| AI Image |
Meta Solar Enery: Meta Platformsએ અંતરિક્ષ આધારિત સોલર ઊર્જા ક્ષેત્રે કામ કરતાં સ્ટાર્ટઅપ Overview Energy સાથે એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ મેટા આ દાયકાના અંત સુધીમાં તેના ડેટા સેન્ટરો માટે Overview Energyની નવી સોલર ઊર્જા સિસ્ટમનો ઉપયોગ કરશે. આ ટેક્નોલોજીમાં અંતરિક્ષમાં સૂર્ય ઊર્જા એકત્રિત કરીને તેને પૃથ્વી પર સ્થિત સુવિધાઓ સુધી મોકલવામાં આવશે. આથી 24 કલાક સતત વીજળીનું ઉત્પાદન શક્ય બનશે.
2028માં પ્રથમ ઓર્બિટલ ડેમોન્સ્ટ્રેશન
Overview Energyની સિસ્ટમનું પ્રથમ ઓર્બિટલ ડેમોન્સ્ટ્રેશન 2028માં થવાની શક્યતા છે, જ્યારે વ્યાવસાયિક સ્તરે વીજળી સપ્લાય 2030 સુધી શરૂ થવાની યોજના છે. આ કરાર દ્વારા મેટાને આ નવીન સિસ્ટમમાંથી એક ગીગાવોટ જેટલી ક્ષમતાનો શરૂઆતમાં ઍક્સેસ મળશે. જોકે, આ કરારની નાણાકીય વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
સસ્ટેનેબલ ઊર્જા તરફ મેટાનો પ્રયત્ન
મેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટરો માટે વધતી ઊર્જાની માંગને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના ઊર્જા પુરવઠા કરારો કરી રહી છે. કંપની ન્યુક્લિયર ઊર્જા સહિત વિવિધ ઊર્જા સ્ત્રોતોમાં પણ રોકાણ કરી રહી છે. Overview Energy સાથેનો આ કરાર મેટાના સસ્ટેનેબલ ભવિષ્ય તરફના પ્રયાસોમાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું છે, કારણ કે તે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ફોસિલ ફ્યુઅલ્સ પરની નિર્ભરતા ઓછી કરવા માંગે છે.
Overview Energyની નવી સોલર ટેક્નોલોજી
Overview Energyની અંતરિક્ષ આધારિત સોલર પાવર ટેક્નોલોજીમાં અંતરિક્ષમાં ઉપલબ્ધ અનલિમિટેડ સૂર્ય ઊર્જા એકત્રિત કરીને તેને નીર-ઇન્ફ્રારેડ લાઇટમાં પરિવર્તિત કરવામાં આવશે. ત્યારબાદ આ પ્રકાશ પૃથ્વી પરના મોટા સોલર ફાર્મ્સ સુધી મોકલવામાં આવશે, જ્યાં તેને ફરીથી વીજળીમાં પરિવર્તિત કરવામાં આવશે. કંપનીને આશા છે કે આ પદ્ધતિ હાઈ-પાવર લેઝર અથવા માઇક્રોવેવ બીમ દ્વારા પૃથ્વી સુધી ઊર્જા મોકલવામાં આવતા ટેક્નિકલ અને સલામતી સંબંધિત પડકારોને દૂર કરશે.
આ પણ વાંચો: આધાર કાર્ડ હવે Google Walletમાં થશે સેવ: જાણો કેવી રીતે સેવ કરશો?
Overview Energyની મહત્ત્વાકાંક્ષી સેટેલાઇટ યોજના
Overview Energyએ અગાઉ વિમાનમાંથી પાવર ટ્રાન્સમિશનનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. આ કંપની 2030 સુધીમાં 1,000 સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં દરેક સેટેલાઇટ દાયકાથી વધુ સમય સુધી અંતરિક્ષમાંથી ઊર્જા પૂરી પાડી શકશે. આ સેટેલાઇટ્સનો સમૂહ પૃથ્વીના લગભગ એક તૃતીયાંશ ભાગને આવરી લેશે અને સાંજ તથા રાત્રિના સમયે પણ સોલર ફાર્મ્સના તેના ગ્રાહકોને વીજળી ઉત્પાદન કરશે.


