે કહ્યું હતું કે, અમે યુઝર્સની સુરક્ષા સાથે કોઈ સમાધાન કર્યું નથી. આ ઉપરાંત ફેસબૂકનો કોઈ એન્જિનિયર પણ હેકરોને ડેટા પહોંચાડવામાં સામેલ નથી.

હેકરોએ રશિયન અને યુક્રેનના યુઝર્સના પર્સનલ ડેટાનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. એવું પણ કહેવાય છે કે, હેકરોએ ૧.૭૬ લાખ યુઝર્સના ફેસબૂક પર જાહેર કરેલા ફોન નંબર અને ઈ-મેઈલ આઈડી પણ ભેગા કરી લીધા છે, જે ડેટાના આધારે નીતિઓ નક્કી કરીને આગળ વધતી કંપનીઓને વેચવામાં આવી શકે  છે.

નોંધનીય છે કે, હાલમાં જ બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપની પર ફેસબૂકના પાંચ કરોડ યુઝર્સનો ડેટા ચોરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં ફેસબૂકના વડા માર્ક ઝકરબર્ગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ફરી એકવાર ફેસબૂકની સુરક્ષામાં  છીંડા બહાર આવતા હજારો અમેરિકન યુઝર્સ ફેસબૂક એકાઉન્ટ ડિલીટ કરી રહ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.