બે મહત્ત્વની સર્વિસમાં બેકઅપ પોલિસી બદલાઈ રહી છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગૂગલ આપણું કામ મુશ્કેલ બનાવશે, જ્યારે વોટ્સએપ વાત થોડી સલાહ બનાવશે
આપણી પાસે આઇફોન હોય કે એન્ડ્રોઇડ, બંને પ્રકારના ફોનમાં આપણે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. એન્ડ્રોઇડ હોય તો સાથે ગૂગલ એકાઉન્ટનો પણ એટલો જ ભારે ઉપયોગ થાય. વોટ્સએપનો હવે આપણે રોજિંદા કામકાજ માટે પણ પૂરો ઉપયોગ કરીએ છીએ, એટલે તેમાંનો ઘણો ડેટા સાચવી રાખવો આપણે માટે જરૂરી બન્યો છે. બીજી તરફ ગૂગલની વિવિધ સર્વિસમાં તો આપણો કેટકેટલો ડિજટલ ડેટા ધરબાયેલો પડ્યો રહે છે.
આ બંને કંપની આપણને પોતાના ડેટાને સાચવવા માટે બેકઅપની સુવિધા આપે છે, પણ અલગ અલગ રીતે. વોટ્સએપમાં આપણા ડેટાના લોકલ ડેટા ઉપરાંત તેને એપલના આઇક્લાઉડ કે ગૂગલ ક્લાઉડમાં લઈ જવાની સગવડ છે, જ્યાં તે ફ્રી સ્ટોરેજમાં જગ્યા ખર્ચે. બીજી તરફ ગૂગલમાં કશું લોકલ કમ્પ્યૂટરમાં ડાઉનલોડ ન કરો તો ફ્રી પ્લાનમાં ૧૫ જીબી સતત ભરાતી જાય.
હવે ગૂગલ હજી વધુ કેટલાક ડેટાને ગણતરીમાં લેશે, જ્યારે વોટ્સએપ પોતે ફ્રી સ્ટોરેજ આપશે!
વોટ્સએપમાં હવે મફત બેકઅપની સુવિધા મળશે
આપણે માટે વોટ્સએપમાંનો વિવિધ પ્રકારનો ડેટા હવે મહામૂલો બનતો જાય છે. અત્યારે, તમે કદાચ જાણતા જ હશો કે વોટ્સએપ આપણને પોતાના ડેટાનો બેકઅપ લેવાના એકથી વધુ વિકલ્પ આપે છે.
લોકલ બેકઅપઃ વોટ્સએપ પોતે દરરોજ અડધી રાત્રે બે વાગ્યાની આસપાસ આપણા સ્માર્ટફોનમાંની ઇન્ટરનલ સ્ટોરેજમાં વોટ્સએપના આપણા ડેટાનો આપોઆપ બેકઅપ લે છે. આપણે ઇચ્છીએ તો ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં વોટ્સએપના ફોલ્ડર સુધી પહોંચીને તેને પીસી કે સ્માર્ટફોનમાંના એસડી કાર્ડમાં કોપી કરી શકીએ.
ક્લાઉડ બેકઅપઃ જો તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય તો વોટ્સએપ એપમાંનો બધો ડેટા ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ તરીકે સાચવી શકાય છે. આપણે દરરોજ, અઠવાડિયે એક વાર કે મહિને એક વાર ડેટાનો ક્લાઉડમાં બેકઅપ લેવાય તેવું સેટિંગ કરી શકીએ છીએ.
એ જ રીતે આઇફોનમાં આપણા આઇક્લાઉડ એકાઉન્ટમાં વોટ્સએપ ડેટાનો બેકઅપ લઈ શકાય છે.
