Get The App

Google I/O 2025: શોપિંગ, વીડિયો કોલથી લઈને ફિલ્મ મેકિંગ માટે ગૂગલે લોન્ચ કર્યું AI

Updated: May 21st, 2025

GS TEAM

Google News
Google News
Google I/O 2025: શોપિંગ, વીડિયો કોલથી લઈને ફિલ્મ મેકિંગ માટે ગૂગલે લોન્ચ કર્યું AI 1 - image


What Google Launch in I/O 2025 Event: ગૂગલ દ્વારા હવે સંપૂર્ણ પણે AI પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. તેમની Google I/O 2025 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ પરથી એ વાતની પુષ્ઠી મળી શકે છે કે ગૂગલ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ ભવિષ્ય છે. ગૂગલ દ્વારા જેમિની, વીઓ, ફ્લો, બીમ, એસ્ટ્રા અને ઇમેજેન જેવા ઘણાં ટૂલ લોન્ચ કરવામાં આવ્યા છે જેનું કેન્દ્ર AI છે. ગૂગલ હવે તેના યુઝર્સ માટે દરેક વસ્તુ સરળ બનાવવા માગે છે અને એથી જ તેમણે દરેકમાં AIનો ઉપયોગ કર્યો છે.

ગૂગલ સર્ચમાં અત્યાર સુધીનું સૌથી મહત્ત્વની AI અપડેટ

ચેટજીપીટી જેવા ઘણાં AI મોડલ હોવાથી હવે સર્ચ કરવા માટે ગૂગલ ફક્ત એક જ વિકલ્પ નથી રહ્યું. આથી ગૂગલે પણ માર્કેટમાં હરિફાઈ સામે ટકી રહેવા માટે જવાબ આપવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી ગૂગલે એક્સપેરિમેન્ટ્સના ભાગ રૂપે અમેરિકામાં AI મોડ લોન્ચ કર્યું હતું. જોકે હવે એને સત્તાવાર રીતે ગૂગલ સર્ચમાં આપવામાં આવી રહ્યું છે. ગૂગલે નવી AI ટેબ આપી છે. આ ટેબમાં ગૂગલ દ્વારા ઘણાં ટૂલ પણ આપવામાં આવ્યા છે જેથી યુઝર્સને ચેટજીપીટી જેવા ટૂલ્સની જરૂર નહીં પડે. ડીપ સર્ચ મોડ દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરી શકાય છે. જોકે પ્રોજેક્ટ મરિનર દ્વારા યુઝર કોઈ ઇવેન્ટની ટિકીટ ખરીદવા માગતુ હોય તો એ પણ મેળવી શકશે. ગૂગલ દ્વારા દુનિયાભરમાં AI ઓવરવ્યુ પણ આપવામાં આવ્યું હતું. આ ઓવરવ્યુ તમામ માહિતીને ભેગી કરીને યુઝરને દરેક માહિતી એક જ જગ્યાએ આપે છે જેથી યુઝરે નવી ટેબ ઓપન નહીં કરવી પડે. આ ઓવરવ્યુને પણ હવે ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

Google I/O 2025: શોપિંગ, વીડિયો કોલથી લઈને ફિલ્મ મેકિંગ માટે ગૂગલે લોન્ચ કર્યું AI 2 - image

શોપિંગ કરવી બનશે વધુ મસ્તીભરી

ઓનલાઇન શોપિંગ કરવી જેટલી સરળ છે એટલું જ મુશ્કેલ પણ છે. ઓનલાઇન દુનિયાભરની બ્રેન્ડ અને રિટેઇલર્સ અને સેલર્સ હોય છે આથી ક્યાંથી અને કઈ કંપનીની ખરીદી કરવી એ પણ મુશ્કેલી ભર્યું છે. આથી ગૂગલ હવે AIની મદદથી આ પ્રોસેસને ખૂબ જ સરળ બનાવવા જઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે યુઝર્સે શર્ટ ખરીદવા હોય તો એ કમાન્ડ આપશે. આથી ગૂગલ તેને કેવા પ્રકારના શર્ટ જોઈએ એ દેખાડશે અને એમાંથી એક પસંદ કરતાં તેને ઢગલાબંધ શર્ટ એ રીતના જોવા મળશે.

