એમેઝોને ફરી ટેબલેટ લોન્ચ કર્યા, આ વખતે ફોક્સ એન્ડ્રોઇડ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમેઝોન કંપનીને આપણે પહેલાં વિરાટ ઓનલાઇન બુકસ્ટોર અને ત્યાર પછી એથી પણ વિરાટ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ તરીકે વધુ ઓળખીએ છીએ. એ પછી કંપનીએ ક્લાઉડ સ્ટોરેજ મામલે પણ બહુ મોટું માર્કેટ ઊભું કર્યું છે. આ રીતે, સોફ્ટવેરની મદદથી આખી દુનિયામાં તહેલકો મચાવી દીધા પછી કંપનીએ ‘કિન્ડલ રીડર’ તથા ‘એલેક્સા હોમ આસિસ્ટન્ટ’ જેવી હાર્ડવેર પ્રોડક્ટથી પણ ખાસ્સી હલચલ મચાવી છે.
હવે કંપનીએ ટેબલેટના માર્કેટમાં પણ ઝંપલાવ્યું છે. અલબત્ત પહેલી વાર નહીં. અગાઉ કંપનીએ ‘ફાયર ટેબલેટ’ નામે બજેટ ટેબલેટ રજૂ કર્યાં હતાં. તેમાં એમેઝોનની પોતાની ફાયર નામની ઓપરેટિંગ સિસ્ટમ હતી. હવે તેને બાજુએ રાખીને નવા સમય મુજબ એઆઇ પર ફોક્સ સાથે ‘એમેઝોન એલેક્સા ટેબલેટ્સ’ની નવી રેન્જ લોન્ચ કરી છે.
એમેઝોનનાં ફાયર ટેબલેટની રેન્જ માંડ ૯-૧૦ હજાર રૂપિયામાં શરૂ થઈ જતી હતી, જ્યારે નવાં એલેક્સા ટેબલેટ સીધાં ૨૨ હજારથી શરૂ થઈને ૫૩ હજાર સુધી પહોંચે છે. કંપનીએ શરૂઆતમાં એલેક્સા ટેબલેટ ૧૨ પ્રો, એલેક્સા ટેબલેટ ૧૧ તથા એલેક્સા ટેબલેટ ૮ લોન્ચ કર્યાં છે. આ ટેબલેટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. તેમાં ગૂગલ પ્લે સ્ટોરનો પૂરો ઉપયોગ કરી શકાશે. એમેઝોનનાં જૂનાં ફાયર ટેબલેટમાં માત્ર એમેઝોનના એપ સ્ટોરનો સપોર્ટ હતો.
આ નવાં ટેબલેટને ‘ડિસ્ટ્રેક્શન-ફ્રી’ કિન્ડલ જેવા રીડિંગ ડિવાઇસમાં ફેરવી શકાય છે. આ ટેબલેટમાં ‘પ્રો પેન’ તથા પ્રો કીબોર્ડ’ જેવા ઇનપૂટ ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકાશે. મતલબ કે આ ટેબલેટનો લેપટોપ જેવો ઉપયોગ પણ શક્ય થશે. નામમાં જ એમેઝોન એલેક્સા છે એટલે તેમાં એમેઝોનના જનરેટિવ એઆઇ આસિસ્ટન્ટ એલેક્સા+ તથા એલેક્સા વોઇસ કમાન્ડનો ભરપૂર ઉપયોગ થશે. આ ટેબલેટની બેટરી, ફક્ત રીડિંગ કે સામાન્ય બ્રાઉઝિંગ કરવામાં આવે તો ૨૦ કલાક સુધી ચાલશે એવો દાવો કરવામાં આવે છે. અલબત્ત શરૂઆતમાં આ ટેબલેટ અમેરિકા તથા યુરોપ, એશિયાના અમુક દેશોમાં લોન્ચ થશે. ભારતમાં ક્યારે લોન્ચ થશે એ વિશે સ્પષ્ટતા નથી.
આ નવાં, પ્રોફેશનલ્સ માટેનાં ટેબલેટ્સ ઉપરાંત એમેઝોન કિડ્સ ટેબલેટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યાં છે.




