ડિજિટલ પ્રોપર્ટીનો વેપાર પડી ભાંગ્યો : અમદાવાદમાં 30%થી વધુ IT પ્રોફેશનલ્સની નોકરી AI ખાઈ જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI impact on IT jobs: દાયકાઓ પહેલાં લોકો જમીન, મકાન અને દુકાનો જેવી મિલકતોમાં રોકાણ કરતા હતા અને સમય જતાં શેરબજાર તથા મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા હતા. વર્ષ 2000થી ઈન્ટરનેટનો ક્રેઝ વધતાં વેબસાઈટ અને એપ્લિકેશન જેવી ડિજિટલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની એક નવી બજાર ઊભી થઈ હતી, જેને ડિજિટલ રિઅલ એસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી તૈયાર કરતા આઈટી પ્રોફેશનલ્સની માંગ પણ આસમાને પહોંચી ગઈ હતી. પરંતુ, આ ડિજિટલ પ્રોપર્ટીના વેપારનો યુગ હવે માત્ર 25 વર્ષમાં જ આથમી રહ્યો છે.
સામાન્ય પ્રોમ્પ્ટથી બનતી વેબસાઈટ્સ અને આઈટી ક્ષેત્રે લેઓફની અસર
મહિનાઓની મહેનત અને માથાફોડી બાદ તૈયાર થતી વેબસાઈટ કે એપ્લિકેશન હવે સામાન્ય પ્રોમ્પ્ટથી એઆઈ દ્વારા ગણતરીની મિનિટોમાં અને નજીવા ખર્ચે બની જાય છે. જેના કારણે આઈટી પ્રોફેશનલ્સ પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. એક અંદાજ મુજબ અમદાવાદમાં આગામી સમયમાં 30 ટકાથી વધારે આઈટી પ્રોફેશનલ્સ નોકરી ગુમાવશે. એઆઈ ઓટોમેશનને લીધે ઓરેકલ, એમેઝોન, ડેલ, માઈક્રોસોફ્ટ જેવી વૈશ્વિક કંપનીઓ તેમજ વિપરો અને ટીસીએસ જેવી ભારતીય કંપનીઓમાં અત્યાર સુધી હજારો કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે અને આ લેઓફની લહેર હવે અમદાવાદ સુધી પહોંચી ગઈ છે.
જ્યાં અગાઉ 10 કોડર્સની ટીમ કામ કરતી હતી ત્યાં હવે 5-6 કોડર્સ એઆઈની મદદથી કામ પૂરું કરી લે છે અને 300 લોકોની ટીમની જગ્યાએ માંડ 200 લોકોની જરૂર પડે છે. કંપનીઓ હવે ડેવેલોપર, કોડર અને એન્જિનિયર જેવા એઆઈ બોટ બનાવીને તેમને કર્મચારીઓની જેમ જ રોજિંદી કામગીરી સોંપી રહી છે. અહેવાલો મુજબ અમદાવાદમાં 3700 આઈટી ફર્મ અને 1.25થી 1.50 લાખ આઈટી પ્રોફેશનલ્સ છે, ત્યારે એઆઈ આવ્યા બાદ આગામી દિવસોમાં આશરે 30 ટકા એટલે કે 45,000 કર્મચારીઓને છૂટા કરી દેવાય તેવી સંભાવના છે. આ સાથે જ મોટાભાગની આઈટી કંપનીઓમાં જુનિયર લેવલ પર નવી ભરતીઓ લગભગ બંધ કરી દેવાઈ હોવાથી અભ્યાસ પૂર્ણ કરનાર યુવાનો માટે નોકરી શોધવી મુશ્કેલ બની છે.
વિદેશી ક્લાઈન્ટ્સમાં ઘટાડો અને ડિજિટલ પ્રોપર્ટીથી થતી કમાણીનો અંત
વિદેશ કરતાં ભારતમાં વેબસાઈટ અને એપ્લિકેશન બનાવવાનો ખર્ચ ઓછો હોવાથી અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશો ભારતની આઈટી ફર્મ્સ પાસે કામ કરાવતા હતા. પરંતુ એઆઈ આવ્યા બાદ ફોરેન ક્લાઈન્ટ્સ પણ ઘટી ગયા છે. અગાઉ વેબ ડેવલપર્સ કલાકો સુધી કોડિંગ કરીને ગેમિંગ, સોસાયટી, આરોગ્ય અને શિક્ષણ વગેરેને લગતી વેબસાઈટો 25,000થી એક લાખ રૂપિયામાં અને ડેટા એનાલિટિક્સ ફીચરવાળી વેબસાઈટો 7થી 10 લાખ રૂપિયામાં વેચતા હતા. આ ઉપરાંત, ડોમેઈન ઈન્વેસ્ટર્સ અમુક કીવર્ડ સાથેના ડોમેઈન ખરીદીને રાખતા અને લોકપ્રિય થયા બાદ હરાજીમાં ઊંચા ભાવે વેચતા હતા. દાખલા તરીકે, ગુજરાત, અમદાવાદ કે ગુજ્જુ જેવા 5-7 અક્ષરના ડોમેઈનના ભાવ પણ 4થી 5 લાખ બોલાઈ રહ્યા હતા, જેનો ક્રેઝ હવે ઓસરી રહ્યો છે.
ડિજિટલ પ્રોપર્ટી એટલે શું?
- વેબસાઈટ: ભૌતિક દુકાનની જેમ જ જે-તે કંપની કે દુકાનની વેબસાઈટ તેનું ઓનલાઈન સરનામું છે અને વધુ ગ્રાહકો આવતી વેબસાઈટની બજારકિંમત ઊંચી બોલાય છે.
- ડોમેઈન: .com કે .in વગેરે જેવા વેબસાઈટના નામ ખરીદવા માટે રીતસરની હરાજી થાય છે.
- એપ્લિકેશન: હોસ્પિટલ, શાળા, કોલેજ, સરકારી સેવાઓ અને ખાનગી કંપનીઓના સંચાલન માટે બનતી એપ્સ પણ તેનો ભાગ છે.
- સોશિયલ મીડિયા એકાઉન્ટ: યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા એકાઉન્ટ્સ પર ડિજિટલ ઓડિયન્સ ઊભી કરીને તેની કિંમત નક્કી કરી વેચવામાં આવે છે.
કોની નોકરીઓ પર જોખમ અને આઈટી પ્રોફેશનલ્સનો નવો વ્યવસાયિક પ્રવાહ
- જોખમવાળા વ્યવસાયો: જુનિયર કોડર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ફીચર ફેક્ટરી ડેવલપર, વેબ ડેવલપર, બેઝિક ટેસ્ટ એન્જિનિયર અને વેબ ડિઝાઈનર.
- વૈકલ્પિક વ્યવસાયો: ખાણી-પીણીના સ્ટોલ કે કેફે, અન્ય ક્ષેત્રની ખાનગી કંપનીઓમાં નોકરી, કોસ્મેટિક્સનું માર્કેટિંગ, કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, ઓનલાઈન રિસેલિંગ, પરંપરાગત વ્યવસાય, સરકારી નોકરીની તૈયારી અને સ્ટાર્ટઅપ.




