ગૂગલે લીધો મોટો નિર્ણય, જેમિની AIને હવે સ્માર્ટવોચ, ટીવી અને કારમાં પણ લોન્ચ કરશે
Google Gemini On All Platform: ગૂગલ દ્વારા હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના AIને હવે સ્માર્ટવોચ, સ્માર્ટ ટીવી અને કારમાં પણ સમાવિષ્ટ કરવામાં આવશે. ગૂગલ દ્વારા પોતાના AIને હવે દરેક પ્લેટફોર્મ પર લાગુ કરવાની કોશિશ થઈ રહી છે. છેલ્લા થોડા મહિનાથી ગૂગલ દ્વારા દરેક એન્ડ્રોઇડ ફોનમાં જેમિની AIનો સમાવેશ કરવા માટે કામ ચાલી રહ્યું હતું.
જોકે ગૂગલ દ્વારા હાલમાં જ ‘એન્ડ્રોઇડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ગૂગલે જણાવ્યું હતું કે તેઓ હવે જેમિની AIને સ્માર્ટવોચ, સ્માર્ટ ટીવી, એન્ડ્રોઇડ ઓટો અને એન્ડ્રોઇડ XRમાં પણ સમાવી રહ્યા છે. ગૂગલ તરફથી આ ખૂબ જ મોટો પગલું છે, કેમ કે AI હવે માત્ર સ્માર્ટફોન સુધી મર્યાદિત નહીં રહી, પરંતુ દરેક પ્લેટફોર્મ પર ઉપસ્થિત થશે. ગૂગલ તેની 2025ની ઇવેન્ટની તૈયારી કરી રહ્યું છે, ત્યારે જ આ સમાચાર આવતા, બધાની નજર હવે ઇવેન્ટ પર છે.
વીયર OSમાં જેમિની
ગૂગલ હવે સ્માર્ટવોચમાં જેમિની AIનો સમાવેશ કરી રહ્યું છે, જેનાથી યુઝર્સ સીધા સ્માર્ટવોચ મારફતે જેમિની સાથે સંવાદ કરી શકશે. વધુમાં, એ માટે ફોનની જરૂર પણ નહીં રહે. જેમિની AIનો ઉપયોગ રિમાઇન્ડર સેટ કરવા, પ્રશ્ન-ઉત્તર માટે, ઇમેલમાંથી માહિતી મેળવવા અને અન્ય ઘણા ઉપયોગો માટે કરવામાં આવશે.
એન્ડ્રોઇડ ઓટોમાં જેમિનીનો સમાવેશ
ગૂગલ હવે તેમના એન્ડ્રોઇડ ઓટોમાં પણ જેમિની AIને લાવવામાં આવી રહ્યું છે. આથી યુઝર્સ વોઇસ કમાન્ડ દ્વારા AIનો ઉપયોગ કરી શકશે. તે શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવામાં, સંદેશ સંક્ષેપમાં વાંચવામાં, અને ભાષાંતર માટે ઉપયોગી થશે. વધુમાં, યુઝર્સ લેટેસ્ટ સમાચાર મેળવવા ઉપરાંત જેમિની સાથે સામાન્ય સંવાદ કરી શકશે અને સાથે જ રોડ પર નજર રાખી શકશે.
સ્માર્ટ ટીવી વધુ સ્માર્ટ બનશે
ગૂગલ હવે તેના એન્ડ્રોઇડ ટીવીમાં પણ જેમિની AI લાવી રહ્યું છે. આથી, યુઝર્સ જેમિનીની મદદથી તેમની પસંદગીને અનુરૂપ ફિલ્મ અથવા વેબ સિરીઝ માટે સજેશન મેળવી શકશે. ઉપરાંત, બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ વિષે સલાહ પણ મળી શકશે. યૂટ્યુબ પર બાળકો માટે શીખવા માટેનાં ટોપિક પણ જેમિની દ્વારા સૂચવવામાં આવશે.
આ પણ વાંચો: ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર: ફોટો એડિટ અને શેરિંગ કરવું બન્યું વધુ સરળ
સ્માર્ટ ગ્લાસમાં પણ જેમિની
એન્ડ્રોઇડ XR એટલે કે સ્માર્ટ ગ્લાસમાં પણ હવે ગૂગલ દ્વારા જેમિની AIનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ અને સેમસંગ એકસાથે આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. સ્માર્ટ હેડસેટ અને ગ્લાસ માટે પણ જેમિની લાગુ કરવામાં આવશે, જેનાથી પ્રશ્ન-ઉત્તર અને ઉપયોગી ટિપ્સ મેળવવી સરળ બનશે. એપલના વિઝન પ્રો હેડસેટ અને રે-બન મેટા ગ્લાસીસ બાદ, હવે ગૂગલ પણ તેના સ્માર્ટ ગ્લાસમાં જેમિની AIનો સમાવેશ કરી રહ્યું છે.