ગૂગલ દ્વારા એમાં વધુ એક ટૂલ ઉમેરવામાં આવી રહ્યું છે. ગૂગલ તેના શોપિંગ ગ્રાફ અને જેમિની AIનો ઉપયોગ કરીને એક ટૂલ બનાવ્યું છે. આ માટે યુઝર દ્વારા પોતાનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે. આ ટૂલની મદદથી યુઝર જે પ્રોડક્ટ ખરીદવા માગે છે એ પોતાના પર કેવી દેખાશે એ પણ ચેક કરી શકશે.

આ ટૂલ હજી એક્સપેરિમેન્ટ્લ સ્ટેજમાં છે આથી યુઝર્સ દ્વારા એ એક્સપેરિમેન્ટ્સનો ભાગ બનવા માટે સર્ચ લેબ પ્રોગ્રામમાં જોડાવું પડશે. ગૂગલ દ્વારા ચેકઆઉટ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. એની મદદથી ગૂગલ યુઝરની જગ્યાએ પોતે શોપિંગ કરી લેશે. આ માટે ગૂગલ પેનો ઉપયોગ કરશે. યુઝર દ્વારા જે-તે પ્રોડક્ટની કિંમત નક્કી કરી લેવી અને એ કિંમતે જ્યારે ઉપલબ્ધ થશે ત્યારે ગૂગલ ઓટોમેટિક ખરીદી લેશે અને ગૂગલ પેમાં ડિલીવરી ડિટેઇલ્સ પણ હશે એ એડ્રેસ પર મોકલી દેશે. આથી યુઝરે ફક્ત કિંમત નક્કી કરી પ્રોડક્ટને સિલેક્ટ કરી દેવી.

Google I/O 2025: શોપિંગ, વીડિયો કોલથી લઈને ફિલ્મ મેકિંગ માટે ગૂગલે લોન્ચ કર્યું AI 3 - image

બીમ દ્વારા વીડિયો કોલમાં જોરદાર બદલાવ

લોકોની રોજિંદા જીવનમાં હવે વીડિયો કોલ પણ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. ઓફિસના કામ માટે હોય કે પર્સનલ કામ માટે વીડિયો કોલ ઘણાં લોકો માટે ખૂબ જ જરૂરી છે. આ માટે ગૂગલ દ્વારા બીમ લોન્ચ કરવામાં આવ્યું છે. આ દ્વારા યુઝર 3Dમાં વીડિયો કોલ કરી શકશે. એટલે કે યુઝર વીડિયો કોલ દરમ્યાન બંને વ્યક્તિ એક જ રૂમમાં બેસીને વાત કરતાં હશે એવો અહેસાસ થશે. એક રિતે જોવા જઈએ તો વર્ચ્યુઅલ રિયાલિટી જેવો અનુભવ મળશે, પરંતુ આ માટે કોઈ ગ્લાસ કે હેડસેટની જરૂર નહીં પડે. બીમ આ માટે કેમેરા, માઇક અને AIનો ઉપયોગ કરશે. ગૂગલ દ્વારા અગાઉ પ્રોજેક્ટ સ્ટારલાઇન દ્વારા આ વિશે યુઝર્સને માહિતી આપવામાં આવી હતી, પરંતુ હવે એનો ઉપયોગ બહુ જલદી યુઝર્સ કરી શકશે.

ગૂગલે લોન્ચ કર્યું AI વીડિયો ટૂલ વીઓ

એક-બે વર્ષ પહેલાં કોઈને પણ ખબર નહોતી કે આ પ્રકારની કોઈ ટૂલ આવી પણ શકશે. જોકે આજે ઘણાં વીડિયો ટૂલ ઉપલબ્ધ છે. ગૂગલ દ્વારા તેના નવા વીઓ 3 મોડલ દ્વારા આ ટૂલને એક નવી ઊંચાઈએ લઈ જવામાં આવ્યું છે. સોરા અને પિકા ટૂલની જેમ વીઓ પણ હવે શોર્ટ ક્લિપ વીડિયો બનાવી શકશે. ત્યાર બાદ આ વીડિયો ક્લીપને મિક્સ કરી એક લાંબો વીડિયો પણ બનાવી શકશે. અન્ય ટૂલ કરતાં વીઓમાં એક ખાસ વાત છે કે વીડિયોની સાથે એ ઓડિયો પણ ક્રિએટ કરશે. આ ઓડિયો સાઉન્ડ ઇફેક્ટ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પૂરતું નથી હવે યુઝરના કમાન્ડ અનુસાર ડાયલોગ પણ જનરેટ કરવામાં આવશે.

