Science & Technology

ટેક જાયન્ટ્સના કારણે પર્યાવરણ સંકટ: માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલનું કાર્બન ઉત્સર્જન એક દેશ બરાબર, AI ડેટા સેન્ટર્સ જવાબદાર

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ જેવી ટોચની ટેક કંપનીઓના કાર્બન ઉત્સર્જનમાં 1 વર્ષમાં 20% વધારો થયો છે. તેમના ડેટા સેન્ટર્સના વિસ્તરણ અને AI પ્રોડક્ટ્સને કારણે આ ત્રણેય કંપનીઓનું કુલ ઉત્સર્જન હવે એક નાના દેશના બરાબર થયું છે. નિષ્ણાતો આ કંપનીઓના "ઈકો-ફ્રેન્ડલી" દાવાઓને માત્ર માર્કેટિંગ ગણાવે છે, કારણ કે AI બૂમ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક જાયન્ટ્સના કારણે પર્યાવરણ સંકટ: માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલનું કાર્બન ઉત્સર્જન એક દેશ બરાબર, AI ડેટા સેન્ટર્સ જવાબદાર
AI Image

AI boom, climate doom?: આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ સર્વિસિસનો વ્યાપ જેટલી ઝડપથી વધી રહ્યો છે, એટલી જ ઝડપથી પર્યાવરણ માટે મોટો ખતરો પણ ઊભો થઈ રહ્યો છે. વિશ્વની ત્રણ અગ્રણી ટેક કંપનીઓ માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલના સામૂહિક કાર્બન ઉત્સર્જનમાં છેલ્લા માત્ર 1 વર્ષમાં આશરે 20%નો ધરખમ વધારો નોંધાયો છે. આ આંકડો એટલો મોટો છે કે આ ત્રણ કંપનીઓનું કુલ કાર્બન ઉત્સર્જન હવે ફ્રાન્સ જેવા દેશના કુલ રાષ્ટ્રીય કાર્બન ઉત્સર્જનના ત્રીજા ભાગ બરાબર થઈ ગયું છે.

નવા ડેટા સેન્ટર્સના નિર્માણથી કાર્બન ઉત્સર્જનમાં વિસ્ફોટક ઉછાળો

નાણાકીય વર્ષ 2026ના સત્તાવાર અહેવાલો અનુસાર, આ ત્રણેય ગ્લોબલ કંપનીઓએ સંયુક્ત રીતે 119 મિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ (mTCO2e) ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કર્યું છે. જે ગયા વર્ષના 101 મિલિયન મેટ્રિક ટન કરતાં ઘણું વધારે છે. ગયા વર્ષનું આ ત્રણેય કંપનીઓનું ઉત્સર્જન વર્ષ 2024માં ચેકિયા દેશના કુલ કાર્બન ઉત્સર્જન જેટલું હતું, જે હવે વધીને ફ્રાન્સ જેવા મોટા દેશના કુલ ઉત્સર્જનના ત્રીજા ભાગ સુધી પહોંચી ગયું છે. ડેટા સ્ટોરેજ, સર્વર ઓપરેશન્સ અને ખાસ કરીને AI પ્રોડક્ટ્સ તેમજ ચેટબોટ્સની વધતી માંગને પહોંચી વળવા માટે જે નવા વિશાળ ડેટા સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે, તે આ પ્રદૂષણ માટે મુખ્યત્વે જવાબદાર છે.

કંપનીઓની ‘ઇકો-ફ્રેન્ડલી’ દાવો કરવાની માર્કેટિંગ સ્ટ્રેટેજી પર તીખા પ્રહારો

યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)ના ઇકોનોમિક્સ પ્રોફેસર સેસિલિયા રિકાપે માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલના પર્યાવરણલક્ષી દાવાઓની આકરી આલોચના કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ કંપનીઓ પોતાના ક્લાઉડ પ્લેટફોર્મ્સને ‘ઇકો-ફ્રેન્ડલી’ ગણાવીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. વાસ્તવમાં તેઓ પોતાના કાર્બન ફૂટપ્રિન્ટનો ઉપયોગ માત્ર એક માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે કરી રહ્યા છે. એક તરફ તેઓ પર્યાવરણીય સંકટના ઉકેલ તરીકે AI ટેકનોલોજીને પ્રોજેક્ટ કરે છે, અને બીજી તરફ આ જ ટેકનોલોજીના કારણે પૃથ્વી પર પ્રદૂષણનો બોજ અતિશય વધારી રહ્યા છે.

કંપની વાઈઝ કાર્બન ઉત્સર્જનનો ચિતાર:

કંપનીઓએ જાહેર કરેલા વાર્ષિક સસ્ટેનેબિલિટી રિપોર્ટ મુજબ ઉત્સર્જનના આંકડા નીચે મુજબ છે:

  • માઈક્રોસોફ્ટ: કંપનીના ડેટા સેન્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણને કારણે કાર્બન ઉત્સર્જનમાં સૌથી વધુ 25%નો જમ્પ આવ્યો છે, જે વધીને 20 મિલિયન mTCO2e એ પહોંચ્યું છે.
  • ગૂગલ: બિઝનેસના ઝડપી ગ્રોથ અને સપ્લાય ચેઈનની પ્રવૃત્તિઓના કારણે ગૂગલના ઉત્સર્જનમાં 18%નો વધારો નોંધાયો છે.
  • એમેઝોન: એમેઝોનનું કુલ ઉત્સર્જન 16% વધ્યું છે. જોકે, ડેટા સેન્ટર કન્સ્ટ્રક્શન સહિતની સપ્લાય ચેઈન પ્રક્રિયાઓમાં 20%નો મોટો ઉછાળો આવ્યો છે.

AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ $765 બિલિયનનો આંધળો ખર્ચ

વૈશ્વિક સ્તરે AIને વધુ પાવરફુલ બનાવવા માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની આંધળી દોટ શરૂ થઈ છે. ચાલુ વર્ષે વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ સામૂહિક રીતે અંદાજે $765 બિલિયનનો તોતિંગ ખર્ચ કરવાની છે, જેનો મોટો હિસ્સો માત્ર હાઈ-ટેક AI ડેટા સેન્ટર્સ બનાવવામાં વપરાશે. જોકે, આ ભયજનક આંકડાઓ વચ્ચે પણ ત્રણેય કંપનીઓએ દાવો કર્યો છે કે તેઓ પોતાના 'નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન'ના લક્ષ્યને વળગી રહેશે. ગૂગલ અને માઈક્રોસોફ્ટે વર્ષ 2030 સુધીમાં અને એમેઝોને વર્ષ 2040 સુધીમાં સંપૂર્ણપણે કાર્બન મુક્ત થવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં આ લક્ષ્યાંકો હાંસલ કરવા લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.