એનક્રિપ્ટેડ બેકઅપઃ પોતાનો ડેટા બીજું કોઈ જોઈ ન શકે એવું ઇચ્છતા હોઇએ તો આપણે વોટ્સએપના બેકઅપ ડેટાને એનક્રિપ્ટ કરી શકીએ છીએ. એ પછી આપણા બેકઅપને એક ચોક્કસ પાસવર્ડ, ૬૪ ડિજિટની એનક્રિપ્શન કી અથવા પાસકીનું લોક લાગે છે. તેના વિના વોટ્સએપ કંપની કે આપણો બેકઅપ જ્યાં સચવાયો હોય તે ગૂગલ કે એપલના ક્લાઉડમાં બીજું કોઈ આપણા ડેટાને જોઈ શકતું નથી.
ડાયરેક્ટ ટ્રાન્સફરઃ એક રીતે જુઓ તો આ બેકઅપની વાત નથી. પરંતુ આપણે પોતાનો ફોન બદલી રહ્યા હોઇએ અને આખેઆખું વોટ્સએપ એકાઉન્ટ નવા ફોનમાં એક્ટિવેટ કરવા માગતા હોઇએ ત્યારે જૂના ફોનમાંની વોટ્સએપ એપનો બધો ડેટા એન્ડ્રોઇડમાંથી એન્ડ્રોઇડમાં કે આઇફોનમાંથી આઇફોનમાં, વોટ્સએપ એપના સેટિંગ્સમાં આપેલ ક્યૂઆર કોડની મદદથી ટ્રાન્સફર કરી શકીએ છીએ.
આ વિકલ્પમાં આપણે પોતાનો ડેટા ક્લાઉડમાં લઇ જવાની જરૂર રહેતી નથી. બધો જ ડેટા એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ટ્રાન્સફર થઈ જાય છે.
મેન્યુઅલ એક્સપોર્ટઃ આપણે વોટ્સએપમાંના બધા ડેટાનો એક સાથે બેકઅપ ન લેવો હોય પરંતુ ફક્ત કોઈ એક વ્યક્તિ કે ગ્રૂપની વાતચીત સાચવી લેવી હોય તો ફક્ત એ ચેટને આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ.
તેમાં એ ચેટની ટેકસ્ટ ફાઇલ આપણને ઇમેઇલ સ્વરૂપે મળે છે.
હવે કેવો ફેરફાર આવી રહ્યો છે
ક્લાઉડ સ્ટોરેજમાં બેકઅપની વાત કરીએ તો એન્ડ્રોઇડ તથા આઇફોન, બંનેની વોટ્સએપ એપ માટે કંપની ગૂગલ ડ્રાઇવ અને એપલ ક્લાઉડનો વિકલ્પ આપવાની તૈયારીમાં છે.
એન્ડ્રોઇડ માટે આવો વિકલ્પ આવી રહ્યો હોવાની વાત એપ્રિલ ૨૦૨૬માં જ જાહેર થઈ હતી. હવે આઇઓએસ એપ માટે પણ એવો જ વિકલ્પ મળે તેવી શક્યતા છે. એ અનુસાર વોટ્સએપ કંપની પોતે યૂઝરને વોટ્સએપ તરફથી જ ક્લાઉડ બેકઅપનો વિકલ્પ આપશે.
અત્યારે તમે કદાચ જાણતા હશો કે વોટ્સએપમાં જ્યારે બે ડિવાઇસ વચ્ચે ટેકસ્ટ મેસેજની આપલે થાય ત્યારે તેમાંનું કશું જ વોટ્સએપના સર્વરમાં સચવાતું નથી. એક છેડેથી નીકળેલો મેસેજ બીજા છેડે પહોંચી જાય એ સાથે તે વોટ્સએપના સર્વર પરથી ડિલીટ થાય છે. જ્યારે ઇમેજ, વીડિયો વગેરે અન્ય પ્રકારના મેસેજ બીજા છેડે ડિલીવર થયા પછી પણ કંપનીના સર્વરમાં ૩૦ દિવસ સુધી સચવાઈ રહે છે.
