ઓનલાઇન ફ્રોડનો સામનો કરવાની નવતર રીત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દુનિયાભરના ઠગ આપણને ફોન કોલ કરી, વાતમાં પરોવીને શિકાર બનાવે છે ત્યારે…
અરે કિશોરભાઈ, આપને મુજે પહેચાના? પીછલી દિવાલી મેં આપ કે ઘર કલર કરને આયા થા… આપ કી થોડી મદદ કી જરુરત હૈ… મેરા બેટા હોસ્પિટલ મેં હૈ ઔર …’’, ‘‘સર, આપકી કાર કા ઇન્સ્યોરન્સ ડ્યૂ હૈ, મૈં નયા ક્વોટેશન ભેજતી હું…’’ ,‘‘મેડમ, હમારે લકી ડ્રો મેં આપ કા નામ સિલેક્ટ હુઆ હૈ, આપકો આઇફોન મિલ સકતા હૈ…’’
હવે આપણે સૌ આવા ફોનકોલ્સથી કંટાળી ગયા છીએ. ખરી તકલીફ એ છે કે આ બધા મેસેજિસમાં આપણે માટે ખરેખર કામના કે પછી તદ્દન નકામા અને આપણને સાણસામાં લેવાનો પ્રયાસ કરતા કોલ્સની જબરી ભેળસેળ થઈ ગઈ છે. કોનો વિશ્વાસ કરવો એ નક્કી જ ન થઈ શકે!
એટલું આશ્વાસન ખરું કે હવે આપણા દેશમાં ૧૬૦૦ નંબરથી શરૂ થતા સીરિઝવાળા ફોન નંબર પરથી કોલ આવ્યો હોય તો આપણે એટલું માની શકીએ કે આપણું જેમાં એમાં એકાઉન્ટ છે એ બેંક કે અન્ય કોઈ ફાયનાન્સિયલ સર્વિસમાંથી કોલ છે.
બેંક તથા આવી સંસ્થાઓ માટે આપણા એકાઉન્ટ સંબંધિત માહિતી માટે ચોક્કસ સીરિઝના નંબરનો ઉપયોગ ફરજિયાત છે. આ સીરિઝનો નંબર અન્ય કોઈને મળી શકતો નથી. જોકે બેંક અને અન્ય સંસ્થાઓ પણ સર્વિસ સંબંધિત માહિતી તથા પ્રમોશનલ મેસેજની ભેળસેળ કરવા લાગી છે.
આવી નિશ્ચિત સીરિઝવાળા નંબર પરથી આવતા કોલ પ્રમોશનલ હોય તો પણ એ આપણે માટે જોખમી હોતા નથી.
બીજી બાજુ તદ્દન અજાણ્યા નંબર પરથી અને આપણી સાથે કોઈને કોઈ રીતે ફ્રોડ કરવાના હેતુથી કરવામાં આવતા સ્પામ કોલ્સનું પ્રમાણ બેહદ વધી ગયું છે. મોબાઇલ કંપનીઓ હવે નવી ટેક્નોલોજી લાવીને આપણે પહેલેથી ચેતવે છે કે આ સ્પામ કોલ છે કે સંભવિત ફ્રોડને લગતો કોલ છે, ઉપાડશો નહીં! આપણે આવા કોલ કાપી નાખીએ એટલે એ કોલ કરનાર ઠગ તરત બીજો કોઈ નંબર ડાયલ કરીને તેને સાણસામાં લેવાનો પ્રયાસ કરે.
કેટલાક લોકો આવા કોલથી કંટાળવાને બદલે તેમાંથી બેઘડી આનંદ લઈ લેવાનો પ્રયાસ કરતા હોય છે. તમે પણ ક્યારેક એવું કર્યું હશે. કોઈ અજાણ્યા નંબર પરથી તમને કોલ આવે, તમે સમજી જાવ કે આ કોઈ ઠગ ટોળકીનો કોલ છે. તો ફોન તરત કટ કરવાને બદલે તમે એની સાથે વાતોએ વળગો! જેમ કે, કોઈ ફોન કરીને કહે કે ‘‘પીછલી દિવાલી પે આપ કે ઘર કલર કરને આયા થા…’’ તો તમને ખબર હોય જ કે ગઈ દિવાળીએ તમે ઘરમાં કલર કરાવ્યો નહોતો. પેલો રીતસર ધાપું મારી રહ્યો છે. પરંતુ તમે એની સાથે હા માં હા મેળવો! તમે એની પાસેથી વધુ વાત કઢાવવાની કોશિશ કરો.
