Get The App

ડિજિટલ દુનિયામાં ડેટા અને પોતાને સિક્યોર રાખવા માટે આટલું કરો…

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ દુનિયામાં ડેટા અને પોતાને સિક્યોર રાખવા માટે આટલું કરો… 1 - image


Online Protection: આજે ડિજિટલ દુનિયામાં ઓનલાઇન પ્રાઇવસી ખૂબ જ મહત્વની છે. હાલમાં જ અક્ષયકુમારે કહ્યું કે તેની દીકરી નિતારા સાથે સાઇબર હેરેસમેન્ટ થયું હતું. તેની પાસે ગેમ રમતી વખતે સામેની વ્યક્તિએ નગ્ન ફોટો માગ્યા હતા. જોકે સાઇબર હેરેસમેન્ટ ઘણાં પ્રકારના હોય છે. આથી દરેક વ્યક્તિએ સાઇબર સિક્યોરિટી રાખવી જરૂરી છે. ઓનલાઇન તેમના ફોટો તેઓ કેટલા શેર કરે છે એ ખૂબ જ મહત્વનું છે. યુઝરના ડેટાનો દુરુપયોગ થઈ શકે એવી નજરોથી ડેટાને પ્રોટેક્ટ કરવું જરૂરી છે. આ માટે કેટલીક બાબતો એનાથી યુઝર પોતાની જાતને ઓનલાઇન પ્રોટેક્ટ કરી શકે છે.

પ્રાઇવસી માટે એડ બ્લોકરનો ઉપયોગ કરવો

એડ બ્લોકર ઓનલાઇન એડને બ્લોક કરવાની સાથે યુઝરના ડેટાને કલેક્ટ કરતાં પણ અટકાવે છે. યુઝર શું ખરીદી કરી રહ્યો છે અને શું સર્ચ કરી રહ્યો છે એ દરેક ડેટાને ટ્રેક કરવામાં આવે છે અને એડ બ્લોકર એને પણ અટકાવે છે. જો આ ડેટા કલેક્ટ થઈ ગયા તો યુઝર્સને દરેક વેબસાઇટ અને દરેક સોશિયલ મીડિયા પર એ વિશે જ માહિતી જોવા મળશે. આથી હંમેશાં એડ બ્લોકરનો ઉપયોગ કરવો.

સિક્યોર કનેક્શનનો જ ઉપયોગ કરવો

આજે ઘણી વેબસાઇટ્સ હોય છે જે ખોટી ખોટી બનાવવામાં આવી હોય છે. ઉદાહરણ તરીકે છેતરપિંડી કરનારા દ્વારા ફ્લિપકાર્ટ, એમેઝોન અને SBI જેવી ઘણી વેબસાઇટની ખોટી વેબસાઇટ બનાવવામાં આવે છે. આથી યુઝર દ્વારા હંમેશાં સિક્યોર કનેક્શન એટલે કે HTTPSનો ઉપયોગ કરવો. HTTP વાળી વેબસાઇટ ખોટી હોવાના ચાન્સ વધુ છે. તેમ જ દરેક ઓફિશિયલ વેબસાઇટની આગળ HTTPS લાગેલું હોય છે. જો એક વાર આ વેબસાઇટનું પેજ બદલાયું હોય તો પણ બીજા પેજ પર HTTPS છે કે નહીં ચેક કરી લેવું. જો HTTPS હશે તો યુઝર્સ સાથે છેતરપિંડી થવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જશે. તેમ જ તેના કાર્ડ, બેન્ક એકાઉન્ટ અને દરેક માહિતી પ્રોટેક્ટ પણ રહેશે.

ડિજિટલ દુનિયામાં ડેટા અને પોતાને સિક્યોર રાખવા માટે આટલું કરો… 2 - image

એક્સટેન્શનની મદદથી કૂકીઝ મેનેજ કરવી

કૂકીઝ મેનેજ કરવા માટે પણ એક્સટેન્શન આવે છે. એનો ઉપયોગ કરવાથી યુઝર જે પણ સર્ચ કરે છે એ ઓનલાઇન ટ્રેક કરવામાં આવે કે નહીં એને કન્ટ્રોલ કરી શકાશે. યુઝર દ્વારા જે વેબસાઇટની મુલાકાત કરવામાં આવી હોય અને જે સર્ચ કરવામાં આવ્યું હોય એને નાની-નાની ફાઇલમાં સેવ કરવામાં આવે છે. એને કૂકીઝ તરીકે ઓળખવામાં આવે છે. આથી એને કન્ટ્રોલ કરતાં આ ફાઇલ બનતાં પણ અટકાવી શકાય છે. કેટલાક એક્સટેન્શન સર્ચ પૂરું થતાં ઓટોમેટિક કૂકીઝ ડિલીટ કરવાની પણ સુવિધા આપે છે. એનો અર્થ એ થયો કે યુઝર્સની પ્રાઇવસીમાં વધારો થાય છે.

ટ્રેકરને બ્લોક કરવું

યુઝર જ્યારે જે-તે વેબસાઇટ પર જાય છે ત્યારે એક પેજ પરથી બીજા પેજ પર અવશ્ય જાય છે. આથી આ તમામ એક્ટિવિટીને ટ્રેકર દ્વારા ટ્રેક કરવામાં આવી રહી હોય છે. આ ટ્રેકિંગ એક્ટિવિટીને બ્લોક કરવા માટે ટ્રેકિંગ બ્લોક એક્સટેન્શનનો ઉપયોગ કરવો. એનાથી એડવર્ટાઇઝમેન્ટ કંપનીઓને યુઝર્સના ડેટા નથી મળતાં અને તેમની માહિતી પણ સુરક્ષિત રહે છે. એક રીતે કહેવા જઈએ તો આ ટ્રેકરને બ્લોક કરતાં યુઝર કોઈ પણ વસ્તુને સર્ચ કરી શકે છે એ પણ કોઈની પણ નજરથી દૂર રહીને.

આ પણ વાંચો: ટ્રમ્પ સરકારના પ્રેશરમાં આવીને કઈ એપ્લિકેશન કાઢી નાખી એપલે? જાણો વિગત...

પાસવર્ડ મેનેજરનો ઉપયોગ

પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાથી યુઝર્સ તેના ડેટાને ખૂબ જ સિક્યોર રાખી શકે છે. યુઝર્સ મોટાભાગે દરેક એકાઉન્ટના પાસવર્ડ એક સરખા રાખે છે. જોકે એવી ભૂલ નહીં કરવી. તેમ જ તેમના દરેક પાસવર્ડને સેવ કરવા માટે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવો. એનાથી પાસવર્ડ ઇન્ક્રિપ્ટેડ રહેશે. આ સાથે જ કેટલાક પાસવર્ડ મેનેજર ટૂ-ફેક્ટર વેરિફિકેશન પણ માગે છે. એથી એનો ઉપયોગ કરવાથી યુઝર્સનું એક એકાઉન્ટ હેક થયું હોય તો અન્ય એકાઉન્ટ સુરક્ષિત રહી શકે છે. યુઝર્સને પાસવર્ડ યાદ ન રહેતો હોવાથી તે આ રીતે દરેક એકાઉન્ટનો પાસવર્ડ એક રાખે છે. જોકે પાસવર્ડ મેનેજરથી એ સમસ્યાનું સમાધાન આવી જશે.

Tags :