ફોનમાં બેટરી ઝડપથી ખાલી થાય છે ?

- આપણા ફોનમાં ઘણી બાબતો સતત ચાલુ રાખવી જરૂરી નથી
આપણા સ્માર્ટફોનની મુખ્ય બે જીવાદોરી છે - ઇન્ટરનેટ અને બેટરી. ઇન્ટરનેટ વિના સ્માર્ટફોનનો ઉપયોગ ખાસ્સો મર્યાદિત થઈ જાય અને બેટરી વિના તો ઇન્ટરનેટ હોય તો પણ નકામું! સમય સાથે નવા નવા સ્માર્ટફોનનાં મોડેલમાં વધુને વધુ કેપેસિટીની બેટરી આવતી જાય છે, પરંતુ સામે આપણો અને ફોનમાંની જુદી જુદી બાબતોનો બેટરીનો ઉપયોગ પણ એટલો જ વધતો જાય છે.
પરિણામે આખા દિવસ દરમિયાન આપણે ફોનની બેટરી પર સતત નજર રાખવી પડે છે. જો તમારે પણ સ્માર્ટફોનનો ‘ભારે’ ઉપયોગ રહેતો હોય, બેટરી કાયમ ઓછી પડતી હોય તો ફોનમાંની કેટલીક ‘બેટરી-ખાઉ’ એપ્સ શોધીને તેમના પર લગામ કસવી જોઈએ. ફોનમાં આવી એક એપ છે ગૂગલ એપ. એમાંની કઈ વાતોને તમને ખાસ ઉપયોગી નહીં હોય અને તેને કેમ બંધ કરાય એ જાણી લો!
ગૂગલ સર્ચ ઓપનાં 'બિનઉપયોગી' ફીચર્સ પર લગામ મૂકી જુઓ
તમે જાણતા જ હશો કે આપણા ફોનમાં આપણે જે કોઈ એપ ઓપન કરીએ એ તો બેટરી ખર્ચ કરે જ પરંતુ આપણે જેને ઓપન ન કરી હોય એવી ઘણી એપ્સ પણ બેકગ્રાઉન્ડમાં સતત પોતાનું કામ કરીને બેટરી ખર્ચ કરતી રહે છે.
બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ જરૂરી છે, પણ…
વિવિધ પ્રકારની એપ ફોનમાં, આપણે ઉપયોગ ન કરીએ ત્યારે પણ પોતાનું કામ કરતી રહે એ જરૂરી છે. જેમ કે જીમેઇલ જેવી એપ કે સોશિયલ મીડિયા એપ્સ બેકગ્રાઉન્ડમાં પોતાનું કામ કરીને આપણા પર આવતા નવા ઇમેઇલ તથા મેસેજિસ ફોનમાં હાથવગા રાખે છે.
પરંતુ ઘણી એપ એવી હોય, જેનો આપણે ખાસ ઉપયોગ ન કરતા હોઇએ તો પણ તે બેકગ્રાઉન્ડમાં કામ કરતી રહે અને આપણી બેટરી ખર્ચ કરતી રહે. આવી એપ પર લગામ કસીએ તો આપણે બેટરીનો ઉપયોગ ખાસ્સો ઘટાડી શકીએ અને આખા દિવસ દરમિયાન બેટરી વધુ ચાલી શકે.
‘બેટરી-ખાઉ’ એપ્સ કેમ શોધવી?
આપણે સ્માર્ટફોનમાં કઈ એપ કેટલી બેટરી ખર્ચે એ સહેલાઈથી તપાસી શકીએ. એ માટે…
ફોનના સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘બેટરી સર્ચ’ કરીને બેટરીના પેજ પર જાઓ.
અહીં બેટરીનો ડેઇલી યૂઝેજ તથા બેટરી છેલ્લે ચાર્જ કરી હોય ત્યાર પછીનો ઉપયોગ તપાસી શકાય છે (ફોનના મોડેલ અનુસાર આ સેટિંગ થોડાં જુદાં હોઈ શકે છે).
