For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જેતપુરમાં ત્રણ ભાઈ - બહેનોનાં રહસ્યમય તાવથી કરૂણ મોત

- 13 દિવસનાં ઘટનાક્રમથી દેવિપુજક પરિવાર પર વજ્રઘાત

Updated: Sep 13th, 2019

- એક બાદ એક  બિમાર પડેલા ત્રણેય ભાઈ- બહેનોની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ સારવાર કારગત નિવડી નહીં : આરોગ્ય વિભાગ બેખબર

જેતપુરમાં ત્રણ ભાઈ - બહેનોનાં રહસ્યમય તાવથી કરૂણ મોત

જેતપુર, તા.13 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

જેતપુર શહેરનો ગોંદરો વિસ્તાર કે જયાં માલધારીઓની વસાહત છે ત્યાં રહેતા એક દેવીપુજક પરીવારમાં છેલ્લા તેર દિવસમાં ત્રણ ભાઈ-બહેનોના રહસ્યમય તાવને કારણે મોત નિપજવા શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ સ્થાનીક આરોગ્ય વિભાગ આ બાબતે સાવ  બેખબર હોવાનું બહાર આવ્યું છે.

જેતપુર શહેરનાં ગોંદરા વિસ્તારમાં માલધારીઓની વસાહત આવેલ છે. આ વિસ્તાર ભાદર નદી કાંઠેનો વિસ્તાર છે. અહીં ઘણા દેવીપૂજક પરિવારો પણ રહે છે. જેમાં રહેતાં સોલંકી પરીવારના સુનીલ સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૧૮)નામનાં યુવાનને ગત તા. ૩૧.૮નાં રોજ તાવ ને આંચકી આવતા તેને શહેરની બે ખાનગી હોસ્પિટલે સારવાર માટે તેનો પરિવાર લઈ ગયેલા,પરંતુ સારવાર કારગત ન નિવડતા વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે લઈ ગયા હતાં. જયાં પણ સારવાર કારગત ન નિવડતા સરકારી હોસ્પિટલનાં ડોકટરોએ સુનિલને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જાવ તેવું કહેતા પરિવાર ખાનગી હોસ્પિટલે લઈ જતો હતો ત્યાં રસ્તામાં જ સુનિલનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. 


જે મોતને હજુ અઠવાડિયું થયું ત્યાં ઘરમાં રહેતા આ પરીવારમાં મૃતક સુનીલના કાકાની દીકરી કાજલ ચંદુભાઈ સોલંકી (ઉ.વ.૧૩)ને પણ સુનિલની જેમ જ તાવ આવ્યો અને તેને પણ સુનિલની જેમ જ પ્રથમ જેતપુર ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ રાજકોટ સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જતાં ત્યાં સારવાર દરમિયાન ગત રવિવારે તેણીનું મોત નીપજયું હતું.

આજે કાજલનો પાણીઢોળ હોય સોલંકી પરીવારના સગા સંબંધીઓ તેમના ઘરે આવેલા હતાં. પરંતુ કાજલથી મોટી બહેન કોમલને પણ ગત રાતે તાવ અને આંચકી આવતી હોય, તેને જેતપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં લઈ જતાં તેણીનું ત્યાં મોત નીપજયું હતું. આમ, નાની બેનનાં પાણી ઢોળના દિવસે મોટી બેનનું પણ તાવ અને આંચકીને કારણે મોત નિપજયું હતું. એક જ પરીવારના ત્રણ સંતાનોના મોત કયાં તાવથી થતાં તેનો રીપોર્ટ હજુ સુધી ત્રણેય મૃતકોની સારવાર કરનાર એક પણ ડોકટરે પરીવારને નથી આપ્યો. જેથી આરોગ્ય વિભાગના વડાને આ અંગે પુછતાં તેઓએ એક પરિવારનાં ત્રણ સંતાનોના મોતથી જ અજાણ હતા તો પછી તેઓને મોતનું કારણ તો કયાંથી ખબર હોય?

એક પરિવારમાં ત્રણ ભાઈ - બહેનોના મોત નિપજયા તે વિસ્તાર માલધારીઓનો વિસ્તાર છે. જેથી અહીં મોટાભાગે ઢોરના ગોબરના ઢગલાઓ જ જયાં ત્યાં જેમને તેમ પડયા રહે છે. ઉપરથી છેલ્લા પંદર દિવસતી સતત વરસાદ વરસતો હોય ચારે બાજુ ગંદકી  જ ગંદકી ફેલાઈ ગઈ છે. તેમાંય ભોગ બનનાર પરીવાર જયાં રહે છે ત્યાં થોડે બાજુમાં આવેલ વોકળા પાસે જ એક ગાયનું મોત નિપજેલ જે દસ દિવસ એમને એમ પડી રહેતા ત્યાં ભારે દુર્ગંધ આવતી અને જીવાણુંઓ ખદબદવા લાગતા આ ભાઈ બહેનોનો ભોગ ઢોરના જીવાણુંથી ફેલાતો કોંગો ફિવરે તો નથી લીધો ને તે એક તપાસનો વિષય બની  ગયો છે. 

Gujarat