ફરી આવ્યો નોકિયાનો ફીચર ફોન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજના સ્માર્ટફોન આપણા હાથમાં આવ્યા એ પહેલાં, વર્ષો સુધી જેમણે સાદા ફીચર ફોનનો ઉપયોગ કર્યો છે એ સૌમાં મૂળ ફિનલેન્ડની કંપની નોકિયાના ફીચર ફોન જબરા પોપ્યુલર હતા. રફ એન્ડ ટફ ઉપયોગ માટે આ ફોન ખાસ્સા જાણીતા હતા.
હવે ઇન્ટરનેટ કનેક્ટેડ સ્માર્ટફોનના સમયમાં પણ મૂળભૂત રીતે કોલિંગની સગવડ આપતા ફીચર ફોન ફરી પોપ્યુલર થઈ રહ્યા છે ત્યારે નોકિયા કંપની પણ કમબેક કરી રહી છે. કંપનીએ તેનો ૩૨૧૦ ફોન ‘ફોરજી ફીચર ફોન’ તરીકે રજુ કર્યો છે. આ ફોન સ્માર્ટફોન નથી, એટલે તેનો ઉપયોગ ઘણો મર્યાદિત રહે, પરંતુ તેમાં ડ્યુઅલ સીમ, ફોરજી કનેક્ટિવિટી, બ્લૂટૂથ ૫.૦, યુએસબી ટાઇપ સી તથા રીમૂવેબલ બેટરી જેવાં, સાદા ફીચર ફોનની સરખામણીમાં સ્માર્ટ ગણાય તેવાં ફીચર્સ છે.
ફોન કદમાં ઘણો નાનો હોવા છતાં તેમાં ૧૪૫૦ એમએએચની બેટરી છે. જે કંપનીના દાવા મુજબ દસેક કલાકનો ટોક ટાઇમ આપી શકે છે. ફોનમાં બે મેગા પિકસેલનો રિઅર કેમેરા, વાયરલેસ કનેકશનમાં પણ કામ આપી શકે તેવો એફએમ રેડિયો તથા નોકિયાની જૂની અને જાણીતી સ્નેક ગેમ પણ સામેલ છે!
આ ફોનમાં ૨.૪ ઇંચનો ડિસ્પ્લે છે તથા તેમાં ૬૪ એમબી રેમ, ૧૨૮ એમબીની ઇન્ટરનલ સ્ટોરેજ તથા ૩૨ જીબી સુધીનું માઇક્રો એસડી કાર્ડ કનેક્ટ કરવાની પણ સગવડ છે. કિંમત ? હાલમાં રૂ.૪૨૯૯.




