અમેરિકા સાથે ભારતે કરી હોકઆઈ 360 ડીલ: દેશ માટે અને દરિયા સર્વેલન્સ માટે એ કેટલી ઉપયોગી છે એ જાણો…

India Secure Deal With America: અમેરિકા દ્વારા હોકઆઈ 360 ટેક્નોલોજી ભારત ખરીદી શકે એ માટેની સહમતી આપી દેવામાં આવી છે. હિંદ પ્રશાંત મહાસાગરમાં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે આ ડીલ ભારત માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારત તેની દરિયાઈ ક્ષેત્રમાં વધુ સાવચેત રહેવા માટે એડવાન્સ સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે.
આ વિશે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ કહે છે, ‘આ ટેક્નોલોજીનું ભારતને વેચવામાં આવી રહી હોવાથી હવે તેઓ દરિયાઈ ક્ષેત્રમાં તેમના પર વર્તમાનમાં કે ભવિષ્યમાં જે પણ જોખમ આવે એના વિશે વધુ સાવચેત રહી શકશે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેઓ વધુ સારી રીતે એનલાઈઝ કરીને સ્ટ્રેટેજી બનાવી શકશે.’
ડીલમાં શું-શું સમાવેશ થાય છે?
આ ડીલ અંદાજે 131 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 11.07 અબજ રૂપિયામાં થઈ હોવાનો અંદાજો છે. આ કિંમતમાં સંપૂર્ણ પેકેજ આવી જાય છે જેમાં સીવિઝન સોફ્ટવેર, સોફ્ટવેર એન્હાન્સમેન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ ફીલ્ડ ટીમ દ્વારા ટ્રેઇનિંગ, રીમોટ સોફ્ટવેર, એનાલિટિક સપોર્ટ, ડોક્યુમેન્ટેશન અને અન્ય લોજિસ્ટિક સપોર્ટની સાથે પ્રોગ્રામ સપોર્ટનો પણ સમાવેશ થાય છે. યુએસ ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ કહ્યું કે ‘આ ડીલ માટેનો મુખ્ય કોન્ટ્રાક્ટર હોકઆઈ 360 કંપની છે જે વર્જિનિયાના હેર્ન્ડોનમાં આવેલી છે.’
‘ડાર્ક શિપ’ને ઓળખી કાઢવા માટે જરૂરી છે આ ટેક્નોલોજી
હોકઆઈ 360 અમેરિકાની એક પ્રાઈવેટ કંપની છે. આ કંપનીની લો-અર્થ ઓરબિટમાં ઘણી સેટેલાઇટ્સ છે. આ સેટેલાઇટ્સની મદદથી શિપ્સ, એરક્રાફ્ટ, વ્હિકલ અને કોસ્ટલ સિસ્ટમમાંથી આવતી તમામ રેડિયો ફ્રીકવન્સીને ટ્રેક કરવામાં આવે છે. આ ટેક્નોલોજી ખાસ કરીને એવા જહાજને ટ્રેક કરવા માટે ઉપયોગી છે, જેઓ તેમની ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમને બંધ કરી દે છે જેથી રડાર પર તેમને કોઈ ઓળખી ન શકે. આ સિસ્ટમ જે પણ જહાજમાં બંધ થઈ શકે એને "ડાર્ક શિપ" તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે લોકોની નજરથી બચવા માટે સક્ષમ હોય છે. દરિયાની પણ સીમા હોય છે, અને એને લઈને પણ ઘણી વાર મતભેદ હોય છે. આ મતભેદ વાળા વિસ્તારમાં કોઈ પણ કામ કરવા અથવા કોઈ પણ ગેરકાયદેસરના કામ કરવા માટે આ ડાર્ક શિપ માથાનો દુખાવો બની શકે છે. આથી આ પ્રકારની શિપને પણ ઓળખવા માટે હોકઆઈ 360 ટેક્નોલોજી મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો: એડવાન્સ્ડ ફાઇટર જેટ બનાવવા માટે ડીપસીક AIનો ઉપયોગ કરી રહ્યું છે ચીન
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?
હોકઆઈ 360 દ્વારા આ ડાર્ક શિપની રેડિયો ફ્રીકવન્સીને ઓળખવામાં આવે છે અને ત્યાર બાદ એને એનલાઈઝ કરવામાં આવે છે. આ ફ્રીકવન્સીને "ડેટાઈમ ઇમેજિંગ" માટેની ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ, "થર્મલ સિગ્નેચર" માટે ઇન્ફ્રારેડ, અને "રડાર આધારિત ઇમેજ" શોધવા માટે જરૂરી સિન્થેટિક એપરેચર રડાર સિસ્ટમ દ્વારા એનલાઈઝ કરવામાં આવે છે. આ તમામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જહાજની સાઇઝ, સ્પીડ અને લોકેશન નક્કી કરવામાં આવે છે.
આ ટેક્નોલોજીની મદદથી થોડું પણ સંકાસ્પદ લાગે એવી પેટર્નને ઓળખવામાં આવે છે. એમાં વારંવાર રેડિયો ફ્રીકવન્સીને બંધ કરવામાં આવવાથી લઈને અજાણ્યા સિગ્નલ સાથે સંપર્ક કરવા જેવી વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ડેટાની મદદથી ભારતીય નેવી વધુ ચોક્કસ અને ઝડપથી નિર્ણઈ લઈ શકશે.

