અમેરિકા દસ વર્ષમાં ચંદ્ર પર એક ગામ બનાવશે, જાણો નાસા કેવી રીતે તૈયારી કરી રહી છે
AI Image |
Village On Moon: એપોલો મિશન બાદ અમેરિકાએ પહેલી વાર ચંદ્રને લઈને ખૂબ જ મહત્ત્વાકાંક્ષી મિશનની જાહેરાત કરી છે. આ મિશન હેઠળ ફક્ત ચંદ્ર પર જવું જ નહીં, પરંતુ ત્યાં એક આખેઆખું ગામ બનાવવાની જાહેરાત કરી છે. નાસાના ચીફ સીન ડફી દ્વારા સિડનીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ગ્રેસમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા આગામી દસ વર્ષમાં ચંદ્ર પર ગામ બનાવશે. આ માટે ત્યાં ન્યુક્લિયર એનર્જીની મદદથી વિજળી પણ મેળવવામાં આવશે તેમ જ ત્યાં લાંબા સમય સુધી ટકી રહે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આ વિશે સીન ડફી કહે છે, ‘ચંદ્ર પર માનવીનું જીવન શક્ય બને એ માટે અમે તૈયારીઓ કરી રહ્યાં છે. એક નાનું સ્ટેશન નહીં, પરંતુ આખું ગામ બનાવીશું.’
આર્ટેમિસ અને ન્યુક્લિયર એનર્જી
આર્ટેમિસ 2: 2026ની ફેબ્રુઆરીમાં નાસા દ્વારા આર્ટેમિસ મિશન લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એમાં ચાર અંતરિક્ષ યાત્રી 10 દિવસ માટે ચંદ્રની ફરતે ભ્રમણ કરશે. પહેલી વાર આ પ્રકારનું મિશન 50 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. જોકે આ મિશન દ્વારા ત્યાં હંમેશાં માટે રહી શકાય કે નહીં એ માટે રિસર્ચ કરવામાં આવશે.
ન્યુક્લિયર રિએક્ટર ડેવલપમેન્ટ : આ વર્ષની શરૂઆતમાં જ નાસા દ્વારા 100-કિલોવોટ-ક્લાસ ન્યુક્લિયર ફિશન રિએક્ટર બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ રિએક્ટર ચંદ્રની સપાટી પર બનાવવામાં આવી રહ્યું હોવાથી એ પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. ચંદ્ર પર ન્યુક્લિયર સિસ્ટમ ખૂબ જ જરૂરી છે કારણ કે ત્યાં 14 દિવસ સુધી અંધારું રહે છે. આથી સૂર્યની ઊર્જા પર નિર્ભર નહીં રહી શકાય. આ માટે લોકહીડ માર્ટિન, વેસ્ટિંગહાઉસ અને ઇન્ટ્યુટિવ મશીન્સ-એક્સ એનર્જી જેવી કંપનીઓ દ્વારા ડિઝાઇન પર કામ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
બજેટ : આર્ટેમિસ પ્રોગ્રામ માટે 93 બિલિયન અમેરિકન ડોલર ફાળવવામાં આવ્યાં છે. ભવિષ્યમાં ચંદ્રની ઇકોનોમી માટે ન્યુક્લિયર પાવરને ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું છે. આથી એ પાછળ વધુ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: ચીન અને અમેરિકા વચ્ચે ચંદ્ર પર 'કબજો' કરવાની હોડ! ન્યુક્લિયર રિએક્ટર લઈ જશે NASA
સ્પેસને લઈને વિવિધ એજન્સીના મિશન
નાસા : નાસા હાલમાં ચંદ્રને એક્સપ્લોર કરવાની સાથે ત્યાં ગામ વિકસાવવા પર ફોકસ કરી રહ્યું છે. સીન ડફીએ કહ્યું કે ‘અમેરિકા કોઈ પરચમ લહેરાવવાની વાત નથી કરી રહ્યું, પરંતુ એક શાંતિપ્રિય કામ કરવામાં આવશે.’ અમેરિકા અને રશિયા વચ્ચે જે તકરાર ચાલી રહી છે એને લઈને આ કમેન્ટ કરવામાં આવી હોય એવું બની શકે છે કારણ કે રશિયાએ આ પેનલમાં હાજરી નહોતી આપી.
યુરોપિયન સ્પેસ એજન્સી : યુરોપિયન સ્પેસ એજન્સીના ડિરેક્ટર જનરલ જોસેફ એશબાચર કહે છે તેમના માટે પૃથ્વી સૌથી પહેલાં છે. તેઓ પૃથ્વી પર નજર રાખવા માટેના ડેટાને ઓપન-એક્સેસ રાખ્યું છે જેનાથી ક્લાઇમેટ પર નજર રાખી શકાય.
