Get The App

અમેરિકા VS ઇન્ડિયા : વોટ્સએપ, ગૂગલ અને માઇક્રોસોફ્ટની એપ્લિકેશનની જગ્યા લેશે હવે સ્વદેશી એપ્સ, જુઓ વિગત…

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા VS ઇન્ડિયા : વોટ્સએપ, ગૂગલ અને માઇક્રોસોફ્ટની એપ્લિકેશનની જગ્યા લેશે હવે સ્વદેશી એપ્સ, જુઓ વિગત… 1 - image


Software Race: અમેરિકા જ્યારે ભારત પર ટેરિફ લગાવી રહ્યું છે અને પ્રેશર કરી રહ્યું છે ત્યારે ભારત હવે આત્મનિર્ભર બનવા તરફ જઈ રહ્યું છે. અમેરિકા સોફ્ટવેર માર્કેટમાં સૌથી આગળ છે અને આ માર્કેટમાં તેમનો દબદબો ઘટાડવા માટે ભારત હવે સ્વદેશી એપ્લિકેશનને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે ઇન્ડિયાના ઘણાં મિનિસ્ટર ભારતની એપ્લિકેશનને પ્રમોટ કરી રહ્યાં છે. ગૂગલ મેપ્સ, વોટ્સએપ અને માઇક્રોસોફ્ટ ઓફિસની જગ્યાએ હવે ભારતમાં બનાવવામાં આવેલી એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ભારત હવે વિદેશી સામાન પર વધુ નિર્ભર રહેવા નથી માગતું. આથી ડિજિટલ ઇકોસિસ્ટમમાં હવે ભારતીય એપ્લિકેશન જોવા મળે એવો લક્ષ્ય છે.

મેડ ઇન ઇન્ડિયા ટેક્નોલોજી દ્વારા અમેરિકાને પ્રહાર

ઓગસ્ટ મહિનાથી અમેરિકા દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યો છે. આથી હવે ભારતે એનો વિરોધ ટેક્નોલોજીમાં કરવાનું નક્કી કર્યું છે. અમેરિકાને સૌથી વધુ અસર ટેક્નોલોજીમાં પડે છે અને એથી જ ભારત હવે ત્યાં પ્રહાર કરી રહ્યું છે. ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના કેબિનેટ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ, કોમર્સ કેબિનેટ મિનિસ્ટર પિયુષ ગોયલ અને એજ્યુકેશન કેબિનેટ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા હવે ઇન્ડિયન એપ્લિકેશનને પ્રમોટ કરવામાં આવી રહી છે. તેમના પ્રમોટ કરવાથી આ એપ્લિકેશનને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે.

વોટ્સએપ, ગૂગલ મેપ્સ અને માઇક્રોસોફ્ટનો પર્યાય

ઝોહો : ઝોહો ચેન્નાઈની એક સોફ્ટવેર કંપની છે. આ કંપની દ્વારા ક્લાઉડ આધારિત પ્રોડક્ટિવિટી ટૂલ પણ પૂરા પાડવામાં આવે છે. માઇક્રોસોફ્ટ સૂટના પર્યાય તરીકે ઝોહોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા હાલમાં જ હાઇવે પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મીડિયાને આપવામાં આવ્યું હતું. એ દરમ્યાન તેમણે પાવરપોઈન્ટની જગ્યાએ ઝોહોનો ઉપયોગ કર્યો હતો. આ સમયે તેમણે એની ખાસિયત અને સસ્તુ હોવા વિશે પણ વાત કરી હતી.

મેપમાયઇન્ડિયા : ગૂગલ મેપ્સની જગ્યાએ મેપમાયઇન્ડિયાનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મેપમાયઇન્ડિયાનો ઉપયોગ ઘણી કંપનીઓ કરી રહી છે. હીરો મોટોકોર્પ દ્વારા હાર્લી ડેવિડસનની બાઇક બનાવવામાં આવે છે. એમાં GPS માટે પણ મેપમાયઇન્ડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા મીડિયાને હાઇવે પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું એમાં કહ્યું કે ‘તમે જે મેપ જોઈ રહ્યાં છો એ મેપમાયઇન્ડિયાનો છે, નહીં કે ગૂગલ મેપનો. આ મેપ સારું દેખાઈ રહ્યું છેને? એકદમ સ્વદેશી.’

