Science & Technology

નવલી નવરાત્રિ, સ્માર્ટ ગ્લાસિસવાલી !

By GS Team
14 Oct 20267 mins read
TukuTouch Logo
આ નવરાત્રિમાં ખેલૈયાઓ સ્માર્ટ ગ્લાસિસ દ્વારા રાસ-ગરબાના ફોટો-વીડિયો કેપ્ચર કરી રહ્યા છે. મેટાના આ સ્માર્ટ ગ્લાસિસ ભારતમાં 44,000 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 12 મેગાપિક્સલ કેમેરા અને LED લાઇટ છે, જે ફોટો-વીડિયો કેપ્ચર કરતી વખતે ચાલુ થાય છે. જોકે, વિદેશોમાં પ્રાઇવસીની ચિંતાને કારણે આવા ગ્લાસિસ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવલી નવરાત્રિ, સ્માર્ટ ગ્લાસિસવાલી !
  • તમને ઇન્સ્ટામાં ગ્લાસિસના આઈકોનવાળા લાઈવ વીડિયો દેખાયા લાગ્યા ?

સમય સાથે આપણા તહેવારો, ખાસ કરીને નવરાત્રિ જેવા યંગ જનરેશનના ફેવરિટ તહેવારોની ઉજવણીની સ્ટાઇલ બદલાય એ સ્વાભાવિક છે. અગાઉ શેરીઓમાં કે કોમન ગ્રાઉન્ડમાં થોડી ઘણી રોશનીના ઝાંખા અજવાળે ઉજવાતી નવરાત્રિમાં જબરી ઝાકઝમાળ ઉમેરાઈ છે. હવે ફરી પરંપરાગત ગરબાનો મહિમા પણ વધી રહ્યો છે, પણ આ વખતની નવરાત્રિ હજી આગલા જ વર્ષ કરતાં ઘણી અલગ છે.
આ વખતે ખેલૈયાઓએ રાસ-ગરબે રમતાં ફોટો-વીડિયો કેપ્ચર કરવા માટે દાંડિયા બાજુએ મૂકીને હાથમાં સ્માર્ટફોન લેવાની જરૂર રહી નથી. આંખે સ્માર્ટ ગ્લાસિસ હોય એ પૂરતું છે. મેટાના સ્માર્ટ ગ્લાસિસ ઓફિશિયલી ભારતમાં ગયા વર્ષે મે મહિનામાં લોન્ચ થઈ ગયા, પણ ડિલિવરી પ્રમાણમાં મોડી શરૂ થઈ. કિંમત હજી ખાસ્સી મોંઘી છે, પણ આ નવરાત્રિએ સોશિયલ મીડિયા પર સ્માર્ટ ગ્લાસિસના ‘પોઇન્ટ ઓફ વ્યૂ(પીઓવી)’ દેખાવા લાગ્યા છે, ત્યારે…

સ્માર્ટ ગ્લાસિસ સામે વિરોધ કેમ વધી રહ્યો છે ?

