બ્લોક કર્યા વગર જ ગાયબ! Gen Zમાં ઝડપથી વધી રહ્યો છે 'સોફ્ટ બ્લોકિંગ'નો નવો ટ્રેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gen Z Soft Blocking Trend: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર યુવા પેઢી (Gen Z) વચ્ચે એક નવો અનોખો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે, જેને 'સોફ્ટ બ્લોકિંગ' તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત બંધ કરવા માંગીએ ત્યારે તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સીધા જ 'હાર્ડ બ્લોક' એટલે કે સંપૂર્ણ બ્લોક કરી દેતા હોઈએ છીએ. પરંતુ સોફ્ટ બ્લોકિંગમાં વ્યક્તિને સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવતી નથી, છતાં તેની સાથે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર અંતર ઊભું કરી લેવામાં આવે છે. જેમ કે તેને પોતાની સ્ટોરીથી હાઇડ કરી દેવી, પોતાના ફોલોઅર્સ લિસ્ટમાંથી રિમૂવ કરી દેવા કે તેમની પોસ્ટ્સ જોવાનું બંધ કરી દેવું. આ પદ્ધતિથી કોઈ પણ પ્રકારના ઝઘડા કે કડવાશ વગર સામેવાળી વ્યક્તિ સાથે ડિજિટલ અંતર બનાવી શકાય છે.
કનેક્શન ચાલુ રહે પણ વાતચીત ધીમે ધીમે ગાયબ
સોફ્ટ બ્લોકિંગની સૌથી મોટી ખાસિયત એ છે કે પ્રોફાઇલ પર બંને વ્યક્તિઓ એકબીજા સાથે જોડાયેલી તો દેખાય છે, પરંતુ અંદરખાને તેમની વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા સાવ બંધ થઈ જાય છે. વ્યક્તિ ફ્રેન્ડ લિસ્ટમાં હોવા છતાં તેના મેસેજનો જવાબ આપવામાં આવતો નથી અથવા તો તેની નવી પોસ્ટ્સ અને સ્ટોરીઝથી અંતર જાળવી લેવાય છે. પરિણામે ઉપરછલ્લું કનેક્શન જળવાઈ રહે છે, પરંતુ વાસ્તવિક વાતચીત ધીમે ધીમે શૂન્ય થઈ જાય છે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી હાઇડ કરવી અને ફોલોઅર્સ લિસ્ટમાંથી હટાવવું
Gen Zમાં સોફ્ટ બ્લોકિંગ કરવાની સૌથી સામાન્ય રીત પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ચોક્કસ વ્યક્તિથી હાઇડ કરી દેવી છે. આ સેટિંગથી સામેવાળી વ્યક્તિ તમારી પ્રોફાઇલ જોઈ શકે છે, પરંતુ તમે જે કંઈ નવી અપડેટ કે સ્ટોરી મૂકો છો તે તેને દેખાતી નથી. આમ, બ્લોક કર્યા વિના જ અંગત જીવનની અપડેટ્સ તેનાથી છુપાવી શકાય છે.
આ ઉપરાંત અન્ય એક રસ્તો કોઈ વ્યક્તિને બ્લોક કરવાને બદલે તેને પોતાની 'Followers List' માંથી સાયલન્ટલી રિમૂવ કરી દેવાનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જ્યારે કોઈને ફોલોઅર્સમાંથી હટાવવામાં આવે ત્યારે તેનું કોઈ સીધું નોટિફિકેશન સામેવાળાને મોકલાતું નથી. આથી સામેવાળી વ્યક્તિને તુરંત ખ્યાલ પણ નથી આવતો કે તેને લિસ્ટમાંથી રિમૂવ કરી દેવાઈ છે.
લેટ રિપ્લાય અને ચોક્કસ વ્યક્તિ માટે 'સાઇલેન્ટ ટ્રીટમેન્ટ'
સોફ્ટ બ્લોકિંગનો વધુ એક રસ્તો મેસેજનો મોડો જવાબ આપવો અથવા તેને ઇગ્નોર કરવો છે. જે વ્યક્તિ શરૂઆતમાં તરત જ રિપ્લાય આપતી હોય, તે ધીમે ધીમે કલાકો કે દિવસો સુધી કોઈ જવાબ આપતી નથી, અને ઘણીવાર તો સીન કરીને પણ રિપ્લાય આપવાનું ટાળે છે. આ પ્રકારના વ્યવહારથી સામેવાળાને ધીમે ધીમે આપોઆપ સમજાઈ જાય છે કે સંબંધમાં અંતર વધારવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ પોતે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ સક્રિય રહે છે. તે અન્ય મિત્રોની પોસ્ટ્સ પર લાઇક-કમેન્ટ્સ કરે છે, સ્ટોરીઝ શેર કરે છે અને ઓનલાઇન પણ દેખાય છે, પરંતુ માત્ર તે ચોક્કસ વ્યક્તિના મેસેજ કે કન્ટેન્ટ સાથે કોઈ જ કનેક્શન રાખતી નથી.
શા માટે Gen Zમાં ઝડપથી વધી રહ્યો છે આ ટ્રેન્ડ?
આજના યુવાનો કોઈપણ પ્રકારના વિવાદ, બિનજરૂરી દલીલબાજી કે સીધા ટકરાવથી બચવા માંગે છે. જો કોઈને સીધા બ્લોક કરવામાં આવે તો પ્રશ્નો ઊભા થાય છે અને સંબંધોમાં કડવાશ આવે છે. આવા સમયે કોઈપણ વિવાદ કે લડાઈ વગર સંબંધોને શાંતિથી સમેટી લેવા માટે સોફ્ટ બ્લોકિંગ એક સેફ અને સરળ વિકલ્પ સાબિત થાય છે.