Arattai : આ એક મેસેજિંગ એપ્લિકેશન છે જેને ઝોહો દ્વારા બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન હાલમાં જ એપ સ્ટોર પર ટોપ પર આવી હતી. ઓગસ્ટમાં એના 10000 ડાઉનલોડ હતાં, પરંતુ સપ્ટેમ્બરમાં એના 400000 ડાઉનલોડ થઈ ગયા છે. પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ એપ્લિકેશનને પ્રમોટ કરવામાં આવી રહી છે. આ એપ્લિકેશન વોટ્સએપને ટક્કર આપી શકે છે. એટલે કે એમાં વોટ્સએપ જેવા ફીચર્સ છે. તેમ જ કંપનીઓ માટે પણ સારી એપ્લિકેશન છે.

અમેરિકા VS ઇન્ડિયા : વોટ્સએપ, ગૂગલ અને માઇક્રોસોફ્ટની એપ્લિકેશનની જગ્યા લેશે હવે સ્વદેશી એપ્સ, જુઓ વિગત… 2 - image

દુનિયાની ટોચની કંપનીની જગ્યા લેવામાં શું આવી શકે છે ચેલેન્જ?

ભારત પાસે દુનિયાની ટોચની કંપનીની જગ્યા લેવા માટે પર્યાય તો છે. જોકે એમાં કેટલીક સમસ્યા છે, જેના કારણે આ કામ થોડું મુશ્કેલ છે.

યુઝરની ટેવમાં બદલાવ કરવો : ભારતીયોના જીવનમાં અમેરિકન કંપનીઓ અંદર સુધી ઘૂસી ગયેલી છે. વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ યુઝર્સ છે અને એને Arattai પર લાવવા એ ખાવાનો ખેલ નથી. તેમ જ સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમની જગ્યાએ ઝોહોનો ઉપયોગ કરવો એ ખૂબ જ મોટું કમિટમેન્ટ અને પગલું છે. એથી એ પણ સરળ નથી.

પૈસાની જરૂર : અમેરિકાની કંપનીની સરખામણીએ ભારતીય સ્ટાર્ટઅપને પૈસાની ખૂબ જ જરૂર પડે છે. ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓને જોઈએ એટલું ફંડિંગ ન મળતું હોવાથી એ લોકો સુધી પહોંચી નથી શકતી. ટ્વિટરની સામે ટક્કર લેવા માટે ભારતમાં Kooની શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે પણ મિનિસ્ટરનો સપોર્ટ એ એપ્લિકેશનને મળ્યો હતો. જોકે ફંડિંગ ન મળી રહ્યું હોવાથી 2024માં એને બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ડિજિટલ દુનિયામાં ડેટા અને પોતાને સિક્યોર રાખવા માટે આટલું કરો…

કટીબધતાની જરૂર

ભારત દ્વારા વિદેશી એપ્લિકેશનની સામે સ્વદેશી એપ્લિકેશનનો મોરચો શરૂ તો કરવામાં આવ્યો છે. જોકે એ શરૂ કરવાની સાથે જ એની પાછળ એટલું કામ કરવું પણ જરૂરી છે. કેમ્પેનને સતત પ્રોત્સાહન આપવું અને જરૂરી દરેક સમયે મદદ કરવી પણ જરૂરી છે. આ સાથે જ સરકારે ઇનોવેશન અને ડેટા પ્રાઇવસીને પણ પ્રોટેક્શન આપવું જરૂરી છે. આ માટે તેણે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવાનું બંધ કરી સરકારી સેક્ટરમાં પણ સ્વદેશી એપ્સનો ઉપયોગ કરવો જરૂરી છે. જોકે એ વાત તો નક્કી છે કે હવે ભારતમાં ટેક્નોલોજીમાં પરિવર્તન જરૂર આવી રહ્યું છે.

Tags :