ફોલ્ડેબલ ફોન પર છે એપલનું ફોકસ: આઇફોન 18ને મોડેથી લોન્ચ કરવાનો અંદાજ
Apple to Focus On Foldable iPhone: એપલ હાલમાં ફોલ્ડેબલ આઇફોન પર ફોકસ કરી રહી હોવાની ચર્ચા છે. આ ફોનને રજૂ કરવા માટે આઇફોન 18ને મોડેથી રિલીઝ કરવાનું ધાર્યું છે. સામાન્ય રીતે, એપલ સપ્ટેમ્બરમાં આઇફોન લોન્ચ કરે છે, પરંતુ 2026ના મોડલ માટે કંપની અલગ વ્યૂહરચના અપનાવી રહી હોવાની શક્યતા છે.
2026માં સપ્ટેમ્બરમાં લોન્ચ થશે ચાર આઇફોન
એપલ 2026માં સપ્ટેમ્બર સુધીમાં ચાર મોડલ લોન્ચ કરશે એવી ચર્ચા છે, જેમાં આઇફોન 18 પ્રો, આઇફોન 18 પ્રો મેક્સ, આઇફોન 18 એર અને ફોલ્ડેબલ આઇફોન નો સમાવેશ થશે.
આ ફોલ્ડેબલ આઇફોન બૂક-સ્ટાઇલ ડિઝાઇનમાં હશે, જે બંધ હોય ત્યારે 5.7 ઇંચ અને ખુલ્લો હોવા પર 8 ઇંચની આસપાસ હશે. અનફોલ્ડ કર્યા પછી, ફોનની જાડાઈ 4.5 mm થી 4.8 mm વચ્ચે રહેવાની શક્યતા છે.
2027માં સ્ટાન્ડર્ડ આઇફોન 18 અને 18e
એપલ પરંપરાગત રીતે માર્ચમાં SE મોડલ રજૂ કરતી હતી, પણ હવે 16 સિરીઝને 16e તરીકે નામ આપવામાં આવ્યું છે. 2027ની માર્ચમાં આઇફોન 18નું સ્ટાન્ડર્ડ વર્ઝન અને આઇફોન 18e લોન્ચ થવાની સંભાવનાઓ છે.
આ સાથે 2026માં આઇફોન 17e લાવવાની શક્યતા ખૂબ ઓછી છે. બજેટ-ફ્રેન્ડલી મોડલ માટે એપલ ભારતમાં ઉત્પાદનની પરીક્ષા કરવા માટે પ્રયત્ન કરશે, કારણ કે હવે કંપની ચીનની ફેક્ટરી પર વધુ નિર્ભર રહેવા નથી માગતી.
ફોલ્ડેબલ આઇફોનના કારણે મેન્યુફેક્ચરિંગમાં બદલાવ
નવી લાઇનઅપના કારણે એપલ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં પડકારો સામનો કરી શકે છે. અગાઉ માત્ર પાંચ મોડલ રજૂ થતા હતા, જ્યારે ફોલ્ડેબલ આઇફોન ઉમેરાતા છ મોડલ લાવવાની શક્યતા છે.
કંપનીએ અમુક મોડલના લોન્ચને 2027ના એપ્રિલમાં ખસેડવાનો વિચાર કર્યો છે. જો આ ફેરફાર લાગુ કરવામાં આવશે, તો મેન્યુફેક્ચરિંગ વધુ સુગમ બની શકશે અને કર્મચારીઓ પર વધારાનો બોજ ઓછો થશે.
આ પણ વાંચો: હવે ચૂંટણીની તમામ માહિતી એક જ એપમાં, 40થી વધુ એપ કરી દેવાશે સંપૂર્ણપણે બંધ
આઇફોન 18 પ્રો મોડલ્સમાં સ્ક્રીનની નીચે હશે ફેસ આઇડી
એપલ ફેસ આઇડી ટેક્નોલોજીને સ્ક્રીનની મધ્યમાંથી દૂર કરીને નીચે મૂકવાનો પ્રયાસ કરી રહી છે. આ ફેરફાર આઇફોન 18 પ્રો મોડલ્સમાં જોવા મળે તેવી શક્યતા છે.
સેલ્ફી કેમેરાને ઉપર ડાબી બાજુ પર સ્થાન આપવામાં આવશે એવી ચર્ચા છે. જો એપલ સફળતા મેળવે, તો યુઝર્સને વધુ સ્ક્રીન-અનુભવ મળશે, અને તેમનો વીડિયો જોવાનો અનુભવ વધુ આનંદદાયક બની શકે છે.