કોર્ટમા હાજીર હૈ AI પાવર્ડ 'રોબોટ' વકીલ !

Updated: Jan 21st, 2023

આવતા મહિને અમેરિકાની એક કોર્ટમાં કદાચ ઈતિહાસ રચાશેબચવ પક્ષના વકીલ તરીકે દલીલો કરશે એક રોબોટ

આ સમાચાર જાણીને કદાચ ઘણા વકીલોના પેટમાં ફાળ પડશે (બીજા ઘણા લોકોને પણ ચિંતા શરૂ થવી જોઈએ) - આવતા મહિને અમેરિકાની એક અદાલતમાં વકીલની ભૂમિકા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક રોબોટ ભજવશે!

‘રોબોટ’ (કે  ‘રોબો’) શબ્દ કાને પડતાં આપણા મનમાં માણસ જેવા દેખાતા મશીનની કલ્પના જાગે. ઘણી રેસ્ટોરાંમાં નવીનતા ખાતર આવા રોબોટ વેઇટર્સ  વાનગીઓની પ્લેટ્સ ભરેલી ટ્રે લઈને ઘૂમવા લાગ્યા છે. પરંતુ અમેરિકાની કોર્ટમાં કેસ લડનારો આ અનોખો વકીલ કાળો કોટ પહેેરેલા રોબોટ જેવો નહીં હોય, એ સ્માર્ટફોનમાંની એપ્લિકેશનમાં સમાયેલો ચેટબોટ છે.

એટલે આખી વાત કોર્ટડ્રામા જેવી બહુ ડ્રામેટિક નથી, પણ જો ખરેખર કોર્ટમાં રોબોટ કેસ લડશે તો એ જરૂર ઇતિહાસ રચશે. સાથોસાથ આ વાત અનેક કાયદાકીય આંટીઘૂંટીઓ ઊભી કરશે, પ્રાઇવસીને લગતી ચિંતાઓ પણ જગાવશે અને ખાસ તો, નવી ટેક્નોલોજી કેટકેટલા પ્રકારની નોકરી પર તરાપ મારશે એની નવેસરથી ચિંતા કરાવશે - સૌને!

- ÃkÂç÷rMkxe MxLx? fu ®[íkkLkwt ¾Át fkhý?

ભરચક કોર્ટ રૂમ, ભારેખમ ચહેરા સાથે બેઠેલા જજ સાહેબ, કઠેડામાં આરોપી અને સામસામે દમદાર દલીલો કરતા બે વકીલ... હિન્દી ફિલ્મોના પ્રતાપે આપણા મનમાં કોર્ટ રૂમનું આવું દૃશ્ય બરાબર ઠસી ગયું છે, પણ એ હવે બદલાય તેવી શક્યતા છે. બાકીનું બધું જેમનું તેમ રહેશે, પરંતુ બેમાંથી કમસે કમ એક વકીલ કદાચ ગાયબ થશે. આવતા મહિને અમેરિકાની એક કોર્ટમાં વાસ્તવિક રીતે આવી સ્થિતિ સર્જાવાની છે. એમાં કેસ રાબેતા મુજબ ચાલશે, પરંતુ બચાવ પક્ષના જીવતાજાગતા વકીલ કોર્ટ રૂમમાં હાજર નહીં હોય. આ કેસમાં બચાવ પક્ષના વકીલની ભૂમિકા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ‘રોબોટ લોયર’ ભજવશે!

પહેલાં આ ‘વકીલ’નું બેકગ્રાઉન્ડ જાણીએ

યુએસમાં ૨૦૧૫માં ‘ડુનોટપે (donotpay.com)’ નામે એક બેઝિક ચેટબોટની સર્વિસ આપતા સ્ટાર્ટઅપની શરૂઆત થઈ. ત્યારે તેનો હેતુ એ હતો કે જે લોકો સામાન્ય વહીવટી ગૂંચવણોમાં કે નજીવા કોર્ટ કેસમાં ફસાયા હોય અને તેમાં બચાવ માટે વકીલ રોકવાનું પોસાય તેમ ન હોય તો આ ચેટબોટ પાસેથી તેઓ માર્ગદર્શન મેળવી શકતા હતા.

ધીમે ધીમે અનુભવે આ સ્ટાર્ટઅપનો ચેટબોટ એવો ઘડાયો કે હવે તે અદાલતમાં પહોંચીને, જીવતાજાગતા વકીલનું સ્થાન લેવા માગે છે! કંપનીએ તેની વેબસાઇટ પર બોલ્ડ ફોન્ટમાં પોતાની ઓળખ આ રીતે આપી છે ‘‘The World's First Robot Lawyer (દુનિયાનો પહેલો રોબોટ વકીલ’’. કંપની આગળ કહે છે કે ‘‘તમારે મોટાં કોર્પોરેશન્સ કે સરકારી તુમારશાહી સામે લડવું છે? કે કોઈ સામે કેસ માંડી દેવો છે? હવે એ કામ એક બટન દબાવીને થઈ શકશે.’’

