AI Costs Hit Tech Giants: જેને દુનિયાનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચલાવવાનો ખર્ચ હવે ટેક જાયન્ટ્સને ભારે પડી રહ્યો છે. AI ક્રાંતિની મશાલ લઈને આગળ વધી રહેલી કંપની ‘માઇક્રોસોફ્ટ’ પોતાના કર્મચારીઓ દ્વારા મનફાવે તેવા AI વપરાશના કારણે કરોડો રૂપિયાના વધી ગયેલા બિલથી પરેશાન થઈ ગઈ છે. ખર્ચને તાત્કાલિક કાબૂમાં લેવા માટે માઇક્રોસોફ્ટે એક મોટો આંચકો આપતા પોતાના જ એન્જિનિયરો પાસેથી એક અત્યંત શક્તિશાળી AI ટૂલ પાછું છીનવી લીધું છે.
શું છે સમગ્ર મામલો?
વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે હાલમાં AI મોડેલ્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેની સાથે સંકળાયેલો ઓપરેશનલ ખર્ચ (કમ્પ્યુટિંગ કોસ્ટ) હવે અતિશય મોટો પડકાર બનીને સામે આવ્યો છે. તાજેતરમાં યુએસ સ્થિત અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે તેના કર્મચારીઓ અને ડેવલપર્સ વચ્ચે લોકપ્રિય એવા 'એન્થ્રોપિક ક્લાઉડ કોડ' (Anthropic's Claude Code)ની એક્સેસ પાછી ખેંચવાનું શરૂ કરી દીધું છે. કંપની હવે પોતાના એન્જિનિયરોને વૈકલ્પિક રીતે GitHub Copilot CLI તરફ રીડાયરેક્ટ કરી રહી છે, જેથી ક્લાઉડ કમ્પ્યુટિંગના સતત વધી રહેલા અઢળક ખર્ચને મર્યાદિત કરી શકાય.
હજારો કર્મચારીઓને આપ્યો હતો એક્સેસ, હવે લેવો પડ્યો યુ-ટર્ન
શરૂઆતમાં માઇક્રોસોફ્ટે તેના ડેવલપર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ અને ડિઝાઇનર્સ સહિત હજારો કર્મચારીઓને 'ક્લાઉડ કોડ'નો એક્સેસ આપ્યો હતો, જેનો હેતુ કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધારવાનો હતો. જોકે, એના અત્યંત ઝડપી અને અવિરત ઉપયોગથી કમ્પ્યુટિંગ ખર્ચમાં એટલો મોટો ઉછાળો આવ્યો કે કંપનીએ આખરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો.
વ્યાપારી ભાગીદારી અકબંધ રહેશે
આંતરિક એક્સેસ ઘટાડવા છતાં એન્થ્રોપિક સાથે માઇક્રોસોફ્ટની વ્યાપક વ્યાપારી ભાગીદારી અકબંધ છે. કંપની તેનો મલ્ટિબિલિયન ડોલરનો ફાઉન્ડ્રી કરાર જાળવી રાખશે, જેમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ અને Azure સેવાઓ દ્વારા વિવિધ ક્લાઉડ મોડેલ્સની એક્સેસ યથાવત રહેશે.
આ પણ વાંચો: નેટફિલક્સ પણ આપણને વ્યસની બનાવે છે- અદાલતમાં કેસ
Uberનું 2026 નું આખું બજેટ માત્ર 4 મહિનામાં સાફ!
માત્ર માઇક્રોસોફ્ટ જ નહીં, પણ વિશ્વની ઘણી મોટી ટેકનોલોજી કંપનીઓ હાલમાં જનરેટિવ AI ટૂલ્સના મોટા પાયે ઉપયોગ સાથે સંકળાયેલા અણધાર્યા ખર્ચનો સામનો કરી રહી છે. આ સંદર્ભમાં સૌથી ચોંકાવનારો ખુલાસો ઉબેર (Uber)ના ચીફ ટેક્નોલોજી ઓફિસર પ્રવીણ નેપ્પલી નાગાએ કર્યો હતો. તેમણે અહેવાલ આપ્યો કે કર્મચારીઓ દ્વારા ભારે અને સતત ઉપયોગને કારણે ઉબેરે વર્ષના પ્રથમ 4 મહિનામાં જ AI કોડિંગ ટૂલ્સ માટે ફાળવેલું પોતાનું 2026નું આખું બજેટ વાપરી નાખ્યું હતું.
