world first flying car: જમીન પર દોડતી કાર તો આપણે સૌ જોઈ હશે, પણ શું તમે હવામાં ઉડતી કાર જોઈ છે? તમે વિચારતા હશો કે આ કેવી મજાક છે? પણ આ મજાક નથી પણ સત્ય છે. હા, આજે અમે તમને એક એવી કાર વિશે વાત કરવાના છીએ,જે વિમાનની જેમ આકાશમાં ઉડી શકે છે. આમ તો ઘણી કંપનીઓ ફ્લાઈંગ કાર એટલે કે ઉડતી કાર પર કામ કરી રહી છે. પરંતુ એક અમેરિકન કંપની એલેફે (Alef) ઉડતી કાર બનાવી છે અને હવે આ કારનું ટેસ્ટિંગ બાકી રહ્યું છે. જોકે, ટેસ્ટિંગ પહેલાં કંપનીને હજારો પ્રી-ઓર્ડર મળ્યા છે. જો બધું બરાબર રહ્યું તો ટૂંક સમયમાં તમે ભવિષ્યમાં ઉડતી કાર જોઈ શકશો અને પરિવહનને સંપૂર્ણપણે બદલી નાખશે. ચાલો જાણીએ ઉડતી કારની વિશેષતા અને કંપનીની યોજના.
કંપનીની યોજના
એલેફ કંપની છેલ્લા એક દાયકાથી ઉડતી કાર બનાવવાના મિશન પર કામ કરી રહી છે. હવે કંપનીએ તેના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક નક્કર પગલું ભર્યું છે. કંપનીનું પહેલું લક્ષ્ય મોડેલ ઝીરો અલ્ટ્રાલાઇટ (Model Zero Ultralight) લોન્ચ કરવાનું છે. એ પછી ધીમે ધીમે અન્ય મોડેલો રજૂ કરવામાં આવશે અને પછી મોડેલ A ને બજારમાં ઉતારશે. કારના ટેસ્ટિંગ માટે કંપનીએ સિલિકોન વેલીના બે મુખ્ય એરપોર્ટ, હોલિસ્ટર અને હાફ મૂન બે સાથે કરાર કર્યો છે. અહીં તેનું વાસ્તવિક ફ્લાઇટ્સ વચ્ચે ટેસ્ટિંગ કરવામાં આવશે જેથી તેની સલામતી અને ક્ષમતાનું ટેસ્ટિંગ કરી શકાય.
ટેસ્ટિંગ શરૂ કરવા માટે તૈયાર
એલેફે આ વર્ષની શરૂઆતમાં એક પ્રમોશનલ વિડિઓ પણ જાહેર કર્યો હતો. જેમાં અલ્ટ્રાલાઇટ મોડેલની ઝલક બતાવવામાં આવી હતી. કંપની હવે આ બે એરપોર્ટ પર ટેસ્ટિંગ માટે તેના અલ્ટ્રાલાઇટ મોડેલને તૈયાર કરી રહી છે. આ ટેસ્ટિંગમાં તપાસ કરવામાં આવશે કે કાર હવામાં અન્ય વિમાનો સાથે કેટલી સલામત અને અસરકારક રીતે તાલમેળ બેસે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ બંને એરપોર્ટ ભવિષ્યમાં ઉડતી કાર માટે આધાર તરીકે પણ સેવા આપી શકે છે.
આ કાર કેવી રીતે કાર્ય કરશે?
એલેફની વેબસાઇટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપની છેલ્લા 10 વર્ષથી આ ફ્લાઈંગ કાર પર કામ કરી રહી છે. કંપનીનો હેતુ તેના એલેફ મોડેલ A ઉત્પાદનને પહેલા માર્કેટમાં લાવવાનો છે. આ વાહનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં હવામાં ઉડવાની સાથે સાથે રસ્તા પર દોડવાની ક્ષમતા પણ ધરાવે છે. કંપની કહે છે કે આ વાહન અલ્ટ્રાલાઇટ શ્રેણીમાં આવે છે, જેનો અર્થ છે કે, તેને ઉડવા માટે કોઈ કાયદાકીય સર્ટિફિકેટની જરૂર નથી. જોકે, આ માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જેમ કે તેને માત્ર દિવસ દરમિયાન જ ઉડાડી શકાય છે અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: મોબાઈલને લઈને ચાલતી આવી અફવાઓ પર ભરોસો ના કરતા, નહીંતર થશે નુકસાન
કિંમત અને ફિચર્સ
આ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક હશે અને તેમાં આધુનિક બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેની ડ્રાઇવિંગ રેન્જ 320 કિમી (200 માઇલ) અને ફ્લાઇંગ રેન્જ 177 કિમી (110 માઇલ) હશે. 2022 માં તેનો પ્રોટોટાઇપ જાહેર થયો ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય રહ્યો છે. તેમજ આ વાહન ટેસ્લા અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રિક વાહન કરતાં ઓછી એનર્જીનો ઉપયોગ કરે છે.
એલેફને અત્યાર સુધીમાં 3,300 થી વધુ પ્રી-ઓર્ડર મળ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, લોકો આ કાર વિશે કેટલા ઉત્સાહિત છે. તેની અંદાજિત કિંમત લગભગ 3 લાખ ડોલર એટલે કે લગભગ 2.5 કરોડ રૂપિયા હશે. ગ્રાહકો કંપનીની વેબસાઇટ પર માત્ર 150 ડોલર (લગભગ 12,500 રૂપિયા) ના ટોકન ચૂકવીને તેનો પ્રી-ઓર્ડર કરી શકે છે. તો, કેટલાક ગ્રાહકો 1,500 ડોલર (લગભગ 1.25 લાખ રૂપિયા) ચૂકવીને પ્રાયોરિટી કતારમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકે છે.