અહીં ધારો કે ડેઇલી યૂઝેજ તપાસીએ તો આજના દિવસમાં કઈ એપે સૌથી વધુ બેટરીનો ઉપયોગ કર્યો તે અહીં જોવા મળે.
આમાં આપણે ઓપન કરેલી જે કોઈ એપ્સથી કેટલી બેટરી ખર્ચાઈ હોય તે જોવા મળે. તેની સાથોસાથ ઓપન ન કરેલી પરંતુ બેકગ્રાઉન્ડમાં પોતાનું કામ ચાલુ રાખીને બેટરી વાપરતી એપ પણ જોવા મળે.
ગૂગલ સર્ચનો ખાસ ઉપયોગ નથી, છતાં…
તમારા ફોનમાં બેટરીનો વધુ ઉપયોગ કરતી એપ્સની યાદીમાં ગૂગલ એપ ખાસ્સી ઉપર જોવા મળી શકે છે - તમે આ એપનો ખાસ ઉપયોગ ન કરતા હો તો પણ.
સામાન્ય રીતે આપણે ફોનમાં બ્રાઉઝરમાં જ સર્ચ કરી લેતા હોઇએ છીએ. આથી ગૂગલ સર્ચની અલગ એપનો બહુ ઉપયોગ થતો નથી. આમ છતાં આ એપ બેટરીનો ઘણો વધુ ઉપયોગ કેમ કરે છે? આવું થવાનાં બે કારણ છે. એક, ગૂગલની ‘ડિસ્કવર’ નામની સગવડ અને બીજી, ‘હેય ગૂગલ’ કહીને ગૂગલને વોઇસ કમાન્ડ આપીને તેની પાસે કામ કઢાવવાની સગવડ. આ બંને ‘સગવડ’ કેમ બેટરી વધુ ખર્ચે છે, આપણે માટે તે કેમ ખાસ કામની નથી અને તેને કેવી રીતે બંધ કરી શકાય એ સમજીએ.
'ડિસ્કવર' ફીચર શું છે ? કેમ બંધ કરાય ?
તમે તમારા સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર ગૂગલનું સર્ચ બોક્સ મૂક્યું હોય તો તેના પર ક્લિક કરીને કંઈ પણ સર્ચ કરી શકો છો. આ સર્ચ બોક્સમાં ડાબી તરફ ગૂગલના આઇકન પર ક્લિક કરીએ તો ગૂગલ સર્ચ એપ ઓપન થાય અને તેમાં નીચેની તરફ ગૂગલ ડિસ્કવરી ફીચરને કારણે આપણને રસ પડી શકે તેવાં વિવિધ વેબપેજિસની લિંક જોવા મળે.
કેટલાક ફોનમાં હોમ સ્ક્રીન પર જમણી તરફ સ્વાઇપ કરતાં ડાબેથઈ ગૂગલ ડિસ્કવરનું પેજ ઓપન થતું હોય છે.
એવી પૂરી શક્યતા કે તમે ખાસ આ પેજ તપાસતા જ નહીં હો!
પરંતુ અહીં ‘આપણને રસ પડી શકે તેવાં’ વેબપેજિસ બતાવવા માટે ગૂગલ સર્ચ એપ બેકગ્રાઉન્ડમાં સતત કામ કરતી રહીને વિવિધ આર્ટિકલ તથા ઇમેજિસ ઘણે અંશે ડાઉનલોડ કરીને આખા પેજની ફીડ તૈયાર રાખે છે. જેથી આપણે જ્યારે આ ડિસ્કવર પેજ ઓપન કરીએ ત્યારે એ બધું આપણે માટે રેડી હોય.
પરંતુ આ કસરત તો કામ લાગે જો આપણે આ પેજ નિયમિત રીતે જોતા હોઇએ! જો તમે ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હો તો એ બધાં એકાઉન્ટ માટે ગૂગલ એપ અને તેનું ડિસ્કવરી ફીચર બેકગ્રાઉન્ડમાં પણ સતત એક્ટિવ રહે છે. એ આપણો મોબાઇલ ડેટા ખાય છે અને બેટરીનો પણ સતત ઉપયોગ કરે છે.
