For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ-ભાવનગર હાઈવેના પૂલ, નાળાઓના કામ લાંબા સમયથી અધૂરા

Updated: Nov 15th, 2021

Article Content Image

- હાઈવે પહોળો કરવાની માંગ પ્રત્યે તંત્રવાહકોની ઉદાસીનતા 

- વિલંબમાં પડેલા પુલ અને નાળાઓથી પ્રાણઘાતક અકસ્માતને મળી રહેલું નિમંત્રણ 

ઉમરાળા : ઉમરાળા-ચોગઠ લીંક રોડ અને અમદાવાદ-ભાવનગર હાઈવે ચમારડી આગળ જોડાય છે ત્યાંથી વરતેજ નજીકના રેલવે ફાટક સુધીના અમદાવાદ-ભાવનગર સ્ટેટ હાઈવે પર નદીઓ અને વોંકળાઓ પરના પૂલો અને નાળાઓને નવા ઊંચા અને પહોળા બનાવવાની કામગીરી બહુ લાંબા સમયથી ચાલે છે.

સત્તાધીશો દ્વારા આ કામગીરી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં વચ્ચે બે ચોમાસાં વીતી ગયા હોવા છતાં આજની તારીખે પણ આ પુલ નાળાઓનું કામ હજુ પૂરૂં થયું નથી. આથી આ મહત્વના હાઈવે પરથી પસાર થતા અમદાવાદ-ભાવનગર અને તેની વચ્ચે આવતા તાલુકાઓના જ નહીં, આ હાઈવેનો ઉપયોગ કરતા દૂર-દૂરના વિસ્તારોના વાહન ચાલકો અને મુસાફરો પરેશાન થયા કરે છે. લાંબા સમયથી ચાલતા ઉપરોકત નાળાઓના કામો પૈકી જે કેટલાક નાળાના કામ પૂરાં થયાં છે ત્યાં નાળાના આર.સી.સી.અને બંને બાજુ ડામર રોડ વચ્ચેના સાંધાઓમાં લેવલીંગ કરવામાં આવ્યું ન હોવાથી એવા નવા નાળા પર અકસ્માતનો સતત ભય રહે છે અથવા વાહનના સ્પેરપાર્ટને ભારે નુકશાન થયા કરે છે. ગોકળ ગાયની ગતિથી ચાલતા આ પૂલ અને નાળાઓના કામમાં સાતત્ય અને ગતિ લાવવા અને સાંધાઓના લેવલીંગ સહિત હાઈવેને પહોળો બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-ભાવનગર હાઈવે પર ચમારડીથી વરતેજ ફાટક સુધીના લગભગ ૨૨ કિ.મી.ના અંતરમાં કાળુભાર અને રંઘોળી સહિતની મોટી-નાની નદીઓ તથા અનેક વોંકળાઓ પરના કોઝવે,બેઠા પૂલ,નાળાઓના સ્થાને ઊંચા અને પહોળા પૂલ, નાળાં બનાવવા માટે લગભગ બે વર્ષ અગાઉ કામ શરૂ કરવા આવ્યું હતું જે ખૂબ જ ધીમી ગતિએ અને વચ્ચે વચ્ચે અટકતું અટકતું ચાલતું હોય હજુ સુધી પૂરું થયું નથી. આથી જિલ્લાના આ મહત્વના હાઈવે પર વાહન ચાલકો અને મુસાફરો પરેશાન થયા કરે છે. 

Gujarat