આ કંપની ફી લેશે, પરંતુ પોતાની સર્વિસ માટે ફ્રી ટ્રાયલ્સ આપશે, સર્વિસ પસંદ ના પડે તો ડોલર પાછા! ઉપરાંત કંપનીના દાવા મુજબ સાચુકલા વકીલો આવાં કામ માટે આકરી ફી વસૂલતા હોય છે, તેની સરખામણીમાં આ કંપનીના રોબોટ વકીલ બહુ નજીવી ફી માગે છે.

રોબોટ વકીલ કેવી રીતે કેસ લડશે?

આ સ્ટાર્ટઅપ કંપની અત્યાર સુધી ખાસ જાણીતી નહોતી, પણ આ વર્ષની શરૂઆતમાં તેણે ધડાકો કર્યો. કંપનીએ જાહેર કર્યું છે કે હવે તેના રોબોટ વકીલ અદાલતમાં કેસ લડવા માટે પણ તૈયાર છે.

કંપનીએ પોતાના રોબોટ વકીલ કેટલાક ઘડાયા છે તે તપાસવા માટે અથવા કહો કે તેનો ડેમો આપવા માટે એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે.

કંપનીએ  ટ્રાફિક સંબંધિત કેસનો સામનો કરી રહેલી બે વ્યક્તિને અદાલતમાં તેમનો કેસ લડવા માટે, રોબોટ વકીલની મદદ લેવા તૈયાર કરી લીધા છે.

આ બંને કેસ યુએસમાં આવતા મહિને કોર્ટમાં ચાલવાના છે. કેસ સામાન્ય છે, મર્યાદા કરતાં વધુ ઝડપે કાર ચલાવવાના ગુનાને સંબંધિત છે.

કંપનીએ ગોઠવણ એવી કરી છે કે આ કેસમાં આરોપી કઠેડામાં હશે અને તેનો વકીલ તેના ખિસ્સામાં હશે! એક કેસના આરોપી પોતાના ખિસ્સામાં સ્માર્ટફોન અને કાનમાં ઇયરફોન પહેરશે (બીજા કેસમાં, કેસ વીડિયો કોલિંગ એપ દ્વારા ચાલવાનો છે).

ફોનમાંની ડુનોટપે એપ્લિકેશન કોર્ટ રૂમમાં થતી દલીલો રિઅલ ટાઇમમાં સાંભળશે અને પોતાના અસીલને ઇયરફોન મારફત સમજાવશે કે તેણે આ દલીલોનો કેવી રીતે જવાબ આપવો. એટલે આ કેસ એક રીતે આરોપી પોતે જ લડશે પરંતુ ચેટબોટના માર્ગદર્શનમાં.

ઇતિહાસમાં એવું પહેલી વાર બનશે કે કોર્ટ રૂમમાં જીવતા જાગતા વકીલને સ્થાને એઆઈ પાવર્ડ ચેટબોટ પોતાના અસીલ મારફત કેસ લડશે.

કાયદાકીય ગૂંચવણો

વાતમાં હવે ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ આવે છે! કંપનીએ એ જાહેર કર્યું નથી કે તેના રોબોટ વકીલ ચોક્કસ કયા કેસમાં અને કયા શહેરની કોર્ટમાં આ ઐતિહાસિક કેસ લડશે. તેનું નક્કર કારણ છે.

સૌથી પહેલાં તો આ ‘વકીલ સાહેબ’ પોતે કાયદાકીય ગૂંચવણમાં ફસાય તેવી શક્યતા છે!

કારણ એ કે દુનિયાના ઘણા ખરા દેશોની જેમ અમેરિકામાં અદાલતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર કે કમ્પ્યૂટર સાથે કનેક્ટેડ હોય તેવું કોઈ ડિવાઇસ લઈ જવા પર કે ઇયરપોડ્સ પહેરવાની મનાઈ હોય છે.

કંપની કહે છે કે અમેરિકાના અમુક રાજ્યોમાં કોર્ટમાં હીયરિંગ એઇડ્સનો ઉપયોગ કરવાની છૂટ છે, આથી કંપની એ કોર્ટમાં પોતાના રોબોટ વકીલને કામે લગાડવાની છે. અલબત્ત, કંપનીના સીઇઓ પોતે કહે છે કે તેઓ કાયદામાંના છીંડાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તેમનો હેતુ ફક્ત એ સાબિત કરવાનો છે કે લોકોએ હવે આકરી ફી માગતા વકીલોના આશરે રહેવાની જરૂર નથી. કંપની જાણે છે કે આ કેસમાં જજ, તેમની કાર્યવાહીનું સ્માર્ટફોનમાંની એપ મારફતે રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ જાણીને ગુસ્સે થઈ શકે છે. આરોપીને મૂળ કેસને બદલે, ‘ગુનાસર’ આકરો દંડ પણ થઈ શકે છે, પરંતુ કંપની પોતાના ડેમો માટે એ ‘ખર્ચ’નું જોખમ ઉઠાવવા તૈયાર છે.