વાત ખરેખર જોખમી વળાંક લે ત્યારે તો તમે ફોન કટ કરી નાખવા તૈયાર હો પરંતુ ત્યાં સુધી તમે પણ ગપગોળા હાંકો.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક પ્રોફેસરે પણ આવી મજાકનો એક વાર આનંદ લીધો. એટલું જ નહીં, આવી મજાકમાંથી એમને જબરા બિઝનેસનો આઇડિયા સૂઝ્યો - જાણો વધુ!
સ્કેમ્સ્ટરને વાતમાં પરોવીને તેમનો સમય વેડફો!
તમારો અનુભવ હશે જ કે હવે આપણા પર બિઝનેસ કોલ કે સ્પામ કોલ કરનારા લોકો વીક ડેઝ કે વીકએન્ડનો કોઈ ભેદ રાખતા નથી. શનિવારે કે રવિવારે બપોરે પણ આપણને ક્રેડિટ કાર્ડ વેચવા કે ઇનામમાં આઇફોન આપવા માટે કોલ કરતાં કોઈ ખચકાતું નથી.
ઓસ્ટ્રેલિયાના ડાલી કાફર નામના એક પ્રોફેસરને પણ એક શનિવારે બપોરે આવો કોલ આવ્યો. પ્રોફેસર એમની પત્ની અને બે બાળકો સાથે સિડની સિટીના એક બગીચામાં પિકનિકની મજા માણી રહ્યા હતા.
સરસ કૂણો તડકો હતો… સૌ ફેમિલી ટાઇમ માણી રહ્યા હતા, ત્યાં પ્રોફેસરનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર દેખાતા નંબર પરથી પ્રોફેસરને અંદાજ આવી ગયો કે એ સ્કેમ કોલ હતો. પ્રોફેસર પોતે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે, એટલે એમણે આવા કોલને અવગણ્યો જ હોત. પરંતુ એ દિવસે તેઓ પોતે હળવા મૂડમાં હતા એટલે પેલા સ્કેમ કોલ કરનાર સાથે મસ્તી કરવાનું સૂઝ્યું.
તેમણે ફોન ઉપાડ્યો.
પ્રોફેસર કહે છે કે તેમનાં બાળકો પાસે જ હતાં. એમને કંઈક અનુભવ મળે ને કંઈ નવું શીખવા મળે એ હેતુથી તેમણે ફોન પર પેલા સ્કેમ્સટર સાથે વાત કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે પોતે પેલા સ્કેમ્સટરની કોઈ વાત સમજતા નથી એવો ડોળ કર્યો.
પછી તેને ખોટી માહિતી આપવાનું શરૂ કર્યું.
પેલો સ્કેમ્સટર્સ એમને એવું કહેતો હતો કે પ્રોફેસરના કમ્પ્યૂટરમાં કંઈક ગરબડ છે. તેને ઠીક કરવા માટે એ લોકોને કમ્પ્યૂટરની રિમોટ એક્સેસની જરૂર છે. દેખીતું છે કે જો આવી રિમોટ એક્સેસ આપવામાં આવે તો પછી સ્કમસ્ટર્સ પ્રોફેસરના કમ્પ્યૂટરમાં ધારે તે કરી શકે.
પ્રોફેસર તો બગીચામાં પિકનિક માણી રહ્યા હતા એટલે તેઓ ઇચ્છે તો પણ કમ્પ્યૂટરની એક્સેસ આપી શકે તેમ નહોતા. પણ પ્રોફેસર એ દિવસે કંઈક જુદા મૂડમાં હતા એટલે તેમણે પેલા સ્કેમ્સટર સાથે પૂરી ૪૪ મિનિટ સુધી ગપગોળા હાંક્યા!
પ્રોફેસરનાં બાળકોને આ વાતચીત સાંભળીને મજા પડી ગઈ. પરંતુ તેમનાં પત્ની બગડ્યાં. તેમણે કહ્યું કે પ્રોફેસરે પિકનિક આખી મજા બગાડી નાખી. પ્રોફેસરે તેમની જિંદગીની ૪૪ મિનિટ વેડફી નાખી. એ સમય ફરી પાછો ક્યારેય નહીં મળે.
જોકે પત્નીના આ જ શબ્દોમાં પ્રોફેસરને એક નવો આઇડિયા દેખાયો.
પ્રોફેસરને ઝબકારો થયો!
