Apple iPhone Air 2: એપલ દ્વારા હવે આઇફોન એર 2ને ધારવા કરતાં જલદી રિલીઝ કરવામાં આવે એવી ચર્ચા છે. આઇફોન એર નિષ્ફળ રહ્યો છે. એની માર્કેટ વેલ્યુ પણ ઘટી ગઈ છે. આ મોબાઇલને એપલ પડતો મૂકશે એવી ચર્ચા હતી. આ સાથે જ એવી પણ ચર્ચા હતી કે એપલ જે રીતે SE, SE 2 અને 16eને લોન્ચ કર્યો હતો એ જ રીતે આઇફોન એરને પણ બ્રેક બાદ લોન્ચ કરવામાં આવશે. એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં આઇફોન રિલીઝ કરે છે. આ વર્ષે આઇફોન 18, આઇફોન પ્રો 18, આઇફોન પ્રો 18 મેક્સ અને આઇફોન ફોલ્ડને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે લીક થયેલી માહિતી મુજબ હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે એપલ હવે આઇફોન એર 2ને 2027માં માર્ચ-એપ્રિલમાં રિલીઝ કરી શકે છે.
આઇફોન એરનું જ નવું મોડલ?
એપલના આઇફોનને લઈને હાલમાં બે માહિતી લીક થઈ છે. પહેલી માહિતી અનુસાર એપલ દ્વારા તેના એન્જિનિયર્સ અને સપ્લાયર્સને કહી દેવામાં આવ્યું છે કે તેઓ હવે આઇફોન એરને તેમના શેડ્યૂલમાંથી ચોક્કસ તારીખ જાહેર કર્યા વગર હટાવી રહ્યાં છે. જોકે આ માહિતી બાદ બીજી માહિતી લીક થઈ છે કે એપલના એન્જિનિયર્સ એવી આશા રાખી રહ્યાં છે કે આઇફોન એરનું રીડિઝાઇન વર્ઝન બહુ જલદી લોન્ચ કરવામાં આવશે. એમાં બે કેમેરા સિસ્ટમ જોવા મળશે.
યૂઝરના ફીડબેકને રાખવામાં આવ્યું માન્ય
આઇફોન એરની બે કારણસર ખૂબ જ ટિકા કરવામાં આવી હતી. સૌથી પહેલું એની કિંમતે ખૂબ જ વધુ રાખવામાં આવી છે. એની ટિકા કરવાનું બીજું કારણ એ હતું કે એમાં ફક્ત એક જ કેમેરા આપવામાં આવ્યો છે. આથી એપલ હવે આઇફોન એર 2માં બે કેમેરા સિસ્ટમ રાખવાની સાથે એની કિંમતમાં પણ ઘટાડો કરવાનું વિચારી રહી છે. આથી યૂઝર દ્વારા પહેલાં મોબાઇલને લઈને જે ફીડબેક આપવામાં આવ્યું હતું એ કંપની દ્વારા સાંભળવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: AIની વધતી વીજળીની ભૂખ: ભારત માટે ચેતવણી, સતત વીજળી કાપ માટે તૈયાર રહેવું...
આઇફોન 17e પણ થશે રિલીઝ?
એપલ દ્વારા આઇફોન 17 સિરીઝને લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ એમાં આઇફોન 17eનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. જોકે લીક થયેલી માહિતી અનુસાર એપલ હવે આઇફોન એર 2 અને આઇફોન 17e બન્નેને 2027ની શરૂઆતમાં લોન્ચ કરશે એવી ચર્ચા છે. આઇફોન 17eમાં ખાસ બદલાવ કરવામાં નહીં આવે. એમાં ડિઝાઇનની સાથે મોડેમમાં બદલાવ કરવામાં આવશે તેમ જ વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ કરવામાં આવશે.