હોકઆઈ 360 ભારત માટે કેટલું મહત્ત્વનું?
આ ડીલને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના ડિફેન્સ કોઓપરેશનનું લેવલ વધુ ગાઢ બન્યું છે. આ વિશે અમેરિકાની સરકાર કહે છે, ‘અમેરિકાની નેશનલ સિક્યુરિટીની તમામ બાબતો અને ફોરેન પોલિસીને ધ્યાનમાં રાખીને આ ટેક્નોલોજી વેચવા માટેની સહમતી આપવામાં આવી છે. આ ડીલ હેઠળ અમેરિકા-ઇન્ડિયાની સ્ટ્રેટેજિક રિલેશનશિપ અને મહત્ત્વના ડિફેન્સ પાર્ટનર તરીકેની સિક્યુરિટીમાં વધારો કરવામાં આવ્યો છે. હિંદ-પ્રશાંત મહાસાગર અને સાઉથ એશિયામાં રાજનૈતિક સ્થિરતા, શાંતિ અને અર્થતંત્રના વિકાસ માટે આ ડીલ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.’
હોકઆઈ 360ની મદદથી ભારત હવે ઇકોનોમિક ઝોનમાં પણ ચાપતી નજર રાખી શકશે. આ ટેક્નોલોજીની મદદથી ભારત સ્મગલિંગ, ગેરકાયદેસર પકડવામાં આવતી માછલીઓ, ટ્રાફિકિંગ અને ભારતના દરિયાઈ વિસ્તારમાં થતી પાયરસી પર સંપૂર્ણ કંટ્રોલ રાખી શકશે.
ભારતીય નૌસૈના દ્વારા અત્યારે P8i મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને સી ગાર્ડિયન ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકા પાસેથી ખરીદેલી નવી ટેક્નોલોજી દ્વારા ભારત હવે સતત રિયલ-ટાઇમ સર્વેલિયન્સ કરી શકશે. એ પ્રકારના વિસ્તારમાં પણ જ્યાં જહાજો પોતાની ઓળખ છુપાવવા માટે રેડિયો ફ્રીકવન્સી બંધ કરી દે છે.
ક્વોડ દેશની પાર્ટનરશીપને વધુ મહત્ત્વ
ભારત, અમેરિકા, જપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્વોડરિલેટરલ સિક્યુરિટી ડાયલોગ એટલે કે એક સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ કરવામાં આવી હતી. આ પાર્ટનરશીપ હેઠળ પણ આ ડીલને ફાઇનલ કરવામાં આવી છે.
2024ની જુલાઈમાં ટોક્યોમાં આ ચાર દેશના ફોરેન મિનિસ્ટર્સ મળ્યા હતા. એ સમયે આ ગ્રુપ દ્વારા હિંદ-પ્રશાંત મહાસાગરના દરિયાઈ ક્ષેત્રને વધુ સાવચેત રાખવા માટે જરૂરી મદદ કરવાની વાત કરી હતી. આ ડીલની શરૂઆત 2022ની મેમાં થઈ હતી. આ શરૂઆતથી પાર્ટનર દેશ દરિયામાં થતી હાલચાલ પર નજર રાખી કોઈ પણ ગેરકાયદેસી એક્ટિવિટી પર નજર રાખી શકે છે. તેમ જ પર્યાવરણને થતાં નુકસાન વિશે પણ જણાવી શકે છે.
હોકઆઈ 360 ડીલ આ હેતુ પર ખરી ઉતરે છે. આ ટેક્નોલોજીની મદદથી ભારતને ડેટા તો મળશે, પરંતુ એ મળતાની સાથે જ એના પર સ્વતંત્ર રીતે માહિતી પર શું એક્શન લેવવું એની પણ સત્તા મળી રહે છે.
આ પણ વાંચો: આઇફોનમાં આ સેટિંગ કરવાથી રાતે સારી ઊંઘ આવશે, જાણો વિગત…
દરિયાઈ સિક્યુરિટીના મજબૂત પગલા
2018માં ભારત દ્વારા દેશના દરિયાઈ ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન ફ્યુશન સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરનું કામ જહાજોની ડેટાને ભેગી કરી, એને એનલાઈઝ કરવાનું છે. હોકઆઈ 360ની મદદથી હવે આ સેન્ટરને એકદમ ચોક્કસ ડેટા મળશે, જેનાથી આ ડિપાર્ટમેન્ટ વધુ સરળ અને ચોક્કસ પગલાં ભરી શકશે.
આ સેન્ટર દ્વારા હવે રિયલ-ટાઇમમાં કોઈ પણ જહાજને ટ્રેક કરી શકાશે. "ડેડ ઝોન" તરીકે જાણીતા વિસ્તાર એટલે કે એમાં એક વાર જહાજ ગયું તો એ ફરી નહીં મળે, એવા વિસ્તાર પર પણ નજર રાખી શકાશે. આ સાથે જ દેશને દરિયા તરફથી થતા કોઈ પણ જોખમની હવે આગોતરી જાણ થઈ જશે.