કેમ આટલો મોટો ખર્ચ થાય છે?
વધતા ખર્ચનું મુખ્ય કારણ મોટા ભાષા મોડેલો (LLMs) દ્વારા ઉપયોગમાં લેવાતું 'ટોકન-આધારિત પ્રાઇસિંગ સ્ટ્રક્ચર' (Token-based Pricing) છે. અહીં કંપનીઓએ AI સિસ્ટમ્સ દ્વારા પ્રોસેસ અને જનરેટ કરવામાં આવતા ટેક્સ્ટ કે કોડના પ્રત્યેક શબ્દ કે કેરેક્ટર (ટોકન)ના આધારે મોટી રકમ ચૂકવવી પડે છે. એન્જિનિયરો જ્યારે હજારો લાઇનનો કોડ રિપેર કે જનરેટ કરવા AIનો ઉપયોગ કરે છે ત્યારે ક્લાઉડ કમ્પ્યુટિંગનું મીટર ખૂબ ઝડપથી ફરે છે.
વર્ષ 2030 સુધીમાં ખર્ચ વધવાનો વૈશ્વિક અંદાજ
- ગોલ્ડમેન સૅક્સ (Goldman Sachs)નો અંદાજ: વૈશ્વિક નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સૅક્સના અંદાજ મુજબ, વ્યવસાયો જેમ-જેમ તેમની સમગ્ર કામગીરીમાં એજન્ટિક AI સિસ્ટમ્સ (Agentic AI Systems) તહેનાત કરશે, તેમ-તેમ વર્ષ 2030 સુધીમાં ટોકન વપરાશમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે.
- ગાર્ટનર (Gartner)નું સંશોધન: પ્રખ્યાત સંશોધન કંપની ગાર્ટનરના અહેવાલમાં જણાવાયું છે કે, સમય જતાં અદ્યતન AI મોડેલો ચલાવવાનો યુનિટ કોસ્ટ ભલે ઘટી જાય, પરંતુ એન્ટરપ્રાઇઝનો કુલ ખર્ચ હજુ પણ ઉપર જશે. કારણ કે, નવી એજન્ટિક સિસ્ટમ્સને દરેક ટાસ્ક પૂર્ણ કરવા માટે પ્રતિ કાર્ય ટોકન વપરાશમાં નોંધપાત્ર વધારો કરવો પડે છે.
આ પણ વાંચો: જૂનું લેપટોપ લેવાનું વિચારો છો ?
ઉદ્યોગ જગતમાં માળખાકીય ફેરફારો અને છટણીની શરૂઆત
AI ક્રાંતિ પાછળ થઈ રહેલા આ અણધાર્યા આંધળા ખર્ચના કારણે આઈટી ઇન્ડસ્ટ્રીમાં રીસ્ટ્રક્ચરિંગનો દોર શરૂ થયો છે. આ મહિનાની શરૂઆતમાં જ મેટા પ્લેટફોર્મ્સ (Meta), ઓરેકલ (Oracle) અને ક્લાઉડફ્લેર (Cloudflare) સહિતની ઘણી અગ્રણી ટેકનોલોજી કંપનીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફના તેમના લાંબા ગાળાના પરિવર્તનને મેનેજ કરવા અને નાણાકીય સંતુલન જાળવવાના ભાગરૂપે મોટા પાયે નોકરીઓમાં કાપ મૂકવાની અને પુનર્ગઠનના પગલાં લેવાની જાહેરાત કરી છે.
આવી ઘટના સાબિત કરે છે કે AI જેટલું શક્તિશાળી છે, એટલું જ મોંઘું પણ છે. માઇક્રોસોફ્ટ જેવી ટ્રિલિયન-ડોલર કંપનીએ પણ પોતાના કર્મચારીઓના હાથ ખેંચવા પડ્યા તે દર્શાવે છે કે આગામી સમયમાં ટેક કંપનીઓએ AI ફર્સ્ટ બનવા માટે પોતાના નાણાકીય મોડેલમાં બહુ મોટા ફેરફારો કરવા પડશે.