ભારતમાં આપણે લોકો પોતાની પ્રાઇવસીની ખાસ ચિંતા કરતા નથી. આપણો સામાન્ય રીતે એવો જ અભિગમ હોય છે કે ‘‘કોઈ આપણા વિશે કશું જાણી લે તો આપણું શું લૂંટાઈ જવાનું છે?’’ એટલે જ નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન લોકો બિન્ધાસ્ત રીતે આજુબાજુના ખેલૈયાઓના ફોટો-વીડિયો કેપ્ચર કરી રહ્યા હોય એ તરફ ખેલૈયાઓ પોતે ખાસ ધ્યાન આપતા નથી. ધ્યાન આપી શકાય એવું હોતું પણ નથી!
પરંતુ હવે નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા માટે હાથમાં કેમેરા પકડવાની જરૂર પણ રહી નથી. ખમતીધર જુવાનિયા આંખે કેમેરાવાળા સ્માર્ટ ગ્લાસિસ ચડાવીને નિરાંતે આજુબાજુ જે કંઈ દેખાઈ રહ્યું હોય તેના ફોટો કે વીડિયો કેપ્ચર કરી શકે છે. સ્માર્ટ ગ્લાસિસ બાબતે મેટાએ એપલ, ગૂગલ કે માઇક્રોસોફ્ટનાં વેરેબલ્સને ક્યાંય પાછળ રાખી દીધાં છે, કેમ કે મેટાના સ્માર્ટ ગ્લાસિસ
દેખાવમાં રોજિંદા ગ્લાસિસ જેવા જ છે!
ભારતમાં અત્યારે રે-બાન ઇન્ડિયાના ઓફિશિયલ સ્ટોર્સ તથા અન્ય ઓથોરાઇઝ્ડ રીટેઇલર્સ તથા વિવિધ ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી લેટેસ્ટ જેન ૩ સીરિઝના મેટા સ્માર્ટ ગ્લાસિસ ખરીદી શકાય છે. તેની કિંમત આશરે ૪૪ હજાર રૂપિયાથી શરૂ થાય છે! પછી મોડેલ અને સ્ટાઇલ કન્ફિગરેશન મુજબ કિંમત વધતી જાય! છતાં, ઓનલાઇન સ્ટોર્સમાં માંડ ચારેક હજારમાં પણ કેમેરાવાળાં ચશ્મા મળવા લાગ્યાં છે.
છતાં, ભારતમાં કેમેરાવાળા સ્માર્ટ ગ્લાસિસ બહુ પોપ્યુલર થયા નથી એટલે તથા પ્રાઇવસી તરફ આપણા ઠંડા અભિગમને કારણે તે ખાસ ચર્ચાનો મુદ્દો બન્યા નથી. પરંતુ વિદેશોમાં તેના વિશે ખાસ્સી ચિંતા જાગી રહી છે.

