1000 કિલો વજન ધરાવતું 'સીલ' ચર્ચામાં, ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની કહે છે કે હજુ 3 ગણું મોટું થશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

One-Ton Viral Celebrity Creates Chaos: સોશિયલ મીડિયાના આ યુગમાં માત્ર માણસો જ નહીં, પરંતુ વન્યજીવો પણ રાતોરાત ગ્લોબલ સેલિબ્રિટી બની જતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઑસ્ટ્રેલિયાના ટાપુ રાજ્ય તાસ્માનિયામાંથી સામે આવ્યો છે, જ્યાં ‘નીલ ધ સીલ’ નામના એક વિશાળકાય સધર્ન એલિફન્ટ સીલે પોતાના તોફાની અંદાજથી આખા દેશમાં ધમાલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર મિલિયન્સમાં ફેન ફોલોઇંગ ધરાવતો આ અનોખો જીવ તાસ્માનિયાના દરિયાકાંઠાના નગરોમાં લોકોની સુવિધા ખોરવવા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા માટે વાયરલ થયો છે.
5 વર્ષની ઉંમર અને 1000 કિલોગ્રામ વજન
વાઇલ્ડલાઇફ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નીલની ઉંમર હાલમાં આશરે 5 વર્ષની છે અને તેનું વજન 1000 કિલોગ્રામ સુધી પહોંચી ગયું છે. સમુદ્રમાં મહિનાઓ સુધી ખોરાક લીધા પછી, તે વર્ષમાં 2 વખત આરામ કરવા અને તેની જૂની ત્વચા તેમજ વાળ ઉતારવા માટે તાસ્માનિયાના રહેણાંક વિસ્તારોના બીચ પર આવી પહોંચે છે. કદમાં એક નાની કાર જેટલો મોટો હોવાના કારણે તે જ્યાં પણ બેસી જાય છે, ત્યાં આખું ટ્રાફિક તંત્ર ઠપ્પ થઈ જાય છે.
રસ્તા પર આડા પડવું અને સરકારી મિલકતો તોડવી એ એનો શોખ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર નીલના 14 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પણ તેના લાખો ચાહકો છે. તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેની તોફાની હરકતો છે. નીલ અવારનવાર રસ્તાની વચ્ચોવચ લાંબો થઈને સૂઈ જાય છે, જેના કારણે રસ્તાઓ બંધ કરવા પડે છે. તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં તે ફૂટપાથ પર લગાવેલા મજબૂત કોંક્રિટના બોલાર્ડ્સ (રસ્તાની બાજુના થાંભલા) તોડતો, ટ્રાફિક કોન સાથે રમતો, ઘરની ફેન્સ કચડી નાખતો અને પાર્ક કરેલી મોટી લેન્ડ ક્રુઝર ગાડીઓ સાથે અથડાઈને પોતાની તાકાતનું પ્રદર્શન કરતો જોવા મળ્યો છે.
રમવા માટે સાથી ન હોવાથી સિટીની વસ્તુઓ પર ગુસ્સો ઉતારે છે
એલિફન્ટ સીલના સંશોધકોના મતે, સામાન્ય રીતે આ સીલ દરિયાઈ ટાપુઓ પર મોટા જૂથમાં રહે છે, પરંતુ નીલ તાસ્માનિયામાં એકલો જ જન્મેલો હોવાથી તેની પાસે રમવા કે લડવા માટે કોઈ અન્ય સીલ નથી. આથી તે ‘ટીનએજ બોય’ જેવું વર્તન કરે છે અને કચરાપેટી, થાંભલા અને ગાડીઓને પોતાના સાથી સમજીને તેની સાથે ભટકાય છે.
સરકારે જાહેર કરી કડક વોર્નિંગ: સેલ્ફીના ચક્કરમાં આવી શકે છે મોત
નીલની આ પોપ્યુલરિટી હવે વન્યજીવ વિભાગ માટે માથાનો દુખાવો બની ગઈ છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફોટોઝ પડાવવા માટે પોતાના નાના બાળકોને પણ આ 1000 કિલોના હિંસક દરિયાઈ જીવની એકદમ નજીક લઈ જાય છે. વન્યજીવ નિષ્ણાત ડૉ. ક્રિસ કાર્લિયને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, "નીલ કોઈ પાલતુ પ્રાણી નથી, તે એક ખતરનાક શિકારી જીવ છે." વહીવટીતંત્રે લોકોને તેનાથી ઓછામાં ઓછું 20 મીટર દૂર રહેવા અને કૂતરાઓને 50 મીટર દૂર રાખવા આદેશ કર્યો છે. જો લોકો આવી જ રીતે નિયમો તોડતા રહેશે અને નીલ કોઈના પર હુમલો કરશે, તો છેલ્લો રસ્તો તેને ઈચ્છામૃત્યુ આપવાનો કે અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો રહેશે.
તાજેતરના અહેવાલો મુજબ, નીલ હાલ પૂરતો તેનો વાર્ષિક આરામ પૂરો કરીને સુરક્ષિત રીતે દરિયામાં પાછો ફરી ગયો છે, જેથી તાસ્માનિયાના ટ્રાફિક પોલીસે હાલતુરંત રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ તે આગામી સિઝનમાં વધુ વજન સાથે ફરી પાછો આવશે તે નક્કી છે.