જેમિની લાઇવ થયું ફ્રી

ગૂગલ દ્વારા તેનું જેમિની લાઇવ વોઇસ આસિસ્ટન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ અને એપલ બંને માટે આ વર્ઝન ફ્રીમાં છે. પહેલાં આ માટે પૈસા ચૂકવવા પડતાં હતાં, પરંતુ હવે ગૂગલ દ્વારા એને ફ્રી કરી દેવામાં આવ્યું છે. આ ટૂલ દ્વારા યુઝર તેમની સાથે સામાન્ય ભાષામાં વાત કરી શકશે. તેમ જ પોતાના કેમેરા દ્વારા જેમિની AIને જગ્યા દેખાડી એ વિશેની તમામ માહિતી પણ મેળવી શકશે. જેમિની લાઇવની મદદથી એક એન્ડ્રોઇડ યુઝર પોતાની સ્ક્રીનને અન્ય એન્ડ્રોઇડ યુઝર સાથે શેર કરી શકતો હતો, પરંતુ હવે આઇફોન યુઝર સાથે પણ એ શેર કરી શકાશે.

AI ફિલ્મમેકિંગ ટૂલ ફ્લો

ગૂગલ દ્વારા ફિલ્મ ડિરેક્ટર્સ માટે એક ટૂલ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે આ ટૂલનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકશે, પરંતુ એ ફિલ્મમેકિંગ માટે છે. આ ટૂલનું નામ ફ્લો છે અને એની મદદથી કોઈ પણ વ્યક્તિ શબ્દોની મદદથી કોઈ પણ દૃશ્ય, કોઈ પણ પાત્ર અને કોઈ પણ વસ્તુને બનાવી શકશે. કોઈ વ્યક્તિએ ભારતની આઝાદી પહેલાંનો માહોલ કેવો હતો એ માટે વીડિયો બનાવવો હોય તો એ માટે ચોક્કસ કમાન્ડ ટાઇપ કરીને વીડિયો બનાવી શકાશે. આ માટે ફ્લો વીઓ 3 મોડલનો ઉપયોગ કરશે. આ વીડિયો એટલો રિયલ હશે કે એ સાચો છે કે ખોટો એ કહેવું મુશ્કેલ બની જશે. આ ટૂલ ગૂગલ AI પ્રો અને ગૂગલ AI અલ્ટ્રા પ્લાનનો ઉપયોગ કરનાર વ્યક્તિ કરી શકશે. આ ટૂલ હાલમાં અમેરિકામાં ઉપલબ્ધ છે, પરંતુ જલદી એને અન્ય દેશમાં પણ લોન્ચ કરવામાં આવશે.

જેમિની બન્યુ વધુ આર્ટિસ્ટિક

AI ઇમેજ જનરેશન માટે જેમિની પણ એક ખૂબ જ સારો વિકલ્પ છે. ચેટજીપીટી જેવું પણ ઇમેજ જેમિની જનરેટ કરી શકે છે, પરંતુ એ કેવી રીતે કમાન્ડ આપવામાં આવે છે એના પર તમામ વસ્તુ નિર્ભર છે. જોકે હવે આ મોડલને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. ઇમેજેન 4માં રીઝોલ્યુશન 2K સુધીનું મળી શકે છે. એનાથી હવે યુઝર ફોટોને ઝૂમ કરીને એને ક્રોપ પણ કરી શકશે. ગૂગલ દ્વારા હવે દરેક ડિટેઇલ્સમાં ખૂબ જ કામ કરવામાં આવ્યું છે. આથી ઇમેજેન 4 દ્વારા બનાવવામાં આવેલા ફોટો ક્વોલિટીની દૃષ્ટ્રીએ ખૂબ જ અદ્ભુત અને રિયલ હશે. આ સાથે જ ઇમેજેન 4માં સ્પેલિંગ અને ટાઇપિંગ મિસ્ટેક હશે એને પણ જેમિની દ્વારા ઓટોમેટિક સુધારી લેવામાં આવશે જેથી યુઝરને ચોક્કસ ઇમેજ મળે.