મેટા સ્માર્ટ ગ્લાસિસની ખાસિયત

મોટા ભાગે આપણે સ્માર્ટ ગ્લાસિસની ઇમેજમાં તેમાં ગોગલ્સ જેવા ડાર્ક કલરના ગ્લાસ હોવાનું જોઇએ છીએ. વાસ્તવમાં, આપણાં સાદાં ચશ્માની જેમ જ સ્માર્ટ ગ્લાસિસમાં પણ નંબરવાળા પ્લેઇન ગ્લાસ પણ ફીટ કરી શકાય છે. આથી સ્માર્ટ ગ્લાસિસના ગ્લાસ સાદાં ચશ્માની જેમ જ બિલકુલ પ્લેઇન, ટ્રાન્સપરન્ટ અને ક્લિયર ગ્લાસ પણ હોઈ શકે છે. તેમાં ફ્રેમ ડિઝાઇનના પણ અઢળક ઓપ્શન મળે છે. આ જ વાત મેટાના સ્માર્ટ ગ્લાસિસની મુખ્ય ખાસિયત છે.
પરંતુ તેને કારણે, આપણી આસપાસ ચશ્મા પહેરીને ફરતી વ્યક્તિઓમાં કોની આંખે સાદાં ચશ્મા છે અને કોની આંખે સ્માર્ટ ગ્લાસ એ પારખવું ઘણું મુશ્કેલ છે!
સાદાં ચશ્મા અને આવા સ્માર્ટ ગ્લાસિસમાં દેખીતો ફેર ફક્ત એટલો કે સ્માર્ટ ગ્લાસિસમાં ફ્રેમ પર ખૂણે કેમેરા અને સેન્સરનાં સર્કલ્સ જોવા મળે છે. તેના એક ખૂણે ૧૨ મેગા પિક્સેલનો અલ્ટ્રાવાઇડ કેમેરા લેન્સ હોય છે અને બીજા ખૂણે એલઇડી લાઇટ હોય છે.
જુદા જુદા દેશોમાં વિરોધ વધી રહ્યો છે
હમણાં નોર્વેમાં સરકારે કેટલાંક જાહેર સ્થળોએ એઆઇ સ્માર્ટ ગ્લાસિસ પહેરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયા, યુકે તથા યુએસમાં પણ આ રીતે સ્માર્ટ ગ્લાસિસ પર અંકુશ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. કેટલાક કિસ્સાઓમાં સરકારે આવાં પગલાં લીધાં છે, તો ક્યાંક અદાલતે આવાં પગલાં લેવાં પડ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં ગર્વમેન્ટ ઓફિસિસમાં પ્રાઇવસી અને સિક્યોરિટીની ચિંતાઓને કારણે વર્ક પ્લેસમાં કેમેરાવાળા સ્માર્ટ ગ્લાસિસ પર પ્રતિબંધ તોળાઈ રહ્યો છે. યુએસએમાં ન્યૂયોર્કમાં કોર્ટ રૂમમાં કેમેરા, માઇક્રોફોન કે ઓડિયો કે વીડિયો કેપ્ચર કરી શકે તેવા કોઇ પણ પ્રકારના આઇવેર પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
યુરોપમાં ફ્રાન્સ અને નેધરલેન્ડમાં પણ સ્માર્ટ ગ્લાસિસમાં વિરોધ તેજ થઈ રહ્યો છે.
મેટા કંપની આ બધા પ્રતિબંધ કે વિરોધ સામે એક જ દલીલ કરી રહી છે - તેના સ્માર્ટ ગ્લાસમાં ઇમેજ/વીડિયો કેપ્ચર થઈ રહ્યાં છે, એવું દર્શાવતી એલઇડી લાઇટ છે, એ લોકોની પ્રાઇવસી જાળવવા માટે પૂરતી છે. જોકે સરકારોને લાગે છે કે આટલી જોગવાઈ પૂરતી નથી.

આ છે સ્માર્ટ ગ્લાસિસની ખૂબીઓ કે જોખમો
આંખ પરનાં ચશ્મામાં જ કેમેરા, સ્પીકર, ડિસ્પ્લે સ્ક્રીન, એઆઈ… મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં એટલું બધું છે કે તે પહેર્યા હોય તો સ્માર્ટફોન હાથમાં લેવાની જરૂર રહેતી નથી.