પ્રોફેસર બીજા દિવસે પોતાની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમણે અન્ય પીએચડી સ્ટુડન્ટ, એઆઇ સિક્યોરિટી એક્સપર્ટ તથા નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગનો અભ્યાસ કરતા લોકોને એકઠા કર્યા.
પ્રોફેસરે પેલા સ્કેમ્સટર સાથેની તેમની ૪૪ મિનિટની વાતચીત અને તેના પરથી તેમને આવેલો આઇડિયા સૌ સાથે શેર કર્યો. પ્રોફેસરે એ પણ કહ્યું કે તેમની પત્નીએ અકળાઈને કહ્યું હતું કે પેલા સ્કેમ્સટર સાથે વાતચીત કરીને પ્રોફેસરે ૪૪ મિનિટ વેડફી નાખી.
પ્રોફેસરે કહ્યું કે તેમનો આઇડિયા એક્ઝેટલી એ જ છે - લોકોનો સમય વેડફી નાખવો. પરંતુ પોતાનો કે સરેરાશ નાગરિકોનો નહીં, અન્ય લોકોને ફ્રોડનો ભોગ બનાવવા માગતા લોકોનો સમય વેડફી નાખવો!
સ્કેમ્સ્ટરને જ સાણસામાં લો
પ્રોફેસરનું કહેવું હતું કે આજના સમયમાં ઓનલાઇન ફ્રોડ એક જબરજસ્ત મોટો બિઝનેસ બની ગયો છે. દુનિયાભરમાં પથરાયેલા ગુનેગારો કોઈને કોઈ રીતે અન્ય સરેરાશ લોકોની માહિતી મેળવે છે. કરોડો યૂઝર્સ ધરાવતી વિવિધ ઓનલાઇન સર્વિસ બેંક વગેરેનો ડેટા અવારનવાર ચોરાતો રહે છે એટલે ગુનેગારોને લોકોની વધુ ને વધુ માહિતી મળતી જાય છે. તેનો ઉપયોગ કરીને તેઓ સામાન્ય લોકોને ફોન કરે છે અને તેમની જ માહિતી તેમને જણાવીને વિશ્વાસ જીતવાની કોશિશ કરે છે.
ડિજિટલ એરેસ્ટ જેવા કિસ્સામાં જાતભાતના નકલી દસ્તાવેજો પુરાવા ઊભા કરવામાં આવે છે અને ફોન પર વાતચીત કરતી વખતે સામ, દામ, દંડ, ભેદ જેવા બધા રસ્તા અપનાવવામાં આવે છે.
પ્રોફેસરનું કહેવું હતું કે ગુનેગારો સરેરાશ નાગરિકોને શિકાર બનાવવા માટે ફોન કોલ કરે ત્યારે આવા કોલને પારખીને કોલ બ્લોક કરી દેવામાં આવે કે નાગરિકોને એ કોલનો જવાબ ન આપવા માટે ચેતવવવામાં આવે એટલું પૂરતું નથી. ખરેખર તો લોકોને વાતચીતમાં પરોવીને સાણસામાં લેવાની ગુનેગારોની સામે જ હથિયાર બનાવવી જોઈએ.
જાણી જોઇને, સમજી વિચારીને એ ગુનેગારોને વાતચીતમાં પરોવી રાખવામાં આવે તો તેમનો સમય વેડફાય અને સરેરાશ નાગરિક શિકાર બનતાં બચે.
પ્રોફેસરનું માનવું હતું કે દુનિયાભરના સ્કેમ્સટર્સનો આ રીતે સમય વેડફી શકાય તો દુનિયામાં ઓનલાઇન ફ્રોડનું પ્રમાણ ઘટાડી શકાય!
પ્રોફેસરે પોતાનો આઇડિયો અન્ય સ્ટુડન્ટ્સ અને નિષ્ણાતો સાથે શેર કર્યો. સૌને તેમની વાતમાં દમ લાગ્યો. એ સૌને એ પણ સમજાયું કે સ્કેમ્સટર્સને વાતચીતમાં પરોવી રાખવામાં આવે અને વાતનો દોર ચોક્કસ હેતુથી આગળ ધપાવવામાં આવે તો સ્કેમ્સટર્સ પાસેથી તેમની ટ્રિક્સ વિશે પણ ઘણી વધુ માહિતી મેળવી શકાય.
