પેઇન્ટ, નોટપેડ અને સ્નિપિંગ ટૂલમાં AIનો સમાવેશ કર્યો માઈક્રોસોફ્ટે, જાણો શું છે નવીનતા…
AI in Notepad and Paint: માઈક્રોસોફ્ટ દ્વારા હાલમાં જ નોટપેડ, પેઇન્ટ અને સ્નિપિંગ ટૂલને AIની મદદથી અપગ્રેડ કરવામાં આવ્યાં છે. વિન્ડોઝની આ ખૂબ જ જાણીતી અને શરૂઆતથી લઈ આજ સુધી ખૂબ જ કામમાં આવતી એપ્લિકેશન છે. વિન્ડોઝ ઇન્સાઇડર માટેની લેટેસ્ટ અપડેટમાં આ તમામ એપ્લિકેશનને વધુ સ્માર્ટ બનાવવામાં આવી છે. આ ટૂલને હાલમાં કેનેરી અને ડેવ ચેનલ્સના વિન્ડોઝ 11 યુઝર માટે રજૂ કરવામાં આવ્યાં છે.
પેઇન્ટમાં જનરેટ કરી શકાશે સ્ટીકર્સ
માઈક્રોસોફ્ટ દ્વારા પેઇન્ટમાં AIનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેક્સ્ટની મદદથી હવે પેઇન્ટમાં યુઝર્સ કસ્ટમ સ્ટીકર્સ બનાવી શકશે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિએ ડોગને કેપ પહેરેલી જોવી હોય, તો તે ટેક્સ્ટ લખતાં જ સ્ટીકર બની જશે. આ સ્ટીકર બનતા તે ઓટોમેટિક કેનવાસમાં એડ થઈ જશે. એને અન્ય એપ્લિકેશનમાં પણ કોપી-પેસ્ટ કરી શકાશે. તેમ જ નવા ટૂલબાર સેક્શનમાંથી પણ સ્ટીકર્સને એક્સેસ કરી શકાશે.
પેઇન્ટના સિલેક્શન ટૂલને વધુ પાવરફુલ બનાવવામાં આવ્યું છે. યુઝર્સ હવે ફોટોની અંદર રહેલા કોઈ પણ ચોક્કસ ભાગને સિલેક્ટ કરીને એનો એડિટ કરી શકશે. સાધા ક્લિકથી ચોક્કસ જગ્યા સિલેક્ટ થઈ જશે અને ત્યારબાદ એ એડિટ પણ કરી શકાશે.
જૂના અને નવા યુઝર્સ માટે માઈક્રોસોફ્ટ દ્વારા એક નવી ટુટોરિયલ શૈલીની વેલકમ વિન્ડો બનાવવામાં આવી છે. ટૂલબારમાં જઈને મેગાફોન પર ક્લિક કરતાં જ આ વિન્ડો ઓપન થઈ જશે. જોકે, આ ટૂલનો ઉપયોગ કરવા માટે માઈક્રોસોફ્ટ એકાઉન્ટ હોવું જરૂરી છે. તેમ જ, આ ટૂલ Copilot Plus કમ્પ્યુટર પર જ જોવા મળશે.
સ્નિપિંગ ટૂલ હવે સ્ક્રીનશોટની સાથે કલર પણ ઓળખી શકશે
સ્નિપિંગ ટૂલમાં હવે AIની મદદથી બે ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર દ્વારા જે પણ સ્ક્રીનશોટ લેવામાં આવ્યો હોય, તે યુઝરની ઇચ્છા મુજબ જ્યાં પેસ્ટ કરવામાં આવશે ત્યાં કેટલી જગ્યા છે તે અનુસાર ઓટોમેટિક ફિટ થઈ જશે. આથી, યુઝરને તેને ફરી રીસાઈઝ કરવાની જરૂર નહીં પડે. જોકે, એમ છતાં, તેની ઇચ્છા હોય તો તે પણ કરી શકાશે. આ ફીચરને ટૂલબાર અથવા તો સિલેક્શન દરમિયાન Ctrl કી દબાવીને એક્ટિવેટ કરી શકાશે. આ સાથે જ, માઈક્રોસોફ્ટ દ્વારા કલર પિકર ટૂલ પણ આપવામાં આવ્યું છે. ડિઝાઇનર અને ડેવલપર્સ માટે આ ટૂલ ખૂબ જ ઉપયોગી છે. આ ટૂલની મદદથી, યુઝરને જે કલર જોઈતો હોય, તે ચોક્કસ રીતે મેળવી શકશે.
આ પણ વાંચો: સિમ કાર્ડ સ્કેમ ખૂબ જ ખતરનાક છે, જાણો કેવી રીતે બચાવશો પોતાને…
નોટપેડમાં રાઇટિંગ માટે AI આસિસ્ટન્ટ
માઈક્રોસોફ્ટ દ્વારા નોટપેડમાં AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'Write' ફિચરની મદદથી યુઝર હવે નોટપેડમાં જ કન્ટેન્ટ બનાવી શકશે. આ ટૂલની મદદથી, યુઝર તેના વિચારોને પૂરા કરી શકશે, તેમ જ જે લખ્યું હોય, એને સુધારી શકશે. તેમ જ, ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પણ ખૂબ જ મદદરૂપ છે. આ ટૂલનો ઉપયોગ કરવા માટે, કન્ટેન્ટને સિલેક્ટ કરીને રાઇટ-ક્લિક કરીને 'Write' ઓપ્શન પસંદ કરવું. અથવા તો Copilot મેનૂમાં જઈને પણ પસંદ કરી શકાશે, અથવા તો Ctrl + Q શોર્ટકટનો પણ ઉપયોગ કરી શકાશે. આ ફીચરની મદદથી, યુઝર નક્કી પણ કરી શકશે કે તેમને આ ટેક્સ્ટ રાખવી છે કે નહીં.