ઇસરો : ઇસરોના ચેરમેન વી. નારાયણન કહે છે કે ભારતના મિશન માટે ભોજન અને પાણીની સિક્યોરિટી ખૂબ જ મહત્ત્વની છે. તેમ જ ભારત હવે જાપાન સાથે મળીને લુપેક્સ મિશન પર કામ કરી રહ્યું છે. એમાં 6800 કિલોગ્રામનું લેન્ડર અને 300 કિલોગ્રામનું રોવર ચંદ્રના સાઉથ પોલ પર મોકલવામાં આવશે. જાપાનના H3 રોકેટનો એમાં ઉપયોગ કરવામાં આવશે.
ચીન : ચીનના ડેપ્યુટી સ્પેસ ચીફ ઝીગેંગ બિયાન કહે છે કે ચીન દ્વારા પહેલેથી 500 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવી છે. તેમ જ તેઓ BRICS સાથે મળીને પણ કામ કરી રહ્યાં છે. મેગા-કોન્સ્ટેલેશન્સનો વિસ્તાર વધી રહ્યો હોવાથી સ્પેસમાં ડેબ્રિસને ટ્રેક કરવું અને ડેબ્રિસને સ્પેસમાંથી કાઢવું ખૂબ જ જરૂરી હોવા વિશે ચીને ભાર મૂક્યો હતો.
![]() |
ચંદ્રની સાથે મંગળ પર પણ નજર
સીન ડફી દ્વારા કહેવામાં આવ્યું છે કે નાસા દ્વારા આગામી દસ વર્ષમાં ચંદ્રની સાથે મંગળ ગ્રહનું પણ મિશન કરવામાં આવશે. મંગળ ગ્રહ પર પણ અંતરિક્ષ યાત્રીઓને મોકલવામાં આવશે. તેઓ મંગળ પર જઈને ત્યાં મિશન કરશે. આ માટે ચંદ્ર પર જે ગામ બનાવવામાં આવી રહ્યું છે એ ખૂબ જ જરૂરી છે. એ એક સ્ટેશન તરીકે અથવા તો હબ તરીકે કામ કરશે.
પૃથ્વી મહત્ત્વની છે કે ચંદ્ર?
‘સસ્ટેનેબલ સ્પેસ : રિઝિલિયન્ટ અર્થ’ થીમ સાથે યોજાયેલી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ગ્રેસ 2025 પરિષદમાં સહકાર અને તણાવ બંને જોવા મળ્યા હતા. નાસાએ ચંદ્રને માનવજાત માટેનું આગામી મથક ગણાવીને બહારની દુનિયામાં વસાહત સ્થાપવાની દિશામાં પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. બીજી તરફ, યુરોપ, ભારત અને ચીન જેવી એજન્સીઓએ પૃથ્વીને વધુ સારી રીતે ટકાવી રાખવા, હવામાન પર નજર રાખવા અને સંસાધનોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ વિભાજન એક મોટો પ્રશ્ન ઉભો કરે છે: માનવજાતે પહેલા પૃથ્વીને બચાવવી જોઈએ કે પછી અવકાશમાં નવી વસાહતો બનાવીને જીવંત રહેવાનો રસ્તો શોધવો જોઈએ?
મહત્ત્વના પોઇન્ટ્સ
- નાસા 2035 સુધીમાં ન્યુક્લિયર એનર્જીથી ચાલતું ગામ ચંદ્ર પર બનાવશે.
- આર્ટેમિસ 2ને 2026ની ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે. 50 વર્ષથી વધુ સમય બાદ પહેલી વાર ચંદ્રના મિશન પર મનુષ્ય જઈ રહ્યાં છે.
- ચંદ્ર પર જીવન બનાવવા માટે અમેરિકા દ્વારા ન્યુક્લિયર ફિશન રિએક્ટર્સમાં ખૂબ જ રોકાણ કરવામાં આવી રહ્યું છે.
- દુનિયાભરની સ્પેસ એજન્સી ચંદ્ર પર વસાહત બનાવવા અને પૃથ્વીને વધુ સારી બનાવવા એમ બે મિશન વચ્ચે વહેંચાઈ ગઈ છે.
- નવી સ્પેસ રેસમાં ચંદ્ર અને મંગળ દરેક એજન્સી માટે ખૂબ જ મહત્ત્વનો વિષય છે.