કંપનીના ફાઉન્ડર અને સીઇઓએ તો ટ્વીટર પર એવી ઑફર પણ આપી છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં આગામી કોઈ પણ કેસમાં વકીલ કે કોઈ પણ વ્યક્તિ કાનમાં એરપોડ્સ ખોસી, કંપનીનો ચેટબોટ કહે એ જ પ્રમાણે દલીલો કરવા તૈયાર થાય તો કંપની તેને ૧૦ લાખ ડોલર ચૂકવવા તૈયાર છે!

આ મુદ્દો માત્ર રોબોટને કોર્ટની મંજૂરીનો નથી. વકીલોએ પોતાના અસીલની વિગતો ખાનગી રાખવી જરૂરી હોય છે. બધો જ ડેટા રેકોર્ડ થતો હોય તો એ ખાનગી રહેશે? જેમ ડ્રાઇવરલેસ કાર અણીના સમયે ખોટા નિર્ણયો લઈને વ્યક્તિઓના જીવ જોખમમાં મૂકી શકે, તેમ રોબોટ વકીલ અર્થઘટનોમાં ભૂલ કરીને તેના અસીલને શૂળીએ ધકેલે એવું થઈ શકે છે.

વકીલો તો કહેશે કે એવું જ થવાનું છે - પણ આ કેસમાં આપણા ધાર્યા કરતાં ઘણી વધુ ગૂંચવણો ને આંટીઘૂંટીઓ છે - ટેક્નોલોજી બહુ ઝડપથી ઘણું બધું બદલી રહી છે એ નક્કી છે!

- xufLkku÷kuS ¾hu¾h ÷kufkuLke hkuS AeLkðe ÷uþu?

 રોબોટિક્સ અને ઓટોમેશનથી લોકોની રોજગારી ઝૂંટવાશે એવી ચિંતા તો લાંબા સમયથી ચાલી રહી છે, પણ અત્યાર સુધી એવી શક્યતા હતી કે માત્ર ફેક્ટરીઓમાં, એક ધારું ને એક સરખું કામ કરતા કામદારોની રોજી રોબોટ્સને કારણે જશે. લોકો માનતા હતા કે જેમાં બુદ્ધિ દોડાવવાની હોય, એક જ બાબતને અલગ અલગ રીતે તપાસીને પછી નિર્ણયો કરવાના હોય તેવા ‘ક્રિએટિવિટી’ આધારિત જોબ્સને નવી ટેક્નોલોજીની અસર થશે નહીં. હવે વિચારો કે વકીલોએ દિમાગ દોડાવવાનું હોય છે કે નહીં?!

અમેરિકન સ્ટાર્ટઅપ ભલે પોતાના વકીલને ‘રોબોટ’ ગણાવે, વાસ્તવમાં એઆઇ-પાવર્ડ ચેટબોટ છે, જે હમણાં આપણે ‘ટેક્નોવર્લ્ડ’માં જેની વાત કરી હતી તે ચેટજીપીટી ચેટબોટની જેમ આપણી રોજબરોજની ભાષા પણ સમજી શકે છે. આ પ્રકારના ચેટબોટ તેમાં ફીડ કરવામાં આવતા પાર વગરના ડેટા ઉપરાંત, રોજબરોજ વધુ ને વધુ યૂઝર્સ સાથેના ઇન્ટરએક્શનના અનુભવથી વધુ ને વધુ શીખે છે.

મતલબ કે હવે માત્ર ફેક્ટરીના કામદારોને જ જોખમ નથી, રોજ મગજનું દહીં કરીને થાકી જતા લોકોની નોકરી પણ જોખમમાં છે.

નવા જમાનાના ચેટબોટ સોફ્ટવેરનું કોડિંગ કરી શકે છે, ઘણી સારી રીતે, બહુ ઝડપથી ટ્રાન્સલેશન કરી શકે છે, સોશિયલ મીડિયા પર કયા સમયે કયા પ્રકારની પોસ્ટ મૂકવાથી વધુ સારો રિસ્પોન્સ મળશે એ પણ નક્કી કરી શકે છે. હેલ્થ સેક્ટરમાં, ડોક્ટરના અનુભવ ને વ્યક્તિગત કુશળતાને ડેટા-ડ્રીવન  એઆઇ એવી હંફાવી રહી છે કે રોગનું સચોટ નિદાન ડોક્ટરની પહેલાં મશીન કરવા લાગ્યાં છે.

આપણે સૌ માટે ચિંતાનાં કારણો તો છે!

    Sports

    RECENT NEWS