ઇન્સ્ટન્ટ ફોટો વિડીયો કેપ્ચર

આંખ પર મેટા સ્માર્ટ ગ્લાસિસ પહેરેલી વ્યક્તિ બહુ સહેલાઈથી તેને જે કંઈ દેખાઈ રહ્યું હોય તેના ફોટો કે વીડિયો કેપ્ચર કરી શકે છે. એ માટે બે રસ્તા છે :
(૧) ફિઝિકલ બટન: સ્માર્ટ ગ્લાસમાં જમણી તરફ એક નાનું બટન હોય છે, તેને પ્રેસ કરીને ફોટોગ્રાફ લઈ શકાય. જો આ બટન જરા લાંબો સમય પ્રેસ કરી રાખવામાં આવે તો એક હળવો ‘બિપ’ સાઉન્ડ આવે છે અને વીડિયો કેપ્ચર થવાનું શરૂ થાય છે. આ જ ફિઝિકલ બટન ફરી દબાવીને વીડિયો કેપ્ચરિંગ સ્ટોપ કરી શકાય છે.
(૨) વોઇસ કમાન્ડ: સ્માર્ટ ગ્લાસમાં વોઇસ કમાન્ડથી પણ ફોટો કે વીડિયો કેપ્ચર કરી શકાય છે. સ્માર્ટ ગ્લાસિસ ધારકે હળવેથી ફક્ત એટલું જ બોલવાનું છે, ‘‘હેય મેટા, ટેક અ ફોટો’’.
વીડિયો કેપ્ચર કરવા બાબતે થોડા વધુ કંટ્રોલ મળે છે. જેમ કે ‘‘હેય મેટા, ટેક અ વીડિયો’’ અથવા ‘‘હેય મેટા, ટેક અ ‘થ્રીકે વીડિયો’, ‘સ્લોમો’ અથવા ‘હાઇપરલેપ્સ’.’’ આવા વોઇસ કમાન્ડથી સ્માર્ટ ગ્લાસ જે તે પ્રકારના વીડિયો લેવાનું શરૂ કરે છે. કેટલાક સ્માર્ટ ગ્લાસમાં વોઇસ કમાન્ડથી ઝૂમ કંટ્રોલ પણ મળે છે.
અલબત્ત, જ્યારે સ્માર્ટ ગ્લાસના કેમેરા એક્ટિવ હોય ત્યારે ફ્રેમમાં એક નાની એલઇડી લાઇટ ઓન થાય છે, જેથી આસપાસની વ્યક્તિ જાણી શકે છે કે સામે સીધાંસાદાં લાગતાં ચશ્મા પહેરેલી વ્યક્તિ પોતાના સ્માર્ટ ગ્લાસથી ફોટો-વીડિયો કેપ્ચર કરી રહી છે.
સ્માર્ટ ગ્લાસ સાથે કનેક્ટેડ મેટા એઆઇ મોબાઇલ એપમાં સ્માર્ટ ગ્લાસના કેમેરાનાં વિવિધ સેટિંગ કરી શકાય છે.

ઇન્સ્ટન્ટ કલાઉડ સ્ટોરેજ
મેટા સ્માર્ટ ગ્લાસની ખાસિયત એ છે કે તેમાં ચશ્માની ફ્રેમમાં જ ગોઠવાયેલા કેમેરાથી બહુ સહેલાઈથી ફોટોગ્રાફ અને વીડિયો લઈ શકાય છે. આ બધું ત્રણ જગ્યાએ સ્ટોર થઈ શકે છે.
(૧) ગ્લાસમાં: બધા ફોટો-વીડિયો સ્માર્ટ ગ્લાસની ટેમ્પરરી સ્ટોરેજમાં સચવાઈ રહે છે (અમુક રે-બાન મેટા સ્માર્ટ ગ્લાસ મોડેલમાં ૩૨ જીબી સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે).
(૨) ફોનમાં: સ્માર્ટ ગ્લાસ સાથે કનેક્ટેડ સ્માર્ટફોનમાંની ફોટો ગેલેરી એપમાં. ફોનમાંની ગેલેરી એપમાં મેટા એઆઇ એપ દ્વારા ફોટો-વીડિયો પહોંચે છે. સ્માર્ટ ગ્લાસ ધારક ઇચ્છે તો સ્માર્ટ ગ્લાસમાંથી મેન્યુઅલી ફોટો-વીડિયો ફોનમાં ટ્રાન્સફર કરી શકે છે અથવા તે બ્લુટૂથ કે વાઇ-ફાઇની મદદથી ઓટો ટ્રાન્સફર થતા રહે એવું સેટિંગ થઈ શકે છે. ફોટો-વીડિયો ફોનમાં પહોંચી ગયા પછી સ્માર્ટ ગ્લાસમાં સ્પેસ બચાવવા માટે ગ્લાસિસમાંથી તે આપોઆપ ડિલીટ થાય છે.
(૩) ક્લાઉડમાં: ફોટો-વીડિયો મેટા એપમાંથી આઇફોનમાં એપલ ફોટોઝ એપમાં, એન્ડ્રોઇડમાં ગેલેરી કે ગૂગલ ફોટોઝમાં અલગ ‘મેટા’ ફોલ્ડર નામથી સ્ટોર થાય છે. અહીંથી આપણા સેટિંગ મુજબ આ બધું આપણા એપલ કે ગૂગલ એકાઉન્ટમાં ક્લાઉડમાં આપોઆપ સ્ટોર થઈ શકે છે.
જો સ્માર્ટ ગ્લાસિસ ધારકે મેટા એઆઇ મોબાઇલ એપમાં ક્લાઉડ મીડિયા ઓપ્શન ઇનેબલ કર્યો હોય તો તે આપોઆપ મેટાના સર્વરમાં બેકઅપ થઈને ત્યાં સ્ટોર થઈ શકે છે.અલબત્ત અહીં તે ૩૦ દિવસ સુધી સચવાય છે.
મુદ્દો એ છે કે સ્માર્ટ ફોન કે અન્ય કેમેરાની જેમ જ મેટા સ્માર્ટ ગ્લાસિસથી કેપ્ચર થયેલા ફોટો કે વીડિયો ગણતરીની પળોમાં ક્લાઉડમાં પહોંચી શકે છે.

