Get The App

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે 1 - image

iPhone 18 Price: સ્માર્ટફોન માર્કેટમાં હાલમાં મહત્ત્વપૂર્ણ ચહલપહલ જોવા મળી રહી છે. મોબાઇલ કંપનીઓ સ્માર્ટફોનને વધુ સ્માર્ટ તો બનાવી રહી છે, પરંતુ સાથે જ એની કિંમતમાં પણ વધારો કરી રહી છે. જોકે Apple તરફથી આવનારી iPhone 18 સિરીઝને લઈને એક મોટો સંકેત સામે આવ્યો છે. એક રિપોર્ટ મુજબ કંપની iPhone 18નો ભાવ હાલની iPhone 17 સિરીઝ જેટલો જ રાખવાની તૈયારીમાં છે, જે ગ્રાહકો માટે મોટી રાહતરૂપ સાબિત થઈ શકે છે. માર્કેટમાં દરેક કોમ્પોનેન્ટ્સના ભાવમાં વધારો થયો છે, પરંતુ એપલ કિંમત વધારવાની તરફેણમાં નથી.

વધતા ખર્ચ સામે ભાવ સ્થિર રાખવાની કોશિશ

વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખર્ચ સતત વધી રહ્યો છે. ખાસ કરીને એડવાન્સ ચિપસેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હાર્ડવેર અને સપ્લાય ચેઇનના ખર્ચમાં વધારો નોંધાયો છે. આમ છતાં Apple દ્વારા આ વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખવાને બદલે પોતે સહન કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર iPhone 18 Pro અને iPhone 18 Pro Maxના આંતરરાષ્ટ્રીય ભાવ iPhone 17 Pro અને Pro Max જેટલા જ રહી શકે છે. આ પગલું કંપનીના લાંબા ગાળાના બજારના દૃષ્ટિકોણને દર્શાવે છે. એપલ તેના યુઝર્સ સાથે કોઈ રિસ્ક લેવા નથી માગતું.

ભારતીય બજારમાં પણ ભાવ સ્થિર રહેવાની શક્યતા

ભારતમાં હાલમાં iPhone 17 Proનો ભાવ ₹1,34,900 અને iPhone 17 Pro Maxનો ભાવ ₹1,49,900થી શરૂ થાય છે. જો Apple અમેરિકામાં મોબાઇલના ભાવ પહેલાં જેવા જ રાખશે તો ભારતીય બજારમાં પણ iPhone 18 Pro મોડલ્સને જૂના વર્ઝનની સમાન કિંમતે લોન્ચ કરવાની શક્યતા છે. ભારતીય ગ્રાહકો માટે આ ખાસ મહત્ત્વનું છે, કારણ કે પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં ભાવ વધારો એક મહત્ત્વપૂર્ણ પરિબળ બની ગયું છે.

કિંમત ન વધારવા માટેના મુખ્ય કારણો

ટેક ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ માને છે કે આ નિર્ણય પાછળ અનેક વ્યૂહાત્મક કારણો છે. ખાસ કરીને પ્રીમિયમ Android સ્માર્ટફોન બ્રાન્ડ્સની વધતી સ્પર્ધા Apple માટે પડકારરૂપ બની રહી છે. વધુ શક્તિશાળી ફીચર્સ અને Apple કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ ડિવાઇસિસ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આ પરિસ્થિતિમાં iPhone 18ને સમાન કિંમતે રજૂ કરીને કંપની માર્કેટમાં પોતાની હિસ્સેદારી જાળવવા અને વધારવા માટે કોશિશ કરી રહી છે.

મોંઘવારી વચ્ચે ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ

વિશ્વભરમાં વધતી મોંઘવારીને કારણે ગ્રાહકો હવે ખર્ચ અંગે વધુ સાવચેત બન્યા છે. આ સંજોગોમાં, સમાન કિંમતે નવા અને વધુ સુધારેલા ફીચર્સ આપવાથી ગ્રાહકોને અપગ્રેડ કરવા પ્રોત્સાહન મળી શકે છે. Apple માટે આ પગલું વેચાણ વધારવા અને યુઝર બેઝ વધારવા માટે અસરકારક બની શકે છે.

બધાં મોડલ્સની કિંમત સમાન ન પણ રહે

કેટલાક રિપોર્ટ્સ અનુસાર Apple તમામ મોડલ્સ માટે આ નીતિ લાગુ નહીં કરે. ખાસ કરીને વધુ સ્ટોરેજ ક્ષમતા ધરાવતા વર્ઝન્સમાં થોડો ભાવ વધારો જોવા મળી શકે છે. આ રીતે કંપની પોતાની નફાકારકતા જાળવી રાખી શકે છે. આ સાથે જ બેસિક મોડલની કિંમતમાં પણ બદલાવ જોવા મળી શકે છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવનારા નવા પ્રોડક્ટ્સ જેમ કે ફોલ્ડેબલ iPhoneની કિંમત વધુ આંકવામાં આવી રહી છે. આ મોડલ 2.50 લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ચીનમાં નવો ચોંકાવનારો ટ્રેન્ડ ‘સાયબર વિડો’: AI બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ ગુમાવતા લોકો થઈ રહ્યા છે દુખી, જાણો વિગત…

iPhone 18માં શું જોવા મળશે?

ભાવ એક સરખો હોવા છતાં iPhone 18 સિરીઝમાં મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીકલ સુધારાઓની આશા રાખવામાં આવી રહી છે. તેમાં વધુ એડવાન્સ કેમેરા સિસ્ટમ, વધુ ઝડપી અને કાર્યક્ષમ ચિપસેટ, લાંબી બેટરી લાઈફ અને સુધારેલી ડિસ્પ્લે ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આ સાથે જ Apple સોફ્ટવેરમાં એટલે કે સિરી અને એપલ ઇન્ટેલિજન્સમાં પણ ખૂબ જ સુધારા કરવા જઈ રહ્યું છે. આ સુધારાઓથી ગ્રાહકોને “વેલ્યુ ફોર મની”નો વધુ સારો અનુભવ મળી શકે છે.