આઇફોન 7 પ્લસ અને આઇફોન 8ના બે મોડલને એપલે જાહેર કર્યા વિન્ટેજ: જાણો યુઝર્સ પર શું અસર પડશે…
iPhone 7 plus and iPhone 8 Include in Vintage List: એપલ દ્વારા આઇફોન 7 પ્લસ અને આઇફોન 8ના બે મોડલને વિન્ટેજ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. 21 મેના રોજથી આ મોડલો વિન્ટેજ કેટેગરીમાં હશે. 2016માં લોન્ચ થયેલો આઇફોન 7 પ્લસ એપલનો ફ્લેગશિપ ફોન હતો, જેમાં ડ્યુઅલ કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં નવું હોમ બટન અને નવા જેટ બ્લેક કલરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શું છે વિન્ટેજ લિસ્ટ?
એપલ દ્વારા દર વર્ષે એક લિસ્ટ બનાવવામાં આવે છે, જેમાં નવી-નવી પ્રોડક્ટ સામેલ કરીને તેમને વિન્ટેજ જાહેર કરવામાં આવે છે. એપલ જે પ્રોડક્ટને લોન્ચ કર્યાને પાંચ વર્ષ થઈ ગયા હોય અને સાત વર્ષથી ઓછો સમય થયો હોય, તેમને વિન્ટેજ લિસ્ટમાં મૂકવામાં આવે છે. આ પ્રોડક્ટ સાત વર્ષની થાય ત્યાં સુધી વિન્ટેજ લિસ્ટમાં રહી શકે છે, અને ત્યાર બાદ એબ્સોલેટ લિસ્ટમાં સ્થાન પામે છે. વિન્ટેજ લિસ્ટમાં સામેલ પ્રોડક્ટના સ્પેર પાર્ટ્સ મળવાનું બંધ થઈ જાય છે અને તેનો ટેક્નિકલ સપોર્ટ પણ બંધ થઈ જાય છે. જ્યારે એબ્સોલેટ લિસ્ટમાં આવેલી પ્રોડક્ટ વાપરવાની પણ સલાહ આપવામાં આવતી નથી. હાલમાં, આઇફોન 7 પ્લસના પાર્ટ્સ ઉપલબ્ધ હોવાથી, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી સર્વિસ મળતી રહેશે.
કઈ નવી પ્રોડક્ટ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે?
એપલ દ્વારા દર વર્ષે આ લિસ્ટને અપડેટ કરવામાં આવે છે અને તેમાં નવી પ્રોડક્ટ ઉમેરવામાં આવે છે. આ વર્ષે, આઇફોન 7 પ્લસ ઉપરાંત આઇફોન 8 64GB અને 256GB મોડલોને વિન્ટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. યુઝર્સ આઇફોન 8 128GB માટે હજુ પણ સર્વિસ અને પાર્ટ્સ મેળવી શકશે, કારણ કે તેને હજુ સુધી વિન્ટેજ જાહેર કરવામાં આવ્યું નથી. વળી, આઇપેડ એર 2 અને આઇપેડ મિનિ 2ને વિન્ટેજ લિસ્ટમાંથી કાઢીને એબ્સોલેટ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુરુ ગ્રહ વર્ષો પહેલાં હતો બમણો: જાણો કેમ તેની સાઇઝમાં ઘટાડો થયો…
આઇફોન 7 પ્લસ પર થયો હતો કેસ
આઇફોન 7 પ્લસ વિશે સૌથી મોટી ચિંતા એનું વારંવાર બગડતું માઇક હતું. ઓડિયો ICમાં તકલીફના કારણે માઇક્રોફોન કામ કરતું બંધ થઈ જાય છે, જેના પરિણામે ફોન પર વાતચીત કરવી કે સિરીને કમાન્ડ આપવો મુશ્કેલ બની જાય. આ મુદ્દાને લઈને એપલ સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જે 2024ની જાન્યુઆરીમાં સેટલ કરવામાં આવ્યો હતો. આ માટે 49થી 350 અમેરિકન ડૉલર સુધીની રકમ આઇફોન 7 પ્લસ યુઝર્સને ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે 3 જાન્યુઆરી, 2023 પછી જે કોઈએ આઇફોન 7 અથવા 7 પ્લસ ખરીદ્યું હોય, તેમને વળતર મળતું નથી, કારણ કે ત્યાં સુધીમાં આ સમસ્યા ઉકેલાઈ ગઈ હતી.