મતલબ કે વોટ્સએપ કંપનીના ક્લાઉડ સર્વરમાં સ્ટોરેજની જે વ્યવસ્થા છે તેને જ હવે વિસ્તારવામાં આવશે. એક શક્યતા અનુસાર કંપની તેના બધા યૂઝરને વોટ્સએપના સર્વરમાં બે જીબી સુધીનો ડેટા બેકઅપ તરીકે મફત સ્ટોર કરવાની સુવિધા આપશે.
ગૂગલ ડ્રાઇવમાં આપણને ૧૫ જીબી સુધીની ફ્રી સ્ટોરેજ મળે છે એ પણ આપણને સૌને ઓછી પડે છે. બીજી તરફ એપલ આઇક્લાઉડમાં ફક્ત ૫ જીબી સુધી ફ્રી સ્ટોરેજ છે. આ બંને ફ્રી સ્ટોરેજમાં વોટ્સએપનો ડેટા બેકઅપ તરીકે ઉમેરાય તો એ પણ ગણતરીમાં લેવાય છે.
આથી આપણી તકલીફ વધે છે. હવે વોટ્સએપ કંપની પોતે પોતાના સર્વર પર ફ્રી સ્ટોરેજની સુવિધા આપશે તો આપણે માટે વાત સહેલી બનશે. અલબત્ત અહીં પણ, જો આપણો વોટ્સએપનો હેવી ઉપયોગ હોય અને આપણે વીડિયો સહિત બધું જ બેકઅપ લેવા માગતા હોઇએ તો કંપની તરફથી બે જીબીની ફ્રી સ્ટોરેજ ઓછી પડશે એ નક્કી છે. કંપની દર મહિને એકાદ ડોલર (આશરે રૂ.૧૦૦) જેવી ફી લઇને ૫૦ જીબીનો પેઇડ પ્લાન પણ ઓફર કરે તેવી શક્યતા છે. અલબત્ત ફ્રી કે પેઇડ પ્લાનમાં કેટલી સ્પેસના વિકલ્પ મળશે અને કેટલી ફી રહેશે એ હજી સ્પષ્ટપણે નક્કી નથી.
એક સારી વાત એ છે કે વોટ્સએપના પોતાના સ્ટોરેજમાંનો બેકઅપ ક્રોસ-પ્લેટફોર્મ ટ્રાન્સફરની સગવડ આપશે એટલે કે આપણે પોતાના આઇફોનમાંથી વોટ્સએપના સર્વર પર બેકઅપ લઇએ તો ત્યાંથી તેને એન્ડ્રોઇડના ફોનમાં કે તેથી ઊલટી રીતે ટ્રાન્સફર કે રીસ્ટોર કરી શકાશે. આ બધી સગવડો પર અત્યારે કામ ચાલી રહ્યું છે. કઈ સગવડ ચોક્કસપણે ક્યારથી મળવાની શરૂ થશે તેની હજી ટાઇમલાઇન જાહેર થઈ નથી.
ગૂગલમાં ડેટાનો બેકઅપ હવે વધુ જગ્યા રોકશે
ગયા મહિનાની એટલે કે જુલાઈ ૨૦૨૬ની શરૂઆતમાં ગૂગલે તેની એન્ડ્રોઇડ ફોનની બેકઅપ પોલિસીમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી આપણા ગૂગલ એકાઉન્ટમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ફોટોઝમાંનો ડેટા ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ થતો હતો. હવે આપણા વિવિધ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંના અલગ અલગ પ્રકારના ડેટાનો ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેવામાં આવે તો એ પણ આપણી ફ્રી સ્ટોરેજમાં ગણતરીમાં લેવામાં આવશે!
માઇક્રોસોફ્ટ અને એપલ જેવા ગૂગલના નજીકના હરીફો, ફ્રી પ્લાનમાં પાંચ જીબી સ્ટોરેજ આપે છે. તેમની સરખામણીમાં ગૂગલ ત્રણ ગણી મફત સ્ટોરેજ આપે છે, પરંતુ ધીમે ધીમે તેમાં સતત કાપ મૂકવામાં આવી રહ્યો છે.