ઇન્ટરન્ટ શેરિંગ
સ્માર્ટ ગ્લાસિસની ખૂબી ગણો તો ખૂબી અને જોખમ ગણો તો જોખમ એ છે કે તેમાં ફોટો-વીડિયોનું ઇન્સ્ટન્ટ શેરિંગ થઈ શકે છે - એ કેપ્ચર થાય એ જ ક્ષણે. સ્માર્ટફોનથી થતી ફોટોગ્રાફીથી આ બિલકુલ અલગ નથી.
(૧) વીડિયો કોલમાં રિઅલ ટાઇમ શેરિંગ: સ્માર્ટ ગ્લાસ પહેરનારી વ્યક્તિ પોતાના સ્માર્ટ ગ્લાસમાં વીડિયો કેપ્ચર કરવાનું શરૂ કર્યા પછી સ્માર્ટ ગ્લાસની મદદથી તેને જે કંઈ દેખાઈ રહ્યું હોય તેની રિઅલ ટાઇમ ‘પોઇન્ટ ઓફ વ્યૂ (પીઓવી) કેમેરા ફીડ વોટ્સએપ, મેસેન્જર કે ઇન્સ્ટાગ્રામ વીડિયો કોલ પર શેર કરી શકે છે. તમે કદાચ ઇન્સ્ટા પર આવા વીડિયો જોવા લાગ્યા હશો, તેમાં લાઇવ સ્ટેટસ સાથે ગ્લાસિસનો ટચૂકડો આઇકન પણ જોવા મળે છે.
(૨) ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટોરી સ્વરૂપે શેરિંગ: સ્માર્ટ ગ્લાસ પહેરનારી વ્યક્તિ ફોટો-વીડિયો કેપ્ચર કર્યા પછી ‘‘હેય મેટા, શેર માય લાસ્ટ વીડિયો ટુ માય ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ’’ એવો કમાન્ડ આપીને પોતાનો ફોન હાથમાં લીધા ડાયરેક્ટ સ્માર્ટ ગ્લાસમાંથી ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ પોસ્ટ કરી શકે છે. શરત માત્ર એટલી કે તમારાં એકાઉન્ટ મેટા એઆઇ એપ સાથે કનેક્ટેડ હોવાં જોઇએ.
(૩) વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ શેરિંગ: સ્માર્ટ ગ્લાસ પહેરનારી વ્યક્તિ ‘‘સેન્ડ એ પિક્ચર ટુ (કોન્ટેક્ટ નેમ)’’ જેવો કમાન્ડ આપીને વોટ્સએપ કે મેસેન્જર પર ઇમેજ કે વીડિયો મેસેજ તરીકે મોકલી શકે છે.
(૪) ફોનમાંથી રાબેતા મુજબ ગમે ત્યાં શેરિંગ: સ્માર્ટ ગ્લાસથી કેપ્ચર કરેલ ફોટો કે વીડિયો ફોનમાં પહોંચે તે પછી, રાબેતા મુજબ તેને ક્યાંય પણ શેર કરી શકાય છે.