Science & Technology

માઇક્રોસોફ્ટ 10 કલાકથી ડાઉન, ઈમેલ ઓપન ન થતાં ભારત સહિત દુનિયાભરમાં કરોડો યુઝર્સ હેરાન

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
માઇક્રોસોફ્ટની ઇમેઇલ સેવા Outlook અને Microsoft 365માં ગુરુવારે રાતથી ટેકનિકલ ખામી સર્જાઈ છે. આના કારણે ભારત સહિત દુનિયાભરના કરોડો યુઝર્સને ઇમેઇલ મોકલવા કે મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સર્વર 10 કલાકથી વધુ સમયથી ઠપ થતાં અનેક કંપનીઓનું કામકાજ પ્રભાવિત થયું છે. કંપની સમસ્યા ઉકેલવા પ્રયાસ કરી રહી છે. DownDetector પર 1 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માઇક્રોસોફ્ટ 10 કલાકથી ડાઉન, ઈમેલ ઓપન ન થતાં ભારત સહિત દુનિયાભરમાં કરોડો યુઝર્સ હેરાન

Microsoft Server Down Latest News : દુનિયાની અગ્રણી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસમાં ગુરુવારે મોડી રાતથી ટેકનિકલ ખામી સર્જાતાં ભારત સહિત દુનિયાભરના કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. Outlook અને Microsoft 365ની સર્વિસ ઠપ થવાને કારણે લોકો પોતાનું ઇનબોક્સ ખોલી શકતા નથી. એટલું જ નહીં, યુઝર્સ નવા ઇમેઇલ મોકલી કે મેળવી પણ શકતા નથી. સર્વર ઠપ થયાને 10 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. તેના કારણે અનેક કંપનીઓ અને ઓફિસોનું કામકાજ પ્રભાવિત થયું છે.

Outlook અને Microsoft 365માં શું સમસ્યા સર્જાઈ?

માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસમાં ખામી સર્જાતાં યુઝર્સને એકાઉન્ટમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઘણા લોકો પોતાનું મેઇલબોક્સ ખોલી શકતા નથી, જ્યારે અન્ય યુઝર્સને ઇમેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવામાં પણ સમસ્યા આવી રહી છે. આના કારણે અનેક જરૂરી ઇમેઇલ ઇનબોક્સમાં જ અટવાઈ ગયા છે. ખાસ કરીને ઇમેઇલ પર આધારિત કામકાજ કરતી કંપનીઓ અને ઓફિસો માટે આ સમસ્યા મુશ્કેલીરૂપ બની છે.

DownDetector પર એક લાખથી વધુ ફરિયાદો

માઇક્રોસોફ્ટે પોતાના એક્સ હેન્ડલ પર આ ટેકનિકલ ખામી અંગે નિવેદન જાહેર કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, કનેક્ટિવિટીની સમસ્યાને કારણે વિવિધ વિસ્તારોમાં તેની સર્વિસ પ્રભાવિત થઈ રહી છે. DownDetectorના અહેવાલ મુજબ, અમેરિકન સમય અનુસાર બપોરે આશરે 1 વાગ્યાથી Outlookમાં સમસ્યાની ફરિયાદો શરૂ થઈ હતી. ત્યારબાદ ફરિયાદોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. Outlook અંગે અત્યાર સુધી એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે. Microsoft 365ના હજારો યુઝર્સે પણ સર્વિસ બંધ હોવાની ફરિયાદ કરી છે.

શરૂઆતમાં અમેરિકાની સમસ્યા માની, પછી વૈશ્વિક અસરનો અંદાજ

માઇક્રોસોફ્ટને શરૂઆતમાં લાગ્યું હતું કે આ સમસ્યા માત્ર અમેરિકામાં જ છે, પરંતુ ત્યારબાદ કંપનીને જાણવા મળ્યું કે તેની અસર દુનિયાના અન્ય દેશોમાં પણ થઈ શકે છે. ભારત સહિત અનેક દેશોના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીની ટેકનિકલ ટીમ ખામીનું કારણ શોધવા અને સર્વિસ ફરી શરૂ કરવા માટે કામ કરી રહી છે. જોકે, સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ક્યારે આવશે તે અંગે સ્પષ્ટ સમયમર્યાદા આપવામાં આવી નથી.

2024માં પણ માઇક્રોસોફ્ટનું સર્વર થયું હતું ઠપ

માઇક્રોસોફ્ટની સર્વિસમાં ખામી સર્જાવાની આ પહેલી ઘટના નથી. વર્ષ 2024માં પણ દુનિયાભરના Windows યુઝર્સને મોટી ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અનેક કમ્પ્યુટર સિસ્ટમમાં એરર આવવા લાગ્યા હતા અને કેટલીક સિસ્ટમ અચાનક બંધ થઈ જતી હતી અથવા રિસ્ટાર્ટ થતી હતી. કંપનીએ તે વખતે આ વૈશ્વિક સમસ્યા પાછળ સાયબર સિક્યોરિટી કંપની CrowdStrikeના અપડેટને જવાબદાર ગણાવ્યું હતું. હવે ફરી એકવાર માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસ ઠપ થતાં દુનિયાભરના યુઝર્સની મુશ્કેલી વધી છે.