જો તમે આ પેજ જોતા જ ન હો તો ‘ડિસ્કવરી’ ફીચર સદંતર બંધ કરી દેવાથી બેટરીની ખાસ્સી બચત થઈ શકે.
એ માટે ફોનમાં હોમ સ્ક્રીન પર જમણી તરફ સ્વાઇપ કરીને ગૂગલ એપ તથા ડિસ્કવરી પેજ પર જાઓ.
જો આ રીતે ડિસ્કવરી પેજ ઓપન ન થાય તો ફોનના હોમ સ્ક્રીન પર દેખાતા ગૂગલ સર્ચ બોક્સમાં ડાબી તરફના ગૂગલ આઇકન પર ક્લિક કરીને ગૂગલ એપ તથા ડિસ્કવરી પેજ ઓપન કરો.
જો તમે ફોનમાં હોમ સ્ક્રીન પર ગૂગલ સર્ચ બોક્સનું વિજેટ મૂક્યું ન હોય તો ફોનમાંની એપ્સમાં ‘ગૂગલ’ સર્ચ કરીને ત્યાંથી ગૂગલ એપ તથા ડિસ્કવરી પેજ ઓપન કરો.
ડિસ્કવરી પેજ પર તમે જોશો તેમ નીચેની તરફ સ્ક્રોલ કરતા જાઓ તેમ તેમ લગભગ ખૂટે નહીં એટલાં વિવિધ વેબપેજિસ જોવા મળશે.
ગૂગલ આ ડિસ્કવરી પેજમાં વારંવાર અખતરા કરે છે. ક્યારેક તેમાં લાંબો સમય સ્ક્રોલિંગ કર્યા પછી આપણે જોવાં મળતાં વેબપેજિસનો અંત આવે છે. તો ક્યારેક અહીં એન્ડલેસ ક્રોસિંગ થઈ શકે છે.
મૂળ મુદ્દો એ કે અહીં જુદાં જુદાં વેબપેજિસ આપણને બતાવવા માટે ગૂગલ એપ સતત બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહે છે અને એ માટે આપણી બેટરી ખર્ચ થતી રહે છે.
આ સગવડ બંધ કરવા માટે…
ગૂગલ એપમાં તમે ડિસ્કવરી પેજ પર હો ત્યારે ઉપર જમણી તરફ દેખાતા તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. તેમાં ‘સેટિંગ્સ’માં જાઓ. અહીં ફરી ‘અધર સેટિંગ્સ’માં જાઓ.
તેમાં ‘મોર પ્રેફરન્સિસ‘ સેકશનમાં ‘ડિસ્કવર’ માટેનું ટોગલ બંધ કરી દો.
હવે તમે ફરી ગૂગલ એપમાં ડિસ્કવર પેજ પર જશો તો આ પેજ ખાલીખમ જોવા મળશે અને તેને ઓન કરવા માટેનું બટન જોવા મળશે.
તમારા ફોનમાં જેટલાં ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હો એ બધા માટે ‘ડિસ્કવર’ ફીડની સગવડ બંધ કરી દેશો તો ઘણી બેટરી બચશે.
'હેય ગૂગલ' પણ બંધ કરી શકાય
જો તમને ફોન સાથે બોલીને વાતચીત કરવાની અને તેને વોઇસ કમાન્ડ આપીને કામ કરાવવાની આદત હોય તો આ સગવડ તમારે કામની છે.
આ ફીચર ઓન હોય ત્યારે તમે ‘હેય ગૂગલ’ કહીને તેને એક્ટિવેટ કરી શકો. પછી તમે ટાઇપ કરીને નહીં પરંતુ બોલીને ગૂગલને જુદા જુદા કમાન્ડ આપી શકો! એક વાર આ રીતે ફોન સાથે વાત કરવાની ફાવટ આવી જાય તો આ સગવડ મજાની છે, એ રીતે તમે ખરેખર ‘વાતવાતમાં’ ફોન પાસે ઘણાં કામ કરાવી શકો.
