Get The App

નેટફિલક્સ પણ આપણને વ્યસની બનાવે છે- અદાલતમાં કેસ

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
નેટફિલક્સ પણ આપણને વ્યસની બનાવે છે- અદાલતમાં કેસ 1 - image

આપણા સૌનો આ અનુભવ છે આપણે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ જેવી એપ ઓપન કરીએ ત્યારે ‘બે ઘડી રિલેક્સ’ થવા માટે આ એપ્સમાં સ્ક્રોલિંગ કરીશું એવો વિચાર હોય. પછી સ્ક્રીન પર આંગળી લસરાવતાં લસરાવતાં ક્યારે કલાકો વીતી જાય એની ખબર ન પડે. કેઝ્યુઅલ સ્ક્રોલિંગથી શરૂ થયેલી વાત હવે ઘેરા વ્યસનમાં ફેરવાઈ ગઈ છે.

સોશિયલ મીડિયા અને વીડિયો સાઇટ્સનું આવું વ્યસન હવે કોઈ નવી વાત નથી. પરંતુ હવે નેટફ્લિક્સ જેવા ’ઓવર ધ ટોપ’ (ઓટીટી) પ્લેટફોર્મ્સ સામે પણ તે આપણને વ્યસની બનાવી રહ્યા હોવાના આક્ષેપો થવા લાગ્યા છે.  આવો આક્ષેપ કોઈ એકલદોકલ વ્યક્તિ નહીં પરંતુ આખે આખા સ્ટેટ કરવા લાગ્યાં છે.

અમેરિકાના ટેકસાસ સ્ટેટે આ મુદ્દે નેટફ્લિક્સ કંપની સામે અદાલતમાં એક કેસ દાખલ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે નેટફ્લિક્સ તેના યૂઝર્સની જાસૂસી કરે છે, તેમની મંજૂરી વિના તેમનો ડેટા કલેક્ટ કરે છે અને તેની એપ્સમાં ખાસ કરીને બાળકોને નેટફ્લિક્સ જોવાનું વ્યસન થઈ જાય એવી ડાર્ક પેટર્ન્સનો ઉપયોગ કરે છે. અદાલતમાં પહોંચેલા આ કેસમાં ફરિયાદી પક્ષની દલીલ બહુ સ્પષ્ટ છે - ‘‘તમે જ્યારે નેટફ્લિક્સ જોઈ રહ્યા હો ત્યારે નેટફ્લિક્સ પણ તમને જુએ છે.’’

જે રીતે સોશિયલ મીડિયા સાઇટ્સ કે યુટ્યૂબ પર આપણે કોઈ રીલ કે વીડિયો જોઇએ કે પછી આપણને રસ પડે તેવું બીજું કન્ટેન્ટ કે વીડિયો સજેસ્ટ કરવામાં આવે છે, એવું જ સ્ટ્રીમિંગ એપ્સમાં થાય છે. વિવિધ મૂવી કે ટીવી શો આધારિત સ્ટ્રીમિંગ એપ્સમાં આપણે કોઈ એક પ્રકારનો શો કે મૂવી જોઇએ ત્યારે તેને સંબંધિત અન્ય પ્રકારનું કન્ટેન્ટ બતાવવામાં આવે છે. આમ જુઓ તો આ બહુ સામાન્ય પ્રથા છે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર પણ આવું જ થતું હોય છે. આપણે કોઈ પ્રોડક્ટ ખરીદીએ કે ફક્ત જોઇએ ત્યારે તેને સંબંધિત અન્ય પ્રોડક્ટ પણ બતાવવામાં આવે છે. એક રીતે આ બધું આપણે માટે ફાયદાકારક પણ છે. આપણે વધુ ખાખાંખોળાં કરવાં પડતાં નથી, પરંતુ વાત વ્યસન સુધી પહોંચે તો જોખમી બને.