અગાઉ ગૂગલની ફોટોઝ સર્વિસમાં નિશ્ચિત શરતોને આધિન આપણે અનલિમિટેડ ફોટો, વીડિયો અપલોડ કરી શકતા હતા. પછી ગૂગલે તેને ૧૫ જીબી સ્ટોરેજમાં ગણતરીમાં લેવાનું શરૂ કર્યું.
એ જ રીતે ગૂગલ ડ્રાઇવમાં ગૂગલ ડોક્સ, શીટ્સ તથા સ્લાઇડ્સ જેવા ગૂગલના ફોર્મેટમાં ફાઇલ સેવ કરવામાં આવી હોય તો તે આપણી સ્ટોરેજમાં કાઉન્ટ થતી નહોતી. હવે એ પણ ગણતરીમાં લેવામાં આવે છે.
આ યાદી હવે આગળ વધી છે. આપણો એન્ડ્રોઇડનો બેકઅપ ડેટા અગાઉ ગણતરીમાં લેવાતો નહોતો. હવે એ પણ ગણતરીમાં લેવાશે!
હવે એન્ડ્રોઇડ ફોનના સેટિંગ્સ, એસએમએસ મેસેજ (મેસેજમાંની બધી ટેકસ્ટ), કોલ હિસ્ટ્રી વગેરે બધાનો આપણા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેવાય ત્યારે એ બધું પણ આપણી ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજમાં ગણતરીમાં લેવામાં આવશે. પરિણામે આપણી ફ્રી સ્ટોરેજ વધુ ઝડપથી વપરાશે.
જોકે ગૂગલ કહે છે કે આવો એન્ડ્રોઇડ ફોનના બેકઅપનો ડેટા મોટા ભાગના યૂઝરના કિસ્સામાં માત્ર ૪૦ એમબી જેટલી જ સ્પેસ રોકશે.
જો તમે એકથી વધુ સ્માર્ટફોનમાં ગૂગલના એક જ એકાઉન્ટનો ઉપયોગ કરતા હો તો એ બધા ફોનના આ વધારાના ડેટાનો બેકઅપ તમારા ગૂગલ પ્લાન પરનો ભાર વધારશે.
એ પણ ખરું કે આ ફેરફારની સાથે આપણા ક્યા ડેટાનો બેકઅપ લેવાય તે બાબતે હવે આપણને વધુ કંટ્રોલ મળશે. આ ફેરફાર થોડા અઠવાડિયામાં લાગુ થઈ જશે. એ પછી આપણે ફોનના સેટિંગ્સમાં ‘એકાઉન્ટ એન્ડ બેકઅપ’, તેમાં ‘ગૂગલ બેકઅપ’ અને તેમાં ‘અધર ડિવાઇસ ડેટા’માં જઇને કયા કયા ડિવાઇસના ડેટાનો બેકઅપ લેવામાં આવે તથા તેમાં ક્યા પ્રકારની સર્વિસના ડેટાનો બેકઅપ લેવામાં આવે એ પણ આપણે નક્કી કરી શકીશું.
જોકે તમારે માટે એસએમએસ, એમએમએસ, કોલ હિસ્ટ્રી, ડિવાઇસ સેટિંગ્સ વગેરે મહત્ત્વનું હોય તો એ બધા ડેટાનો પોતાના ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ રાખવો જરૂરી છે. આ કારણે આપણો પોતાનો ફોન બદલીએ ત્યારે એ બધો ડેટા આપોઆપ નવા ફોનમાં પણ આવી જાય છે.
ટૂંકી વાત એટલી કે હવે આપણને સૌને ગૂગલમાં ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ બહુ ઓછી પડી રહી છે અને તેમાં ગૂગલે હજી વધુ ને વધુ કાપ મૂકવાનું શરૂ કર્યું છે - આપણને ધરાર પેઇડ પ્લાન તરફ ધકેલવાની કંપનીની પૂરી તૈયારી છે!