AIનો ખૂબ જ ઉપયોગ કરનારા માટે જેમિની AI અલ્ટ્રા થયું લોન્ચ

ગૂગલ દ્વારા જેમિની AI અલ્ટ્રા પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ માટે યુઝરે એક મહિનાના 250 અમેરિકન ડોલર ચૂકવવા પડશે. આ પ્લાન સામાન્ય યુઝર્સ માટે નથી. જોકે ફિલ્મમેકર, ડેવલપર્સ અને અન્ય ક્રિએટિવ વ્યક્તિઓ માટે જેઓ બિઝનેસ માટે AIનો ઉપયોગ કરતાં હોય. આ પ્લાનમાં તમામ પ્રીમિયમ ફીચર્સની સાથે અનલિમિટેડ એક્સેસ પણ આપવામાં આવે છે. જોકે ગૂગલ દ્વારા પહેલાં ત્રણ મહિના માટે 50 ટકા ડિસકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અગાઉ જે પ્રીમિયમ પ્લાન હતો એને ગૂગલ દ્વારા AI પ્રો નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 30 મિશનનું પ્લાનિંગ, ફક્ત 7 મિશન લોન્ચ: ભારતની સ્પેસ પ્લાનિંગ ધીમી કેમ ચાલી રહી છે?

સ્માર્ટ ગ્લાસનું ભવિષ્ય

ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ XRને લઈને લોન્ચ કરવામાં આવશે એની ઘણાં સમયથી ચર્ચા હતી. જોકે એ આખરે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ગ્લાસ પણ જેમિનીની મદદથી કામ કરે છે. આ ચશ્માની મદદથી યુઝર્સે કોઈ ફરવાની જગ્યા અથવા તો મૂવી થિયેટર અથવા તો કોઈ રેસ્ટોરામાં જવું હોય તો આ ગ્લાસ યુઝરને મદદ કરશે. આ સાથે જ લાઇવ ટ્રાન્સલેશન પણ કરશે અને યુઝર જે સવાલ જોશે એનો જવાબ પણ શોધીને આપશે. ગૂગલનું એન્ડ્રોઇડ XR બહુ જલદી સેમસંગ, એક્સરીયલ, વોરબાય પાર્કર અને જેન્ટલ મોનસ્ટરમાં જોવા મળશે, પરંતુ એને ક્યારે લોન્ચ કરવામાં આવશે એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી.

આ પણ વાંચો: નવા યુઝર્સ લઈ આવનારને 16 લાખ રૂપિયા ચૂકવશે ઇન્સ્ટાગ્રામ, આ છે શરતો…

પ્રોજેક્ટ એસ્ટ્રા, ક્રોમ અને જેમિની કેનવાસને કરાયું અપગ્રેડ

પ્રોજેક્ટ એસ્ટ્રા એક મોબાઇલ AI આસિસ્ટન્ટ છે. એમાં ખૂબ જ જોરદાર અપગ્રેડ આપવામાં આવી છે. એસ્ટ્રા વિઝ્યુઅલ જોઈને યુઝરને દરેક પ્રકારની મદદ કરી શકે છે. તેમને કહેવામાં આવતી ખોટી માહિતીથી લઈને, ખોટા રસ્તાથી લઈને બાઇક રિપેર કરવા જેવી તમામ માટે મદદ કરી શકે છે. અમેરિકામાં ગૂગલ AI પ્રો અને AI અલ્ટ્રા સબસ્ક્રાઇબર્સ માટે ક્રોમમાં જેમિનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દ્વારા યુઝર્સ કોઈ પણ પેજ પરની માહિતીને ટૂંકમાં જણાવવા માટે જેમિનીને કમાન્ડ આપી શકશે. આ સાથે જ જેમિની એક સાથે ઘણી ટેબ પર ફોકસ કરી શકશે અને યુઝર્સને મદદ પણ કરશે.

જેમિની 2.5 કેનવાસને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. એની મદદથી જેમિની તમામ ડેટા કલેક્ટ કરશે અને ચોક્કસ કમાન્ડના આધારે ઇન્ફોગ્રાફિક્સ તૈયાર કરી શકશે. ગેમ બનાવી શકશે અને ક્વિઝ પણ તૈયાર કરી શકશે. પહેલાં કરતાં આ ટૂલ હવે વધુ અસરકારક રીતે અને ચોક્કસાઇથી કામ કરી શકશે.

Tags :