પરંતુ જો તમે તેનો ખાસ ઉપયોગ કરતા ન હો તો એ જાણી લેવા જેવું છે કે આ ફીચર ચોવીસેય કલાક ચાલુ રહીને ફોનનો માઇક્રોફોન ઓન રાખે છે, જેથી આપણે ‘હેય ગૂગલ’ બોલીએ એ સાથે તે એક્ટિવેટ થઈ શકે. આમ કરવામાં ફોનની બેટરી સતત ખર્ચાતી રહે.
જો તમે ‘હેય ગૂગલ’ ફીચરનો ખાસ ઉપયોગ કરતા ન હો તો તેને બંધ રાખી શકો.
એ માટે તમારા ફોનમાં હોમ બટન જરા લાંબો સમય પ્રેસ કરીને ગૂગલ જેમિનાઇ આસિસ્ટન્ટ ઓપન કરો.
તેમાં ડાબી તરફ ગૂગલ આઇકન પર ક્લિક કરો. હવે ઉપર જેની વાત કરી એ જ ગૂગલ એપ ઓપન થશે.
તેમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. અહીં જેમિનાઇમાં જાઓ.
તેમાં નીચેની તરફ ‘સ્ક્રોલ કરીને ‘ટોક ટુ જેમિનાઇ હેન્ડ્સ-ફ્રી’માં જાઓ.
અહીંથી તમે ‘હેય ગૂગલ’ સર્વિસ ઓન કે ઓફ કરી શકશો.
‘ડિસ્કવર’ ફીડની જેમ તમે ફોનમાં જેટલાં ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હો એ બધા માટે ‘હેય ગૂગલ’ સર્વિસ બંધ કરી શકાશે. થોડી કસરત છે, પછી શાંતિ છે!
આ બંને 'સગવડ' બંધ કર્યા પછી પણ એક પગલું બાકી રહે છે
ઉપર જણાવ્યા મુજબ, આપણને જરૂર ન હોય તેમ છતાં, બેટરી ખર્ચ કરતી ગૂગલ એપનાં ‘ડિસ્કવર’ અને ‘હેય ગૂગલ’ એ બંને ફીચર ઓફ કર્યા પછી પણ એક પગલું લેવાનું બાકી રહે છે. કેમ કે આખેઆખી ગૂગલ એપ પોતે બેકગ્રાઉન્ડમાં પોતાનાં બીજાં બધાં કામ ચાલુ રાખી શકે છે.
એ પણ તમારે બંધ કરવું હોય તો ફોનના સેટિંગ્સમાં એપ્સમાં જાઓ. અહીં ગૂગલ એપ શોધો. એમાં બેટરી સેકશનમાં ‘અનરીસ્ટ્રિક્ટેડ’ એટલે કે બેટરીનો ઉપયોગ બિલકુલ મર્યાદિત ન હોય, ‘ઓપ્ટિમાઇઝ્ડ’ એટલે કે બેટરીનો જરૂર હોય તેટલો જ ઉપયોગ થાય અથવા ‘રીસ્ટ્રિક્ટેડ’ એટલે કે બેકગ્રાઉન્ડમાં બેટરીનો બિલકુલ ઉપયોગ ન થાય એવા ત્રણ વિકલ્પ મળશે.
ઇચ્છો તો ‘રીસ્ટ્રિક્ટેડ’ વિકલ્પથી ગૂગલ એપનો બેકગ્રાઉન્ડમાં બેટરીનો ઉપયોગ સદંતર બંધ કરી શકો. એવું લાગે કે એનાથી તમારા ફોનના ઉપયોગમાં મુશ્કેલી ઊભી થાય છે તો ‘ઓપ્ટિમાઇઝ્ડ’ વિકલ્પ બહેતર રહેશે.
આટલે સુધી વાંચીને થાકી ગયા?
હજી તો આપણે ફોનની બેટરી પર અસર કરતી ફક્ત એક એપની વાત કરી છે. તમે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી પરંતુ ખાસ ઉપયોગ ન કરતા હો તેવી જુદી જુદી એપ્સનો બેટરી ઉપયોગ તપાસીને તેને મર્યાદિત કરશો તો ફોનની બેટરી નિરાંતે આખો દિવસ ચાલી શકશે!




