Gmail ID Change: ઘણાં લોકો એવા હશે જેમણે તેમની યુવાનીમાં એકદમ કૂલ દેખાવા માટે જીમેલ એડ્રેસનું નામ અલગ રાખ્યું હોય છે. જોકે હવે તેમને આ એડ્રેસનો ઉપયોગ કરવામાં થોડી નાનમ લાગે અથવા તો શરમ લાગતી હોય એવું બની શકે છે. જોકે ગૂગલ દ્વારા હાલમાં એક ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે જેના દ્વારા આ સમસ્યાનું સમાધાન આવી જશે. યુઝર્સ હવે તેમના ઇમેલને બદલી શકશે. તેના આઇડીમાં @gmail.com હશે તો પણ હવે એને બદલી શકાશે જે પહેલાં શક્ય નહોતું. આ અપડેટ ગૂગલના સપોર્ટ પેજ પર જોવા મળી છે અને એને ધીમે ધીમે દરેક માટે લોન્ચ કરવામાં આવી રહી છે.
સપોર્ટ પેજ પર આપવામાં આવી માહિતી
આ નવા ફીચર વિશે ગૂગલના સપોર્ટ પેજ પર માહિતી આપવામાં આવી છે. ગૂગલ એકાઉન્ટ ઇમેલ એડ્રેસને હવે યુઝર બહુ જલદી બદલી શકશે. @gmail.com ડોમેન હશે તો પણ યુઝર એ જ ડોમેન રાખીને ઇમેલ એડ્રેસ બદલી શકશે. સરળ ભાષામાં કહેવામાં આવે તો યુઝર તેમના ઇમેલ એડ્રેસને રાખી શકશે અને તેના યુઝરનેમને બદલી શકશે. ઓરિજિનલ ઇમેલ એડ્રેસ પર ઇમેલ આવતાં રહેશે અને લોગ ઇન માટે અથવા તો કામ માટે ઓરિજિનલ ઇમેલ એડ્રેસનો પણ ઉપયોગ કરી શકાશે. એટલે કે યુઝરને તેના એકાઉન્ટનું એક્સેસ હંમેશાં મળી રહેશે.
ઇમેલ બદલવા માટે શું છે નિયમ?
ગૂગલ દ્વારા આ નવા ફીચર માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. યુઝર્સ તેના @gmail.com એડ્રેસને ત્રણ વાર બદલી શકશે એટલે કે ટોટલ ચાર ઇમેલ એડ્રેસ બની શકશે. એમાંથી એક પહેલેથી યુઝર ઉપયોગ કરી રહ્યો છે. એક વાર આ એડ્રેસમાં બદલાવ કર્યા બાદ યુઝર આગામી બાર મહિના સુધી ઇમેલ એડ્રેસમાં કોઈ બદલાવ નહીં કરી શકે. જૂનો ઇમેલ એડ્રેસ યુઝરને ઘણી વાર જોવા મળી શકે છે. બદલાવ કરવા પહેલાં જો કોઈ કેલેન્ડર ઇવેન્ટ બનાવવામાં આવી હોય તો એમાં એ જોવા મળશે. આ સાથે જ એનો ઉપયોગ ઇમેલ સેન્ડ અને રીસીવ કરવા માટે પણ યુઝર કરી શકશે.
માય એકાઉન્ટમાંથી કરવામાં આવશે પ્રોસેસ
આ નવું ફીચર દરેક માટે રિલીઝ થયા બાદ એને માય એકાઉન્ટમાંથી એક્સેસ કરી શકાશે. આ ફીચરની મદદથી યુઝરને પોતાના ઇમેલ એડ્રેસને વધુ પર્સનલાઇઝ કરવાની તક મળશે. એનાથી તેમની ગૂગલની સર્વિસ વધુ સારી બની શકે છે. અત્યાર સુધી આ ફીચરને લાઇવ કરવામાં નથી આવ્યું અને ગૂગલ બહુ જલદી એની જાહેરાત કરશે.


