નાસાએ કેમ કર્યું શટડાઉન? સ્પેસ મિશન માટે એનો અર્થ શું છે એ વિશે વાંચો...
NASA Shutdown: નાસા દ્વારા તેમના તમામ ભવિષ્યના સ્પેસ મિશનને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. અમેરિકાની સરકાર પાસેથી ફંડ ન મળી રહ્યું હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. નાસાની ઓફિશિયલ વેબસાઇટ પર પણ લખી દેવામાં આવ્યું છે કે અમેરિકાની સરકાર પાસેથી ફંડિંગ ન મળી રહ્યું હોવાથી આ વેબસાઇટને હાલ પૂરતી અપડેટ કરવામાં નહીં આવે. કોન્ગ્રેસ દ્વારા બજેટ પાસ કરવામાં ન આવતાં અમેરિકાની સરકારી એજન્સીઓ દ્વારા પહેલી ઓક્ટોબરે શટડાઉન કરવામાં આવ્યું હતું. છ વર્ષમાં આ પહેલી વાર આ પ્રકારનું શટડાઉન જોવા મળ્યું છે. ઘણી બધી એજન્સીએ એનો વિરોધ કર્યો છે જેમાં નાસાનો પણ સમાવેશ થાય છે.
સ્પેસ ઓપરેશન કરવામાં આવ્યા સસ્પેન્ડ
નાસાએ મોટાભાગના મિશનને સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ કેટલાક ક્રિટિકલ ઓપરેશન પર હજી પણ કામ ચાલી રહ્યું છે અને આ કામ સ્કેલેટન ક્રૂ તરીકે ઓળખાતી ટીમ કરી રહી છે. આ મિશનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જેટલાં પણ અંતરિક્ષ યાત્રી છે તેમને મોનિટર કરવું, સોલર સિસ્ટમમાં જેટલા પણ સ્પેસક્રાફ્ટ ઓપરેટ કરવામાં આવી રહ્યાં છે તેમને સુરક્ષિત રાખવાની સાથે એસ્ટ્રોઇડ ટ્રેકિંગ જેવી જરૂરી કામ કરવામાં આવી રહ્યાં છે. આ સિવાયના અન્ય તમામ કામને અટકાવી દેવામાં આવ્યાં છે.
ભવિષ્યના મિશન અને રિસર્ચ પર થશે અસર
તમામ સરકારી એજન્સી શટડાઉન થવાથી નાસાના પ્રોગ્રામ અને ભવિષ્યના મિશન પર ખૂબ જ મોટી અસર પડશે. આર્ટેમિસ 2 મિશન ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે. એમાં વર્ષો બાદ મનુષ્યને ચંદ્રની આસપાસ ભ્રમણ કરવા માટે મોકલવામાં આવી રહ્યાં છે. આ મિશનની લોન્ચ પહેલાની તૈયારી ચાલી રહી છે. જોકે આ શટડાઉનને કારણે આ મિશન પર અસર પડી શકે છે. પરિણામે એના લોન્ચને લંબાવવામાં આવી શકે છે. નાસા દ્વારા જે રિસર્ચ માટે ફંડિંગ આપવામાં આવતું હતું એ તમામને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. નાસાના રિસોર્સ પર નિર્ભર એ તમામ યુનિવર્સિટી અને સાયન્ટિફિક સ્ટડી પર પણ એની અસર પડશે. નાસા સાથે જે પણ કંપનીએ કોન્ટ્રેક્ટ કર્યા છે એ તમામ પર એની અસર જોવા મળશે.
આ પણ વાંચો: ગૂગલે જેમિની માટે કરાવી નવી પેટન્ટ, ચહેરાની નજીક ફોન જતાં એક્ટિવેટ થશે જેમિની
અગાઉ પણ થયું હતું શટડાઉન
નાસા દ્વારા અગાઉ પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 2013, 2018 અને 2019માં પણ ફંડિંગ અટકાવી દેવામાં આવતાં શટડાઉનની પરિસ્થિતિ જોવા મળી હતી. આ સમયે મોટાભાગના સ્ટાફ લાંબા સમય સુધી કામ નહોતો કરી રહ્યો. આ કારણસર રિસર્ચ, એજ્યુકેશનલ ઇનિશિએટિવ અને મિશન ડેવલપમેન્ટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સરકારના કોઈ પણ નિર્ણયને કારણે અમેરિકાના સ્પેસ પ્રોગ્રામ પર ખૂબ જ અસર પડે છે અને એને કારણે દુનિયાભરના સાયન્ટિફિક કોલાબોરેશન પર પણ અસર થાય છે.