એપલની સિક્યોરિટી ખામીને સુધારી વોટ્સએપે: ક્લિક ન કર્યું હોવા છતાં હેક થઈ રહ્યા હતા એકાઉન્ટ
WhatsApp Fixes Security Flaw in Apple: વોટ્સએપ દ્વારા આઇફોન અને મેકબુક માટેની સિક્યોરિટી ખામીને દૂર કરવામાં આવી છે. આ ખામીને CVE-2025-55177 અને CVE-2025-43300 તરીકે ઓળખવામાં આવતી હતી. આ ખામીને કારણે એપલ યુઝરે કોઈ પણ ફોટો અથવા તો વીડિયો અને લિંક પર ક્લિક ન કર્યું હોય એમ છતાં એ હેક થઈ જતું હતું. આથી એપલ યુઝર્સ માટે આ ખૂબ જ મોટું સિક્યોરિટી રિસ્ક હતું જેને ઉકેલ વોટ્સએપ દ્વારા લાવી દેવામાં આવ્યો છે.
પ્રાઇવેટ મેસેજ પણ જોઈ શકતા હતા હેકર્સ
એપલ યુઝરને ટાર્ગેટ કરવાનું કેમ્પેઇન છેલ્લા ચાર મહિનાથી ચાલી રહ્યું હતું. એમનેસ્ટી ઇન્ટરનેશનલ સિક્યોરિટી લેબ દ્વારા આ કેમ્પેઇનને ખૂબ જ સોફિસ્ટિકેટેડ કહેવામાં આવ્યું હતું. આ બે ખામીને કારણે હેકર્સ કોઈ પણ યુઝર્સના સેન્સિટિવ ડેટાને એક્સેસ કરી શકતા હતા જેમાં વોટ્સએપના મેસેજનો પણ સમાવેશ થાય છે. થોડા અઠવાડિયા પહેલાં જ વોટ્સએપની પેરેન્ટ કંપનીને તેમના પ્લેટફોર્મમાં આ ખામી જોવા મળી હતી. તેમણે હેકર્સ દ્વારા અસર થયેલા 200 જેટલાં યુઝર્સને એ વિશે જાણ પણ કરી હતી. જોકે મેટા દ્વારા હજી કહેવામાં નથી આવ્યું કે આ અટેક પાછળ કોણ જવાબદાર છે.
અગાઉ પણ ઘણી વાર થયું છે ટાર્ગેટ
વોટ્સએપને પહેલી વાર ટાર્ગેટ કરવામાં નથી આવ્યું. આ પહેલાં પણ 2019માં સ્પાઇવેર બનાવતા NSO ગ્રૂપ દ્વારા પેગાસસ સ્પાઇવેરને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. અમેરિકાની કોર્ટ દ્વારા NSOને 167 મિલિયન અમેરિકન ડૉલર ચૂકવવાનો ઑર્ડર આપ્યો હતો. આ વર્ષની શરુઆતમાં પણ પેરાગોન સ્પાઇવેર કેમ્પેઇન ચાલતું હતું જે ઇટલીના જર્નાલિસ્ટને ટાર્ગેટ કરતા હતા.
આ પણ વાંચો: ચેટજીપીટી બાદ ચેતી ગયું મેટા: બાળકો સાથે હવે સંવેદનશીલ વાતચીત નહીં કરે AI
ઝીરો-ક્લિક પણ ખૂબ જ રિસ્કી
વોટ્સએપ દ્વારા જે ઝીરો-ક્લિક કર્યા વગર પણ યુઝર્સના વોટ્સએપને હેક કરવામાં આવતાં હતાં એને ખૂબ જ રિસ્કી કહેવામાં આવ્યું છે. એપલની ડિવાઇસ ખૂબ જ પ્રોટેક્ટેડ હોય તો પણ એને હેક કરી શકાતા હતા. એમનેસ્ટી ઇન્ટરનેશનલ સિક્યોરિટી લેબના હેડ ડોન્ચા ઓ સિયરભેલ દ્વારા આ અટેકને ખૂબ જ એડવાન્સ સ્પાઇવેર કેમ્પેઇન તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ખામીને કારણે ઘણાં યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. જોકે હવે એ ખામીને સુધારી દેવામાં આવી છે.