AI બન્યું ટાઈમ મશીન! સોશિયલ મીડિયા પર 1980s ફેશનનો જબરદસ્ત ક્રેઝ, નેતાઓ અને સેલિબ્રિટીના વિન્ટેજ ફોટા વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

What would I look like in the 80s: જો અચાનક તમને કોઈ એવો ફોટો જોવા મળે જેમાં આજની વ્યક્તિ 1980ના દાયકાની ફિલ્મના હીરો-હીરોઈન જેવી દેખાતી હોય, તો ચોંકવાની જરૂર નથી. એ કોઈ જૂનો ફોટો નથી, પરંતુ AIની કમાલ છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ‘What would I look like in the 80s?’ નામનો AI ફોટો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. લોકો પોતાની હાલની તસવીર AI ટૂલમાં અપલોડ કરીને પોતાને 1980ના દાયકાના હેરસ્ટાઇલ, કપડાં, જ્વેલરી, બેકગ્રાઉન્ડ અને જૂના ફિલ્મ કેમેરાની સ્ટાઇલમાં જોઈ રહ્યા છે. ચાલો જાણીએ કે વિન્ટેજ ફેશનવાળા ફોટા બનાવવાનો આ ટ્રેન્ડ ક્યાંથી શરૂ થયો અને કઈ કઈ સેલિબ્રિટીઓએ એનો લાભ લીધો.
ક્યાંથી શરૂ થયો આ ટ્રેન્ડ?
આ ટ્રેન્ડની ચોક્કસ શરૂઆત ક્યાંથી થઈ તે અંગે કોઈ સ્પષ્ટ પુરાવો નથી. એક ટ્રેન્ડ-ટ્રેકિંગ સ્રોત મુજબ તેની શરૂઆત ઑગસ્ટ 2026ના અંતમાં એક Instagram Reelથી થઈ હતી અને લગભગ એક અઠવાડિયા સુધી મર્યાદિત રહ્યા પછી 6 સપ્ટેમ્બર આસપાસ તે ઝડપથી વાઈરલ થયો. ભારતની જ વાત કરીએ તો Promptgallery.ig નામના એક ઈન્સ્ટાગ્રામ પેજ પર દક્ષિણ ભારતના અભિનેતા અને અભિનેત્રીઓના 1980 ના દાયકાના કોલેજ ડ્રામા લુકવાળા ફોટા બનાવીને મૂકવામાં આવ્યા, જે લોકોને ખૂબ પસંદ આવ્યા. એ પછી સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના આવા ફોટા બનાવીને શેર કરવા લાગ્યા અને આ ટ્રેન્ડ વધુ લોકપ્રિય થયો.
એકદમ સરળ પ્રોમ્પ્ટને લીધે ટ્રેન્ડને ઝડપથી લોકપ્રિયતા મળી
સામાન્ય રીતે થાય એવું કે તમારે કોઈ ચોક્કસ પ્રકારનો ફોટો જોઈતો હોય તો AI ટૂલને ખૂબ વિગતવાર માહિતી આપવી પડે, જેને પ્રોમ્પ્ટ કહેવાય છે. હાલ વાઈરલ થયેલા આ ટ્રેન્ડમાં ફક્ત એક વાક્ય લખવાથી કામ થઈ જાય છે. યુઝર્સે AI માં પોતાનો ફોટો અપલોડ કરીને નીચે મુજબનું વાક્ય લખવાનું. What would I look like in the 80s? એટલે કે ‘1980ના દાયકામાં હું કેવો દેખાતો હોઈશ?’ બસ, પછી AI ટૂલ પોતાની કલ્પનાના ઘોડા દોડાવીને તમને સરસ મજાનો ફોટો બનાવી આપે છે.
વિશેષ રિઝલ્ટ માટે વિશેષ સૂચના આપી શકાય
જો તમારે ફોટાને અમુક પ્રકારની વિશેષ ટ્રીટમેન્ટ આપવી હોય (જેમ કે, ફોટો સહેજ ઘસાઈ ગયેલો હોય એવો જૂનો લાગે એવો) તો એ સૂચના ઉપરના વાક્ય સાથે અલગથી લખી દેવાની. એ જ રીતે ‘કલર ટોન’ કે પછી ‘બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો’ વગેરે પણ મરજી મુજબના રાખી શકાય છે. તમે આવું કંઈક લખો ‘જો આ તસવીર 1985માં ખેંચાઈ હોત તો કેવી દેખાત?’ તો AI એ વર્ષનો આંકડો પણ ફોટા પર લખી આપશે. વાળની સ્ટાઇલ, કપડાં, મેકઅપ, ચશ્માં, જ્વેલરી, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અને ફોટોગ્રાફીની ટેકનિક વગેરે બાબતે પણ સ્પષ્ટ સૂચનો આપીને જોઈતું પરિણામ મેળવી શકાય છે.
ભારતમાં કઈ કઈ સેલિબ્રિટીઓએ આ ટ્રેન્ડ અપનાવ્યો?
