30 મિશનનું પ્લાનિંગ, ફક્ત 7 મિશન લોન્ચ: ભારતની સ્પેસ પ્લાનિંગ ધીમી કેમ ચાલી રહી છે?
Slow Space Mission: ભારત દ્વારા 2024થી 2025ની માર્ચ સુધીમાં કુલ 30 મિશનનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આ લક્ષ્યમાં ફક્ત 23% સિદ્ધિ પ્રાપ્ત થઈ. ફેબ્રુઆરીમાં આ અંગેનું પ્લાનિંગ જાહેર થયું, જેમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO), ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) અને અન્ય સ્ટાર્ટઅપ્સ દ્વારા લોન્ચ પ્રક્રિયાની વિગતો આપવામાં આવી હતી. જોકે, હાલના સરકારી ડેટા મુજબ, કુલ 30 મિશનમાંથી માત્ર 7 મિશન સફળતાપૂર્વક લોન્ચ થયા છે.
મિશન લોન્ચમાં ISROની ભૂમિકા
આ 7 મિશનમાંથી 5 ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે 1 મિશન NSIL અને 1 મિશન ખાનગી કંપની દ્વારા ટેસ્ટ લોન્ચ થયું. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં વિલંબને લઇ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા ઉઠી રહી છે. જ્યારે ભારત ગ્લોબલ અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી રહ્યું છે, ત્યારે આ ધીમી ગતિ તેના ઇમેજ પર અસર કરી શકે છે. વિશ્વભરમાં SpaceX અને Rocket Lab જેવી કંપનીઓ તેમના ટાર્ગેટ્સ લગભગ પૂરા કરે છે, પરંતુ ભારતમાં એ ગતિ જોવા મળતી નથી.
વધુ રોકેટ લોન્ચ ન થવાને કારણે ઉઠેલા સવાલો
2022ની ઑક્ટોબરથી 2023ની ડિસેમ્બર દરમિયાન ભારતીય કંપનીઓએ કુલ 10 રોકેટ લોન્ચ કર્યા હતા, જ્યારે 2024ની જાન્યુઆરીથી 2025ની માર્ચ સુધી માત્ર 7 રોકેટ લોન્ચ થયા. એટલે કે, અગાઉની તુલનામાં રોકેટ લોન્ચની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ધીમી ગતિ પાછળ ટેક્નિકલ મુદ્દાઓ, વાતાવરણની અનિશ્ચિતતા અને અન્ય પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ફક્ત 23% લક્ષ્ય સિદ્ધ થવાને કારણે ભારતની ગ્લોબલ ઈમેજ પણ અસર પામી રહી છે.
આ પણ વાંચો: સાઇબર-સિક્યોર ભારત બનાવવા તરફ સરકારની નવી પહેલ: શરૂ કરવામાં આવી e-ZERO FIR સિસ્ટમ
ભવિષ્ય માટેની યોજનાઓ
ભારતના અંતરિક્ષ અર્થતંત્રને વૃદ્ધિ આપવા માટે હવે ખાનગી ક્ષેત્રને પણ વધુ ભાગ લેવાનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાઇવેટ ફર્મ્સના સ્પેસ એક્ટિવિટીઝની દેખરેખ રાખવામાં આવશે અને તેમને વધુ રોકેટ લોન્ચ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ISRO અને NSIL દ્વારા ક્યારે અને કેટલા નવા મિશન લોન્ચ થશે, તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.