એઆઇની મદદ લીધી
દેખીતું છે કે પ્રોફેસર આ રીતે સ્કેમ્સટર્સનો સમય વેડફવા માટે એઆઇની મદદ લેવાનું નક્કી કર્યું. તેમનો આઇડિયા એ હતો કે જ્યારે કોઈ સ્કેમ્સટર્સ સરેરાશ નાગરિક સાથે ઓનલાઇન ફ્રોડ કરવાના હેતુથી ફોન કોલ કરે ત્યારે ફોનલાઇન સાથે કનેક્ટેડ એઆઇ સર્વિસ એ કોલ ફ્રોડ સંબંધિત હોવાનું જાણી લે (જે રીતે અત્યારે આપણી ફોન કંપની આપણને ચેતવે છે) અને તરત જ વાતચીતનો કંટ્રોલ પોતાના હાથમાં લઇ લે.
મતલબ કે સ્કેમ્સટર્સે કોઈ સીધા સાદા નાગરિકને કોલ કર્યો હોય પરંતુ તેની વાતચીત એઆઇ સાથે શરૂ થાય.
આ એઆઇને એવી રીતે ટ્રેઇન કરવામાં આવે કે તે પેલા સ્કેમ્સટરની વાતમાં તેને કંઈ ગતાગમ પડતી નથી એવો દેખાવ ઊભો કરે. સ્કેમ્સટર સાથે તે સાવ નિરર્થક વાતો કર્યા કરે પરંતુ એટલી સંભાળ રાખે કે સ્કેમ્સટરને તે પોતે શિકાર બની રહ્યો હોવાનો અણસાર ન આવે. આથી સ્કેમ્સટર એવી જ આશામાં રહે કે સામેની વ્યક્તિ ગમે ત્યારે સાણસામાં આવી જશે. આથી તે પણ વાતચીત ચાલુ રાખે!
આજે પ્રોફેસરનો એ આઇડિયા એ ફૂલફ્લેજ બિઝનેસમાં ફેરવાઈ ગયો છે. પ્રોફેસર અને તેમની ટીમે Apate.ai નામે એક કંપની ઊભી કરી છે. ગ્રીક માયથોલોજીમાં ‘આપેતી’ નામે એક દેવીનો ઉલ્લેખ છે જે ભ્રમ કે માયાજાળની દેવી ગણાય છે!
આજે એક સફળ બિઝનેસ
હવે પ્રોફેસર અને તેમની ટીમે રીતસર એઆઇ બોટ્સની આર્મી ડેવલપ કરી છે. વિવિધ બેંક, ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન તથા અન્ય બિઝનેસિસ પોતાના યૂઝર્સ, ક્લાયન્ટ્સ, કસ્ટમર્સ વગેરેને ફ્રોડથી બચાવવા માટે પ્રોફેસરની કંપનીની મદદ લે છે. પ્રોફેસરના ક્લાયન્ટ્સના વિશાળ ગ્રાહક વર્ગમાંથી કોઈના પર પણ ફ્રોડની શક્યતાવાળો કોલ આવે ત્યારે પ્રોફેસરના બોટ વાતચીતનો દોર પોતાના હાથમાં લઇ લે છે.
દેખીતું છે કે આવું કરતી વખતે સામાન્ય, સીધાસાદા કોલનો કંટ્રોલ એઆઇ પોતાના હાથમાં ન લઇ લે તેની પૂરતી કાળજી લેવામાં આવે છે. સામેના છેડે કોઈ સ્કેમ્સટર છે એવી ખાતરી થાય એ પછી પ્રોફેસરના એઆઇ બોટ્સ એ સ્કેમ્સટર પાસેથી વધુ ને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. આ માહિતી પ્રોફેસરની કંપનીના ક્લાયન્ટ્સ તથા સરકાર અને પોલીસ સંસ્થાઓને આપવામાં આવે છે. જેથી તેઓ ઓનલાઇન ફ્રોડનો સામનો કરવા માટેના ટૂલ્સ ડેવલપ કરી શકે.
પ્રોફેસર કહે છે કે તેમની કંપનીએ ડેવલપ કરેલા બોટ્સ કેટલાક કિસ્સામાં તો સ્કેમ્સટર સાથે બે-બે કલાક સુધી વાતોનાં વડાં કરવામાં સફળ રહ્યા છે. પ્રોફેસરનો જે મૂળ આઇડિયા હતો - ઓનલાઇન ફ્રોડ કરવા માગતા લોકોનો સમય વેડફવો - એ સફળ થઈ રહ્યો છે!