- ભારતમાં આ ટ્રેન્ડે ફિલ્મ અને ટીવી સેલિબ્રિટીઓમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 80ના દાયકાના બોલિવૂડ કપલ જેવા દેખાતા AI-generated ફોટો શેર કર્યા, જેને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મળ્યો. તમન્ના ભાટિયા અને લિસા રેનો ફોટો પણ વાઈરલ થયો છે.
- દક્ષિણ ભારતની સેલિબ્રિટીઓમાં સામંથા રૂથ પ્રભુ, ત્રિશા અને સાઈ પલ્લવીના 80s-style AI ફોટા વાઈરલ થયા છે.
- રાજકારણીઓ પણ પાછળ રહ્યા નથી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોતાનો 80s AI લુક શેર કરીને ‘Vibing to the 80s trend’ લખ્યું હતું. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, શેહઝાદ પૂનાવાલા, દક્ષિણ ભારતના રમેશ ચન્નિથલા અને એ.એ. રહીમ સહિતના રાજકીય નેતાઓએ પણ આ ટ્રેન્ડમાં ભાગ લીધો છે.
- શ્રીલંકાના ક્રિકેટર લસિથ મલિંગા અને કવિ કુમાર વિશ્વાસએ પણ પોતાના વિન્ટેજ ફોટા શેર કર્યા છે.
દુનિયાના અન્ય દેશોમાં પણ ક્રેઝ જામ્યો
- બ્રાઝિલમાં આ ટ્રેન્ડે જોરદાર લોકપ્રિયતા મેળવી છે. ત્યાં અનેક જાણીતી હસ્તીઓએ 80s-style AI તસવીરો શેર કરી છે. બ્રાઝિલમાં ટ્રેન્ડ એટલો લોકપ્રિય થયો કે એક જ સપ્તાહમાં તેના ઉપયોગમાં 5,000%નો વધારો નોંધાયો.
- બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ આ ટ્રેન્ડ લોકપ્રિય થયો છે.
કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ ટ્રેન્ડ?
આ ટ્રેન્ડનું મુખ્ય કેન્દ્ર Instagram છે. ખાસ કરીને Instagram Storiesમાં Add Yours સ્ટિકરે લોકોને પોતાની 80s તસવીરો બનાવવા અને અન્ય લોકોને ચેલેન્જમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ત્યારબાદ તસવીરો Instagram Feed પર પણ શેર થવા લાગી. એ પછી ટ્રેન્ડ TikTok અને Facebook સુધી પહોંચ્યો છે. X પર પણ આ ટ્રેન્ડની તસવીરો અને prompts શેર થઈ રહ્યા છે.
આટલો વાઈરલ કેમ થયો?
આ ટ્રેન્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં nostalgia + AI + self-image ત્રણેયનું મિશ્રણ છે. લોકોને એ જોવામાં મજા આવી રહી છે કે તેઓ અથવા તેમના મિત્રો, પાર્ટનર, માતા-પિતા કે પરિવારના સભ્યો 40 વર્ષ પહેલાં કેવા દેખાતા હોત. ભારતીય સ્ત્રીઓ 80ના દાયકાના હાઈ-વેસ્ટ એસિડ-વોશ જીન્સ, પ્રિન્ટેડ અને પોલ્કા ડોટ શર્ટ, મોટી સાઈઝની બુટ્ટીઓ અને જાડા-વાંકડિયા વાળ (Voluminous hair)માં એકદમ અલગ જ પ્રકારની ‘બ્યુટી’ લાગે છે. તો પુરુષો પણ બેલ-બોટમ પેન્ટ, ખુલ્લા બટનવાળા શર્ટ અને વિન્ટેજ સનગ્લાસીસમાં સોહામણા લાગે છે. ચાલીસ વર્ષ જૂની ફેશન સાથે લોકો લાગણીસભર જોડાણ અનુભવી રહ્યા છે. અને સૌથી મહત્ત્વની વાત એ કે આ ટ્રેન્ડને ફોલો કરવા માટે કોઈ ફોટોશોપ જ્ઞાનની જરૂર નથી. એક સામાન્ય ફોટો અપલોડ કરીને માત્ર ‘What would I look like in the 80s?’ લખવાથી પણ કામ થઈ જાય છે.
80sથી આગળ પણ જઈ શકાય!
આ ટ્રેન્ડ ફક્ત 1980ના દાયકા પૂરતો સીમિત નથી. AI ઇમેજ ટેક્નોલોજીથી કોઈ વ્યક્તિને 1950s, 1960s, 1970s, 1990s કે 1920sના લુકમાં પણ કલ્પી શકાય છે. એટલે આ ટ્રેન્ડનો મૂળ વિચાર માત્ર ‘80s’ નથી, પરંતુ ‘જો હું બીજા કોઈ જમાનામાં જીવતો હોત તો કેવો દેખાત?’ એવો છે, જેને લીધે એ સોશિયલ મીડિયા યુઝર્સમાં ખૂબ લોકપ્રિય થયો છે.




