Flash Charging Car: ઇલેક્ટ્રિક કારનું માર્કેટ ધીમે-ધીમે વધી રહ્યું છે, પરંતુ હજી પણ ઘણાં યુઝર્સ એને ખરીદવાનું પસંદ નથી કરતાં. આ માટેનું મુખ્ય કારણ એને ચાર્જ કરવા લાગતો સમય છે. લાંબી મુસાફરી દરમ્યાન આ કાર એટલી કામ નથી આવતી અને એ પાછળનું કારણ પણ ચાર્જિંગ માટેનો સમય અને પૂરતી સુવિધા ન હોવી છે. જોકે આ તમામ સમસ્યાનું નિવારણ આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. હવે એવી ટેક્નોલોજી આવી ગઈ છે જેમાં પાંચ મિનિટની અંદર 400 કિલોમીટર ચાલી શકે એટલી ચાર્જ થઈ જશે. ઘણી વાર પેટ્રોલ પૂરાવવામાં પણ આનાથી વધુનો સમય લાગે છે. જોકે ચીનની BYD કંપની દ્વારા નવી ફ્લેશ ટેક્નોલોજીને લોન્ચ કરવામાં આવી છે.
રિયલ-વર્લ્ડ ડેમો થયો વાયરલ
BYD (બિલ્ડ યોર ડ્રિમ) કંપનીની કારને ચાર્જ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ એક રિયલ-વર્લ્ડ ડેમો વીડિયો છે. એટલે કે એક યુઝર દ્વારા તેની કારને ચાર્જ કરતો રિયલ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જે વાયરલ થયો છે. આ વીડિયોમાં BYDની ફ્લેગશિપ સેડાન કાર Han L ચાર્જ થતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં કેમેરા ફક્ત 5 મિનિટની અંદર દસ ટકાથી 70 ટકા ચાર્જ થઈ જાય છે. આ દરમિયાન ચાર્જિંગ પાવર 746 kW સુધી પહોંચી જાય છે. EV સ્ટાન્ડર્ડ અનુસાર આ પાવર ખૂબ જ વધુ છે. એટલે કે કોઈ વાહનચાલક બાથરૂમ જઈને આવે અથવા તો ચા-કોફી અથવા તો પાણી પીને આવે ત્યાં સુધીમાં તો કાર ચાર્જ થઈ જશે.
સુપર ઇ-પ્લેટફોર્મ પર બની છે કાર
આ ફ્લેશ ચાર્જિંગની પાછળ BYDનું નવું સુપર ઇ-પ્લેટફોર્મ જવાબદાર છે. પેસેન્જર વાહન માટે આ દુનિયાનું પહેલું માસ-પ્રોડ્યુસ ફુલ-ડોમેન 1000V હાઇ-વોલ્ટેજ આર્કિટેક્ચર છે. આ પ્લેટફોર્મ પર જ કંપનીની નવી ફ્લેશ ચાર્જિંગ બેટરી કામ કરે છે. એની મદદથી 1000 એમ્પિયર સુધીની ચાર્જિંગ કરંટને સેટ કરી શકાય છે.
એક મેગાવોટનો ચાર્જિંગ પાવર
સુપર ઇ-પ્લેટફોર્મ અને ફ્લેશ ચાર્જિંગ બેટરીના કોમ્બિનેશનની મદદથી એક મેગાવોટ એટલે કે 1000 કિલોવોટ સુધીનો ચાર્જિંગ પાવર મેળવી શકાય છે. એનો ફાયદો એ છે કે એની મદદથી ઇલેક્ટ્રિક કાર ફક્ત પાંચ મિનિટની અંદર 400 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે એ એટલી ચાર્જ થઈ શકે છે. BYDના જણાવ્યા અનુસાર અલ્ટ્રા-હાઇ પાવર ચાર્જિંગ માટે નેક્સ્ટ જનરેશન ઓટોમોટિવ ગ્રેડ SiC પાવર ચિપને કંપની દ્વારા પોતે ડેવલપ કરવામાં આવી છે. આ માટે ખૂબ જ મોટા પાયા પર એનું પ્રોડક્શન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ચિપની વોલ્ટેજ રેન્જ 1500Vનું છે. આ દુનિયાની ખૂબ જ વધુ ક્ષમતા ધરાવતી પાવર ચિપ છે.
ચાર્જિંગની સમસ્યા દૂર કરવાનું લક્ષ્ય
BYDના સીઇઓ વાંગ ચુઆનફૂ અનુસાર કંપનીનું લક્ષ્ય લોકોમાં ચાર્જિંગ સમસ્યાને લઈને જે માન્યતા છે એને દૂર કરવાનો છે. ચાર્જિંગ પૂરી થઈ જવું અને ચાર્જિંગ ન મળવું અને ચાર્જિંગ માટે લાગતો સમય એ હજી પણ લોકોને EV કાર ખરીદતાં અટકાવે છે. આ કારણસર BYD દ્વારા Han L સેડાન અને Tang L SUVને આ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની હવે આ પ્લેટફોર્મ પર નવી-નવી કાર બનાવી રહી છે જેથી વાહન ખરીદનારને વધુ વિકલ્પ મળી રહે.
ચીનની બહાર આ ટેક્નોલોજીને લઈ જવાની તૈયારી
BYDની યોજના ફક્ત ચીન પૂરતી મર્યાદિત નથી. BYD દ્વારા એને યુરોપ અને અન્ય દેશોમાં પણ લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. દુનિયાના જે પણ દેશમાં ઇલેક્ટ્રિક કારનું માર્કેટ વધુ છે ત્યાં આ ટેક્નોલોજીને લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક સારા સમાચાર એ પણ છે કે આ દેશમાં 1000Vના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જો આ ટેક્નોલોજી દુનિયાભરમાં લઈ જવામાં આવી તો ઇલેક્ટ્રિક કારનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બની શકે છે.


