For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઠાકોરજીની જાન પાળથી હેલિકોપ્ટરમાં લાપાસરી પહોંચી, ગામ યજમાન બન્યું

Updated: Nov 15th, 2021

Article Content Image

- રાજકોટ પાસેનાં ગામમાં ઉત્સાહ સાથે યોજાયા અનોખા તુલસી વિવાહ 

- 2500ની વસતી ધરાવતા ગામમાં ખાસ હેલિપેડ બનાવાયું, જાફરાબાદમાં પૂર્વ ધારાસભ્યએ કર્યો ચલણી નોટોનો વરસાદ 

રાજકોટ : આજે દેવઉઠી અગિયારનાં પાવન દિવસે અનેક શહેરો - ગામોમાં તૂલસી વિવાહનાં પ્રસંગો ભારે ઉત્સાહથી યોજાયા હતા ત્યારે રાજકોટ નજીક આવેલા પાળ ગામમાં  ઠાકોરજીની જાન હેલીકોપ્ટરમાં લાપાસરી પહોંચતા આ અનોખા તુલસી વિવાહના પ્રસંગે ગામ લોકોએ ભારે આકર્ષણ જગાવ્યુ હતુ. પાળ અને લાપાસરી બંને ગામનાં લોકો ભારે ઉમંગ સાથે ઠાકોરજીનાં  લગ્ન પ્રસંગમાં જોડાયા હતા. 

રાજકોટ નજીક લોધિકા તાલુકાનાં પાળ ગામમાં આજે સવારથી લોકોમાં ભારે ઉત્સાહ હતો. ગામનાં મંદિરનાં ઠાકોરજીની જાનને હેલીકોપ્ટરમાં લઈ જવાનું સ્થાનિક આગેવાનોએ કર્યુ હતુ. ગામ નજીકનાં એક ખેતરમાં ખાસ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યુ હતુ.માત્ર રપ૦૦ ની વસતી ધરાવતા આ ગામમાં  બપોરે બે વાગ્યે ખાનગી હેલીકોપ્ટરનું ઉતરાણ કરવામાં આવ્યુ હતુ અને બપોરે ૪ વાગ્યે ઠાકોરજીની શાલીગ્રામની મૂૅતિ સાથે પાંચેક  લોકો  સાથે જાન હર્ષોલ્લાસ સાથે હેલીકોપ્ટરમાં રાજકોટ તાલુકાનાં લાપાસરી ગામ પહોંચી હતી. આ બંને ગામ વચ્ચેનું અતર માત્ર ૧૫ કિ.મિ. હોવી છતાં ગામ લોકોએ ઉત્સાહથી હેલીકોપ્ટરમાં ઠાકોરજીની જાન જોડી દરેક  ઘરમાથી એક વ્યકિત અલગ અલગ વાહનમાં  લાપાસરી જાનમાં જોડાયા હતા. 

લાપાસરી ગામ આ અનોખા તૂલસી વિવાહ માટે યજમાન બન્યુ હતુ. લાપાસરીમાં જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ વિવાહ પ્રસંગ યોજાયો હતો તેમાં આખુ ગામ જોડાયું હતુ. ગામનાં સરપંચનાં પરિવારે કન્યાદાન આપ્યુ હતુ. બંને ગામનાં હજારો લોકો આ અનોખા તુલસી વિવાહનાં પ્રસંગમાં જોડાયા હતા. હજારો લોકોએ સાંજે મહાપ્રસાદ લીધો હતો. 

અમરેલી જિલ્લાનાં જાફરાબાદમાં વારાહ સ્વરુપ મંદિર ખાતે તુલસી વિવાહ યોજાયા હતા . જાન શિયાળ બેટથી આવી હતી. ઉત્સાહ સાથે યોજાયેલા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતોે. સોશ્યલ મીડિયામાં આ વિડીયો વાઈરલ થતા આ મૂદો સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 

Gujarat